સાંજ સુધીમાં તો મેઘરાજાએ અડધું અડદ ગુજરાત પલાળી નાંખ્યું! જાણો ક્યા કેટલો વરસ્યો?
Ambalal Patel Forecast: ગુજરાતમાં સતત દિવસે મેઘરાજાનું આગમન થયું છે. ચોમાસાના વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે અને મેઘરાજા ભૂક્કા બોલાવી રહ્યા છે. ત્યારે આજે પંચમહાલ, દાહોદ, સુરત અને નવસારી સહિતના જિલ્લામાં મેઘરાજાનું આગમન થયું.
અંબાલાલ પટેલની મોટી આગાહી
ત્રણ ઓક્ટોબર નવરાત્રિના પ્રથમ દિવસથી 5 ઓક્ટોબર સુધી હસતા નક્ષત્રમાં ગાજવીજ અને પવન સાથે કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ થવાની શક્યતા છે. જ્યારે 9થી 12 ઓક્ટોબર દરમિયાન ચિત્રા નક્ષત્રમાં પણ વરસાદ વરસશે. આ આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે. જી હાં, નવરાત્રિમાં વરસાદની વરસવાની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહીથી ખેલૈયાઓની ચિંતા વધી ગઈ છે, કેમ કે ખેલૈયાઓ ગરબે ઘૂમવા થનગનાટ કરી રહ્યા છે અને બીજી તરફ આ વરસાદ નવરાત્રિના રંગમાં ભંગ પાડી શકે છે.
તો જૂનાગઢના માણાવદરના બાંટવાખારા જળાશયમાં પાણીની આવકમાં વધારો થયો છે, જેથી ડેમના દરવાજા ખોલીને પાણી છોડાયું અને નદીના પટમાં ન જવાની સૂચના આપવામાં આવી. દ્વારકા જિલ્લાના વર્તુ-2 ડેમના ચાર દરવાજા ખોલીને પાણી છોડાયું. ભાણવડમાં ચાર ઈંચ વરસાદ વરસતા પૂરનો ખતરો તોળાઈ રહ્યો છે. વર્તુ-2 ડેમના દરવાજા ખોલીને પાણી છોડાતા ગામડાના લોકોને એલર્ટ કરાયા છે.
તો રાજકોટના ધોરાજીમાં આવેલો ભાદર-2 ડેમ પણ ફરી વખત ઓવરફ્લો થતાં પાંચ દરવાજા ખોલાયા છે. ડેમમાં ઉપરવાસમાંથી 17 હજાર 320 ક્યુસેક પાણીની આવક થઈ હતી. ભાદર નદી કાંઠાના વિસ્તારના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા સૂચના અપાઈ છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. જેથી નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે.
નર્મદા, ભરૂચ, વડોદરાના 42 કાંઠા વિસ્તારના ગામોને અલર્ટ કરાયા છે. વડોદરામાં તારાજી સર્જનાર પૂર આવ્યાના 1 મહિના બાદ ફરી વિશ્વામિત્રીની સપાટી વધી છે. ચાર દિવસમાં વરસેલા વરસાદના કારણે સપાટીમાં વધારો થયો. તો સુરતના ઉકાઈ ડેમની સપાટી ભયજકન સ્તર નજીક પહોંચી...ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં 16 હજાર 700 ક્યુસેક પાણી છોડાયું. ઉકાઈની જળસપાટી વધતા તંત્ર અલર્ટ મોડ પર છે.
સવારે 6થી સાંજના 4 વાગ્યા સુધીમાં 118 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાપીના ડોલવણમાં 2.52 ઈંચ જ્યારે સુરતના ઉમરપાડામાં 2.01 ઈંચ તેમજ સાબરકાંઠાના તલોદમાં 1.97 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ભાવનગરના મહુવામાં 1.73, સુરતના ઓલપાડમાં 1.73 ઈંચ વરસાદ નોંધાયો છે.
ભરૂચના વાગરામાં 1.5, વલસાડના વાપીમાં 1.5 જ્યારે અરવલ્લીના માલપુરમાં 1.4 ઈંચ તો વલસાડના કપરાડામાં 1.42 ઈંચ, તો વલસાડના ધરમપુરમાં 1.30 ઈંચ અને રાજકોટના ગોંડલમાં 1.18 ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારીમાં અને જલાલપોરમાં 1.1 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વલસાડના ઉમરગામમાં 1.14 ઈંચ, સુરતના મહુવામાં 1.02 ઈંચ અને સુરત શહેરમાં 1.02 ઈંચ વરસાદ વરસ્યો છે.
અરવલ્લીમાં મેઘરાજા મહેરબાન
સતત ત્રીજા દિવસે ઉત્તર ગુજરાતમાં મેઘરજા મહેરબાન થયા છે. સાબરકાંઠા અને અરવલ્લીના માલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદથી વાતાવરણમાં તો ઠંડક પ્રસરી, પરંતુ ખેડૂતોના માથે ચિંતાના વાદળો છવાયા હતા. માલપુર, સજ્જનપુરા કંપા, વણજારી અને ગોવિંદપુરામાં વરસાદ વરસ્યો. વરસાદથી મગફળી, સોયાબીન અને કપાસના પાકમાં નુકસાનની ભિતી દેખાઈ રહી છે.
તો રાજકોટના જેતપુરમાં પણ સતત ત્રીજા દિવસે વરસાદનું આગમન થયું. ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદથી વાતાવરણ ઠંડુ થયું હતું. તો ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો. જેતપુરની તત્કાલ ચોકડી, સરદાર ચોક અને ધોરાજી રોડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો.
Trending Photos