ઉપસરપંચ હત્યા : પરિવારે આત્મવિલોપનની ચીમકી આપી કહ્યું, ‘માંગ નહિ સ્વીકારો, તો મૃતદેહને CM ઓફિસ લઈ જઈશું’
બોટાદના જાળીલાના ઉપ-સરપંચની હત્યા બાદ તેમના પરિવારે હજી સુધી તેમનો મૃતદેહ સ્વીકાર્યો નથી. તેમજ તેમની પત્નીએ પતિના મૃતદેહ સાથે આત્મવિલોપન કરવાની ચીમકી આપી છે. બપોર સુધી માત્ર ત્રણ આરોપી જ પકડાતા મૃતક ઉપસરપંચ મનજી સોલંકીનો પરિવાર હજી પણ પોતાની માંગણીઓ પર અડગ છે.
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર :બોટાદના જાળીલાના ઉપ-સરપંચની હત્યા બાદ તેમના પરિવારે હજી સુધી તેમનો મૃતદેહ સ્વીકાર્યો નથી. તેમજ તેમની પત્નીએ પતિના મૃતદેહ સાથે આત્મવિલોપન કરવાની ચીમકી આપી છે. બપોર સુધી માત્ર ત્રણ આરોપી જ પકડાતા મૃતક ઉપસરપંચ મનજી સોલંકીનો પરિવાર હજી પણ પોતાની માંગણીઓ પર અડગ છે. તો બીજી તરફ, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વર પરમારે જિલ્લા પોલીસ વડાને તાકિદે તપાસ કરી રિપોર્ટ આપવા માટે સૂચન આવ્યું છે.
પત્નીએ મૃતદેહ સાથે આત્મવિલોપનની ચીમકી આપી
આ કેસમાં મૃતકના પરિવારજનોની આત્મવિલોપનની ચીમકી આપી છે. પરિવારજનો મૃતદેહને CM ઓફિસ લઈ જઈને વિરોધ નોંધાવશે. ઉપ સરપંચની પત્નીએ પતિના મૃતદેહ સાથે આત્મવિલોપનની ચીમકી આપી છે. મૃતક મનજી સોલંકીના પુત્રએ કહ્યું કે, 2010થી ચૂંટણીની અદાવત ચાલે છે. ચારવાર અમારા પર હુમલા થયા છે. આ મામલે અમે વારંવાર ફરિયાદ કરી હતી. અમે હુમલો થાય તેવી દહેશત વ્યક્ત કરી હતી, પણ પોલીસે ગંભીરતા દાખવી ન હતી. જો અમારી માંગણી સ્વીકારવામાં ન આવે તો મૃતદેહ નહિ સ્વીકારીએ.
અમને રૂપિયાની ભૂખ નથી
મૃતક મનજીભાઈના દીકરા તુષાર સોલંકીએ જણાવ્યું કે, અમને સરકારી સહાય નથી જોઈતી. અમને રૂપિયાની ભૂખ નથી. તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવે અને પરિવારને રક્ષણ આપવામાં આવે. મિનિસ્ટર ઈશ્વર પરમારે જે તપાસના આદેશ આપ્યા છે તે લેખિતમાં આપવામાં આવે. તો મૃતકના ભાઈ દિપક સોલંકીએ કહ્યું કે, સરકારના પ્રતિનિધિ જો 2 કલાકમાં વાતચીત માટે સિવિલ હોસ્પિટલમાં નહિ આવે તો મૃતક મનજીભાઈની બૉડીને સીએમ ઓફિસ ગાંધીનગર લઈ જવામાં આવશે. આમ આ પરિવારે આત્મ વિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
પરિવારે સરકાર સામે 6 માંગો મૂકી
સરકારને બે કલાકનું અલ્ટિમેટમ પરિવારજનો દ્વારા આપવામાં આવ્યું છે. જો બે કલાકમાં સરકાર તેમની છ માગ પૂરી નહીં કરે તો મૃતદેહને સચિવાલય લઇ જશે અને આત્મવિલોપન કરવાની ચિમકી પરિવારજનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. પરિવારજનોએ માગ કરી છેકે પરિવારને સુરક્ષા આપવામાં આવે, હથિયાર રાખવાનો પરવાનો આપવામાં આવે, કેસની તપાસ માટે એસઆઇટીની રચના કરવામાં આવે, સુરક્ષા પાછી ખેંચનાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવે, પસંદગીના સરકારી વકીલ રાખવા દેવામાં આવે તેમજ અગાઉના બોટાદમાં ચાલી રહેલા કેસોની ડે ટૂ ડે તપાસ થાય તે માટે કેસોની અમદાવાદ ટ્રાન્સફર કરવામાં આવે આ છ માંગો સાથે અત્યારે પરિવારજનો સિવિલ હોસ્પિટલની
બહાર ધરણા પર બેઠાં છે.
મંત્રી રમણલાલ વોરાએ પ્રેસ કોન્ફરન્સ યોજી
બોટાદના જાળીલામાં થયેલી ઉપ-સરપંચની હત્યા સંદર્ભે ભાજપમાં વરિષ્ઠ નેતા અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરાએ પ્રેસ કોન્ફન્સ યોજીને ઘટનાના અપડેટ્સ આપ્યા હતા. તેમણે કહ્યું કે, બોટાદમાં કમનસીબ બનાવ બન્યો છે. ભાજપ આ બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને આવા કોઈપણ બનાવો બને સરકાર પગલાં લે છે અને કાયદેસરની કાર્યવાહી કરે છે. અનુસૂચિત જાતિ પરનો કોઈ પણ બનાવ બને તો ડીવાયએસપી કક્ષાના અધિકારી તપાસ કરે છે. અત્યાર સુધી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, આજે સાંજ સુધીમાં બાકીના બધા જ આરોપીઓ પકડાઈ જાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. પત્ર લખવા છતાં સુરક્ષા કેમ ન આપવામાં આવી એ પ્રશ્નના
જવાબમાં રમણલાલ વોરાએ જણાવ્યું કે, એસ.આર.પી.ની કંપનીઓ સુધી ટ્રાન્સફર થતી હોવાના કારણે પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું ન હતું. અગાઉ તેમને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું હતું, પણ ત્યારબાદ એસઆરપીની કંપની ટ્રાન્સફર થતાં તેમની પાસે કોઈ પ્રોટેક્શન ન હતું. બોટાદ જિલ્લામાં એસઆરપી કંપની કામ કરતી હતી. તે આખેઆખી કંપની ટ્રાન્સફર કરી હતી. તેના કારણે પોલીસ પ્રોટેક્શન ન હતું. ગૃહ મંત્રીને કોઈ પત્ર લખ્યો હોઈ અને પ્રોટેક્શનમાં માંગ્યુ હોઈ એવું મારા ધ્યાનમાં નથી. આમ છતાં જો કોઈ ચૂક થઈ ગઈ હશે, તો મુખ્યમંત્રી કક્ષાએ પણ રજૂઆત કરવામાં આવશે તેવી હૈયાધારણા રમણલાલ વોરાએ આપી.
ઉલ્લેખનીય છે કે, બોટાદના બરવાળા રાણપુર વચ્ચે જાળીલા ગામ પાસે જૂની અદાવતમાં જાળીલા ગ્રામ પંચાયતના સભ્ય અને સરપંચના પતિ મનજીભાઈ જેઠાભાઈ સોલંકીની ગઈકાલે 6 શખ્સોએ હત્યા કરી હતી. કાર લઈ આવેલા હુમલાખોરોએ મૃતકના મોટરસાયકલને ટક્કર મારી હુમલો કર્યો હતો. મોડી રાત્રે મૃતકનો મૃતદેહ પીએમ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. આ મામલે પરિવારે મૃતદેહ સ્વીકારવા ના પાડતા પોલીસ દોડતી થઈ હતી. જેના બાદ પોલીસે ભગીરથ જીલુભાઈ ખાચર, કિશોર જીલુભાઈ ખાચર અને હરદીપ ભરતભાઇ ખાચર નામના શખ્સોની અટકાયત કરી હતી. આ મામલે કોંગ્રેસે પણ સરકાર પર પ્રહાર કરતા ટ્વિટ કરીને કહ્યું કે, મૃતક મનજીભાઈ સોલંકીએ એક વર્ષ પહેલા જ પોતાની જાનનું જોખમ હોવાને લઈ પોલીસ રક્ષણ માટે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને લેખિત રજૂઆત કરી હતી, પરંતું ધ્યાનમાં ન લેવાતા તેમની લાપરવાહીથી મનજીભાઈની હત્યા થઈ છે.’
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે