Mehsana News તેજસ દવે/મહેસાણા : ઓનલાઈન વેબસાઈટ ઉપરથી સમાન ખરીદતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો મહેસાણામાં પ્રકાશમાં આવ્યો છે. એમેઝોન કંપનીના ડિલિવરી બોય સામે મહેસાણામાં હત્યાના પ્રયાસની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પાર્સલ ડિલિવરી આપવા ગયેલા કુરિયર બોય સાથે રસીદ બાબતે થયેલી માથાકૂટ એટલી હદે પહોંચી ગઈ કે, ડિલિવરી બોયે પાર્સલ મંગાવનાર યુવતીનું ગળું દબાવી દીધું હતું. તો યુવતીને છોડાવવા વચ્ચે પડેલા યુવતીના પિતા સાથે પણ ઝપાઝપી કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા આ 65 વર્ષીય વ્યક્તિની આ હાલત ઓનલાઈન મંગાવેલા પાર્સલને કારણે થઈ છે. 65 વર્ષીય હરગોવિંદભાઈ ત્રીભોવનભાઈ પરમાર નિવૃત સરકારી અધિકારી છે. હરગોવિંદભાઈ પોતાના પરિવાર સાથે મહેસાણાની કૃષ્ણપાર્ક સોસાયટીમાં વસવાટ કરે છે. હરગોવિંદભાઈની દીકરી શ્વેતાએ પંદર દિવસ પૂર્વે ઓનલાઈન વેબસાઈટ ઉપરથી લેપટોપ બેગનો ઓર્ડર કર્યો હતો. અને પંદર દિવસ બાદ એમેઝોન કંપનીનો ડિલિવરી બોય વિજયભાઈ સદાભાઈ પરમાર ડિલિવરી માટે શ્વેતાના ઘરે પહોંચ્યો. જ્યાં શ્વેતાએ કરેલ ઓર્ડરની સામે બીજી જ બેગ આવી હતી. તેથી શ્વેતાએ પાર્સલ સ્વીકારવાનો ઇન્કાર કર્યો. તો ડિલિવરી બોયે પાર્સલ પરત લઈ જવા માટે 40 રૂપિયાની માંગણી કરી હતી. જે માટે શ્વેતાએ રિસીપ્ટ માંગી પણ રિસીપ્ટની માંગણી કરતા જ ડિલિવરી બોય ઉશ્કેરાઈ ગયો હતો. તેણે પાર્સલ શ્વેતાના મોઢા ઉપર મારી સીધું જ શ્વેતાનું ગળું દબાવી દીધું હતું. બુમાબુમ થતા શ્વેતાના પિતા દોડી આવ્યા હતા. જેમાં દીકરીને બચાવવાનો પ્રયાસ કરવા જતાં ધક્કો વાગી જતા હરગોવિંદભાઈ નીચે પડ્યા હતા. જેથી તેમનો હાથ ભાંગી ગયો હતો. 


તમારા ફેવરિટ અટલ બ્રિજ પરથી નીચે સાબરમતી નદીનો નજારો નહિ માણી શકો


હાલમાં ઓનલાઈન એપ્લિકેશનના માધ્યમથી લોકોમાં ખરીદીનું ચલણ વધ્યું છે. પણ મહેસાણામાં બનેલો આ બનાવ ઓનલાઈન ખરીદી કરતા લોકો માટે લાલબત્તી સમાન ઘટના છે. વિવિધ ઓનલાઈન કંપનીઓ વેચાણ વખતે ઇજી રિટર્ન પોલિસીના દાવા કરતી હોય છે. પરંતુ મહેસાણામાં યુવતીએ મંગાવેલી વસ્તુને બદલે સાદી બેગ આવતા પરત લઈ જવાને બદલે ખરીદી કરનાર યુવતીનો જીવ જોખમમાં મુકાઈ ગયો હતો. આ ઘટનાથી યુવતી ડરી ગઈ હતી. જો કે યુવતીના પિતાએ ડિલિવરી બોય સામે મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ મથકે હત્યાના પ્રયાસની ફરિયાદ દાખલ કરાવી છે. 


આ ઘટના બાદ યુવતી અને તેના પિતાને હોસ્પિટલમાં સારવાર લેવાની નોબત આવી છે. તો બીજી તરફ ઘટનાને અંજામ આપી ડિલીવરી બોય હાલ ફરાર થઇ ગયો છે. જો કે એમેઝોન જેવી કંપનીઓ ડિલિવરી બોય રાખતી વખતે કોઈ કાળજી લેતી હશે કે કેમ તે પણ એક સવાલ ઉભો થયો છે. 


અટલ બ્રિજ અંગે એક્સક્લુઝીવ સમાચાર, શું આ બ્રિજ પણ તોડવો પડશે?