હવે, વિશેષ સંજોગોમાં વિદ્યાર્થી બોર્ડની પરીક્ષાનું કેન્દ્ર બદલી શકશેઃ બોર્ડનો મહત્વનો નિર્ણય
ગુરૂવારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભાની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ અંગે કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા હતા.
હીતલ પારેખ/ ગાંધીનગરઃ ગુરૂવારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભાની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ અંગે કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા હતા. તેમાં સૌથી મહત્વનો નિર્ણય બોર્ડના વિદ્યાર્થી દ્વારા પરીક્ષા આપવાના કેન્દ્ર અંગેનો હતો. આ ઉપરાંત રાજ્યમાં ધમધમતી માન્યતા વગરની શાળાઓ પર લગામ કસવા અને ધોરણ 10ના પરિણામ પહેલા જ પ્રવેશ પરીક્ષા લઈને પ્રવેશ આપતી કેટલીક સેલ્ફ ફાઈનાન્સ શાળાઓની પ્રવૃત્તિને અટકાવવા પણ પગલાં લેવાનો નિર્ણય લેવાયો હતો.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં અભ્યાસ કરતા ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીએ તે જે શાળામાં અને જે શહેરમાં અભ્યાસ કરતો હોય ત્યાં જ તેને બોર્ડની પરીક્ષાનું કેન્દ્ર ફાળવવાનો નિયમ છે. બોર્ડના નિયમાનુસાર એક વખત ફોર્મ ભરી લીધા પછી વિદ્યાર્થી પરીક્ષાનું કેન્દ્ર બદલી શક્તો ન હતો. ગુરૂવારે યોજાયેલી બોર્ડની બેઠકમાં કેટલાક વિશેષ સંજોગોમાં પાકા પુરાવા રજૂ કરવામાં આવે તો વિદ્યાર્થીને પરીક્ષાનું કેન્દ્ર બદલી આપવા અંગેનો નિર્ણય લેવાયો હતો.
વિદ્યાર્થી ક્યારે બોર્ડની પરીક્ષાનું કેન્દ્ર બદલાવી શકે
- કેટલાક વિશેષ સંજોગોના આધારે પાકા પુરાવા આપીને પરીક્ષાનું કેન્દ્ર બદલી શકાય. (વાલીની એક શહેરમાંથી બીજા શહેરમાં નોકરી દરમિયાન બદલી)
- હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થી વતનમાંથી પરીક્ષા આપી શકશે.
- કોઈ પરીક્ષા કેન્દ્રનું વાતાવરણ ગેરરીતિના સંદર્ભમાં યોગ્ય ન હોય તો પણ નજીકના અન્ય કેન્દ્ર પરથી વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે.
શા માટે લેવો પડ્યો નિર્ણય?
કોઈ એક વિદ્યાર્થીના વાલી એક શહેરમાં સરકારી કે ખાનગી નોકરી કરતા હતા. વિદ્યાર્થીએ ધોરણ-10/12ની બોર્ડની પરીક્ષા માટે આ શહેરમાંથી જ ફોર્મ ભર્યું હતું. હવે, અભ્યાસ દરમિયાન બોર્ડની પરીક્ષા પહેલા સંજોગવશાત તેના વાલીની બદલી કોઈ અન્ય શહેરમાં થઈ ગઈ. આથી, સ્વાભાવિક છે કે વિદ્યાર્થી પણ વાલીની સાથે જ બદલીના સ્થળે રહેવા જતો રહ્યો હોય છે. આથી, બોર્ડના વર્તમાન નિયમ મુજબ હવે જ્યારે બોર્ડની પરીક્ષા લેવાય ત્યારે વિદ્યાર્થીએ પોતાના જુના શહેરમાં પરીક્ષા આપવા આવવું પડતું હતું. જેના માટે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. બોર્ડ સમક્ષ આ અંગે અવાર-નવાર રજૂઆતો થઈ હતી. આથી, બોર્ડે આવા વિશેષ કિસ્સામાં જો બદલી અંગેના પાકા પુરાવા રજુ કરવામાં આવે તો વિદ્યાર્થીને અન્ય શહેરમાં પરીક્ષાનું કેન્દ્ર ફાળવી આપવાનો નિર્ણય લેવાયો છે.
અમદાવાદ : પોતાની હવસને સંતોષવા પિતાએ 9 વર્ષની દીકરીને ભોગ બનાવી
અમલ ક્યારથી થશે?
હાલ, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભામાં આ નિર્ણય લેવાયો છે. આથી, હવે આ નિર્ણયને કાયદાનું સ્વરૂપ આપવા માટે તેને બોર્ડની કારોબારી સમિતિની બેઠકમાં ઠરાવ સ્વરૂપે રજૂ કરવામાં આવશે. કારોબારી સમિતિમાં આ અંગેના ઠરાવને મંજુરી મળી ગયા પછી તેને શિક્ષણ મંત્રાલયમાં મોકલવામાં આવશે. શિક્ષણ મંત્રાલયની મંજુરી પછી આ નિયમ વિદ્યાર્થીઓ માટે લાગુ થઈ જશે.
ગીરમાં સિંહોના અકાળે મોત માટે જવાબદાર છે આ 9 કારણો, કોર્ટ મિત્રએ બનાવ્યો ચોંકાવનારો રિપોર્ટ
સામાન્ય સભામાં લેવાયેલા અન્ય નિર્ણય
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની બેઠકમાં બીજા પણ કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા હતા. જેમાં સૌથી મોટો નિર્ણય રાજ્યમાં માન્યતા વગરની શાળાઓના દુષણ પર રોક લગાવવા બોર્ડ દ્વારા શાળાઓને નોંધણી પ્રમાણપત્ર આપવાની પ્રથા શરૂ કરાશે.
SSCના પરિણામ પહેલા કેટલીક નોન ગ્રાન્ટેડ શાળાઓ પ્રવેશ પરીક્ષા લઇ વિદ્યાર્થીઓને ઉચ્ચ માધ્યમિક શાળામાં પ્રવેશ આપતી હોવાની પ્રવૃત્તિ પણ બોર્ડના ધ્યાનમાં આવી છે. આથી, આવી પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પણ બોર્ડ કાર્યવાહી કરશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ એસએસસીના પરિણામ બાદ જ આગળના ધોરણમાં પ્રવેશપ્રક્રિયા હાથ ધરાય એવી નીતિ તૈયાર કરવા બોર્ડ વિચારણા કરી રહ્યું છે.
જૂઓ LIVE TV.....