લોકસભા ચૂંટણી લડવા અંગે નરેશ પટેલે આપ્યો આવો જવાબ
એક ગુજરાતીને ફરીથી વડા પ્રધાન બનાવવા અંગેના સવાલ મુદ્દે પણ નરેશ પટેલ મૌન રહ્યા
તેજશ મોદી/ સુરતઃ દક્ષિણ ગુજરાતમાં સુરતની નજીક ખોડલધામ જેવા ભવ્ય મંદિરના નિર્માણની ચર્ચા કરવા માટે કાગવડ ખોડલધામના ટ્રસ્ટી અને જાણીતા પાટીદાર નેતા નરેશ પટેલ સુરતની મુલાકાતે આવ્યા હતા. અહીં, તેમને જ્યારે આગામી લોકસભા ચૂંટણી લડવા અંગે સવાલ પુછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, યોગ્ય સમયે જવાબ આપીશે. એક ગુજરાતીને ફરીથી વડા પ્રધાન ચૂંટી કાઢવા અંગેના સવાલના જવાબમાં નરેશ પટેલે કહ્યું કે, હાલ તેઓ કોઈ રાજકીય નિવેદન આપશે નહીં. તેઓ અહીં માત્ર સમાજના હિતની ચર્ચા કરવા આવ્યા છે.
લોકસભા ચૂંટણીઃ તોગડિયા 'હિન્દુસ્થાન નિર્માણ દળ'ના નેજા હેઠળ 100 ઉમેદવાર ઊભા રાખશે
લેઉવા પટેલ સહિતના સમાજ માટે ખોડલધામ આસ્થાનું પ્રતિક છે. સૌરાષ્ટ્ર એ પાટીદારોની જન્મભૂમિ છે, તો સુરત પાટીદારોની કર્મભૂમિ છે. સુરતના લોકોને ખોડલધામના દર્શન કરવા માટે ખૂબ લાંબું અંતર કાપવું પડે છે અને સમાજ માટેની પ્રવૃત્તિઓ પણ ઓછી થતી હોય છે. આથી ખોડલધામના પ્રણેતા નરેશ પટેલ દ્વારા એક વિચાર મૂકવામાં આવ્યો છે કે, દક્ષિણ ગુજરાતમાં પણ ખોડલધામ જેવું જ એક મંદિર બનાવવામાં આવે. તેના માટે સુરતની આસપાસનો વિસ્તાર સંભવતઃ પસંદ કરવામાં આવશે.