અમદાવાદઃ હિમંતનગરના ઢુંઢર ગામે 14 માસની બાળકી પર થયેલા બળાત્કાર બાદ રાજ્યમાં પરપ્રાંતીયો પર હુમલા થયા હતા. આ ઘટના બાદ હાઈકોર્ટે રાજ્ય સરકારને જવાબ આપવા જણાવ્યું હતું. આજે સરકાર દ્વારા હાઈકોર્ટમાં સોગંધનામું રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યમાં અત્યાર સુધી પરપ્રાંતીયો પર થયેલી હિંસા, રાજ્ય સરકારે લીધેલા પગલા સહિતના મુદ્દે જવાબ આપવામાં આવ્યો હતો. આ સાથે રાજ્યસરકારે પોતાના સોગંધનામામાં જણાવ્યું કે, આગામી દિવસોમાં જે લોકો હિંસા ફેલાવશે તેમની સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે, બનાસકાંઠા જિલ્લામાં જે બાળકી પર બળાત્કાર થયો હતો તેનો આરોપી બિહારનો હતો. આ ઘટના બાદ રોષે ભરાયેલા લોકોએ ઉત્તર ભારતીયો પર હુમલાઓ કર્યા હતા. તેમને ડરાવી ધમકાવીને તેમના વતન પરત જવા માટે મજબૂર કર્યા હતા. આ ઘટના બાદ ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ કોર્ટે સરકાર પાસે ખુલાસો માંગ્યો હતો. જેના જવાબમાં સરકારે કાર્યવાહીના આંકડાઓ રજૂ કર્યા છે. સરકારે કહ્યું કે, પરપ્રાંતીયો પર થયેલી હિંસા મામલે અત્યાર સુધી 63 જુદા-જુદા ગુનાઓ નોંધાયેલા છે. કુલ 10 જિલ્લામાં ટોળા દ્વારા આ હિંસાની ઘટના બની હતી. 


રાજ્ય સરકારે સોગંધનામામાં જણાવ્યું કે પોલીસે ગુનેગારોને ઝડપી પાડવા માટે કડક કાર્યવાહી કરી છે. રાજ્યમાં શાંતિ ડહોળતા તત્વો સામે પગલા લેવાયા છે. એટલું જ રાજ્ય સરકારે જણાવ્યું રે ગુજરાત રાજ્ય સામે દેશનો કોઇપણ નાગરિક પરપ્રાંતિય નથી. ગુજરાતમાં ધંધા-રોજગારનો તમામને અધિકાર છે. આ અધિકાર રોકનાર સામે કાર્યવાહી કરાશે. તો સોશિયલ મીડિયા પર અફવા ફેલાવી શાંતિ ડહોળનારાઓ સામે સાયબર ક્રાઇમ હેટળ કાર્યવાહી કરાશે.