ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે નવસારીના સાંસદ સી.આર પાટીલની નિમણૂક
નવસારીના સાંસદ સી આર પાટીલને ગુજરાત ભાજપની કમાન મળી છે. તેઓ જીતુભાઈ વાઘાણીનું સ્થાન લેશે.
બ્રિજેશ દોશી/અમદાવાદઃ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના નવા અધ્યક્ષ તરીકે નવસારીના સાંસદ સી આર પાટીલ (CR Patil)ની નિમણૂક કરવામાં આવી છે. તેઓ જીતુભાઈ વાઘાણીનું સ્થાન લેશે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. મહત્વનું છે કે, છેલ્લા ત્રણ જેટલા વર્ષથી જીતુ વાઘાણી ભાજપની કમાન સંભાળી રહ્યા હતા.
જીતુ વાઘાણીને મળ્યુ હતુ એક્સટેન્શન
ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં જ સમાપ્ત થઈ ગયો હતો. ત્યારબાદ સંગઠનમાં ફેરફાર થવાની વાતો અનેક વાર સામે આવી હતી. પરંતુ આજે ભાજપે આખરે સી આર પાટીલને નવા પ્રદેશ પ્રમુખ બનાવી દીધા છે.
જાણો કોણ છે સીઆર પાટિલ
એમનું નામ ચંદ્રકાંત રઘુનાથ પાટીલ પરંતુ પેહલા સુરત અને હવે આખો દેશ એમને સી.આર.પાટીલના નામથી જ ઓળખે છે. સતત અને સખત પરિશ્રમ થકી આજે નવસારી લોકસભા વિસ્તારમાંથી બીજી વખત સાંસદ બનેલા સી.આર.પાટીલની પોતાના મતદારોમાં લોકપ્રિયતા એટલી પ્રચંડ છે કે ગત લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ લીડથી જીત મેળવનારમાં એમનો ક્રમ સમગ્ર દેશમાં ત્રીજો હતો. પોતાની ઓફિસમાં આઈ.એસ.ઓ. લેનાર તેઓ સમગ્ર દેશના પ્રથમ સાંસદ છે.એકદમ સામાન્ય પરિવારના રઘુનાથજી પાટીલ અને સરુબાઈ પાટીલના ઘરે ૧૬ માર્ચ ૧૯૫૫ના રોજ મહારાષ્ટ્રના જલગાંવ નજીક એદલાબાદના પીંપરી-અકારાઉત ખાતે સી.આર.પાટીલનો જન્મ થયો હતો. શાળાકીય શિક્ષણ દક્ષિણ ગુજરાતમાં વિવિધ સ્થળે લીધું હતું. છેલ્લે સુરતની આઈટીઆઇમા અભ્યાસ કર્યો.
સામે છે પેટાચૂંટણીનો પડકાર
સીઆર પાટીલને ગુજરાત ભાજપના કેપ્ટનની કમાન મળી છે. પરંતુ તેમની સૌથી પહેલી પરીક્ષા નજીક આવી રહી છે. રાજ્યમાં કુલ 8 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી યોજાવાની છે. આ માટે ચૂંટણી પંચે પણ પોતાની તૈયારી શરૂ કરી દીધી છે. હવે પાર્ટી અધ્યક્ષ બનવાની સાથે સીઆર પાટિલની સામે ભાજપને પેટાચૂંટણીમાં બધી સીટો પર વિજય અપાવવાનો પડકાર છે. તો આ વર્ષના અંત સુધીમાં રાજ્યમાં મહાનગર પાલિકાઓની પણ ચૂંટણી યોજાવાની છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube