અમદાવાદ : બહુચર્ચિત નરોડા પાટિયા કેસમાં ગુજરાત હાઇકોર્ટે ત્રણ આરોપીઓને 10 વર્ષની સજા ફટકારી છે. હાઇકોર્ટે આજે સજા સંભળાવી છે. જોકે આ અંગે વધુ વિગત આવવાની હજું બાકી છે. જોકે એવું જાણવા મળી રહ્યું છે કે, જે ત્રણ શખ્સોને નીચલી કોર્ટે નિર્દોષ છોડી મુક્યા હતા એ પૈકીના ત્રણને આજે હાઇકોર્ટે સજા ફટકારી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શહેરના નરોડા પાટિયા હત્યાકાંડમાં ગુજરાત હાઇકોર્ટે આજે મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. હાઇકોર્ટે મુકેશ જાદવ, રાજકુમાર ચૌમાલ અને પરમેન્દ્ર જાદવને દોષિત જાહેર કરતાં 10 વર્ષની સજા ફટકારી છે. એવું કહેવાય છે કે, હાઇકોર્ટે પોલીસની જુબાની અને અન્ય વધુ સાક્ષીઓની જુબાનીને પગલે આ ચૂકાદો આપ્યો છે. 


અહીં નોંધનિય છે કે, વર્ષ 2002ના નરોડા પાટિયા કેસમાં અગાઉ હાઈકોર્ટ દ્વારા ચુકાદો અપાતાં માયા કોડનાનીને નિર્દોષ જાહેર કરાયા હતા. જ્યારે બાબુ બજરંગીને દોષિત ગણી 21 વર્ષની સજા ફટકારી હતી. બાબુ બજરંગી સહિત 3 લોકોને કોર્ટે ષડયંત્રકારી ગણાવ્યાં હતાં. મુકેશ ઉર્ફે વકીલ, હીરાજી મારવાડી સહિત 17 લોકોને હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. 31 માંથી 14 દોષિત 17 નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં છે. જ્યારે એકનું મોત થઈ ચૂક્યું છે. જસ્ટિસ હર્ષા દેવાણી અને ન્યાયમૂર્તિ એ એસ સુપેહિયાની પેનલે આ મામલે સુનાવણી પૂરી થયા બાદ ગત વર્ષ ઓગસ્ટમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આ કેસમાં સ્પેશિયલ કોર્ટે ભાજપના ધારાસભ્ય માયા કોડનાની અને બાબુ બજરંગી સહિત 32 લોકોને દોષિત ઠેરવતા ઉમરકેદની સજા સંભળાવી હતી.


શું છે મામલો?
ઉલ્લેખનીય છેકે 27 ફેબ્રુઆરીના 2002ના રોજ ગોધરામાં સાબરમતી એક્સપ્રેસની બોગીઓને બાળવાની ઘટના બાદ 28 ફેબ્રુઆરી 2002ના રોજ અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારમાં નરસંહાર થયો હતો. આ દરમિયાન 9 લોકોની હત્યા કરાઈ હતી. જ્યારે 33 લોકો ઘાયલ થયા હતાં. આ ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં રમખાણો ફાટી નિકળ્યા હતાં. ગોધરાકાંડ વખતે ટ્રેનની બોગીમાં 59 લોકો હતાં. જેમાંથી મોટાભાગના લોકો અયોધ્યાથી પાછા ફરી રહેલા કારસેવકો હતાં. ગોધરા કાંડના પગલે નરોડા પાટિયામાં તોફાનો થયાં હતા જેમાં 97 લોકોને જીવતા સળગાવી મોતને ઘાટ ઉતારાયાં હતાં. 


કોને કેટલી થઈ હતી સજા?
માયા કોડનાનીને 28 વર્ષની જેલની સજા થઈ હતી. એક બહુચર્ચિત આરોપી બજરંગ દળના પૂર્વ નેતા બાબુ બજરંગીને મૃત્યુ સુધી આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. સાત અન્યને 21 વર્ષના આજીવન કારાવાસની સજા અને અન્ય લોકોને 14 વર્ષના આજીવન કારાવાસની સજા થઈ હતી. નીચલી કોર્ટે પુરાવાના અભાવે 29 અન્ય આરોપીઓને છોડી મૂક્યા હતાં. દોષિતોએ નીચલી કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જ્યારે વિશેષ તપાસ દળે 29 લોકોને છોડી મૂકવાના ફેસલા સામે હાઈકોર્ટમાં પડકાર ફેંક્યો હતો. 


2005 યુસી બેનર્જી કમિટીની રચના કરાઈ
માર્ચ 2002માં ટ્રેનની બોગી બાળી મૂકવાના મામલે ધરપકડ કરાયેલા લોકો પર પ્રિવેન્શન ઓફ ટેરરિઝમ એક્ટ એક્ટ એટલે કે પોટા લગાવવામાં આવ્યો. ત્યારબાદ ગુજરાતની તત્કાલિન સરકારે કમીશન ઓફ ઈન્ક્વાયરી એક્ટ હેઠળ ગોધરા કાંડ અને ત્યારબાદની ઘટનાઓની તપાસ માટે એક આયોગની રચના કરી. ત્યારબાદ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ IPCની કલમ 120બી એટલે કે અપરાધિક ષડયંત્રનો મામલો નોંધ્યો. સપ્ટેમ્બર 2004માં યુપીએ સરકારે સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ યૂસી બેનરજીની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરી. જાન્યુઆરી 2005માં યૂ સી બેનરજી કમિટીએ પોતાના પ્રાથમિક રિપોર્ટમાં જણાવ્યું કે સાબરમતી એક્સપ્રેસની બોગી નંબર S-6માં લાગેલી આગ એક દુર્ઘટના હતી. રિપોર્ટમાં એ આશંકાને ફગાવવામાં આવી હતી કે ટ્રેનમાં બહારના તત્વો દ્વારા આગ લગાવવામાં આવી હતી. મે 2005માં પોટા રિવ્યુ કમિટીએ પોતાનો મત જણાવ્યો  હતો કે આરોપીઓ પર પોટા હેઠળ આરોપ લગાવવામાં ન આવે.