હાર્દિક પટેલનો ચોંકાવનારો દાવો : મુખ્યમંત્રી રૂપાણી બદલાશે, પાટીદાર બનશે સીએમ
રાજકોટ આવેલા હાર્દિક પટેલે કહ્યું છે કે, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજીનામું લેવાયું છે અને આગામી 10 દિવસમાં પાટીદાર નેતા સીએમ બનશે
અમદાવાદ : પાસ નેતા હાર્દિક પટેલે વધુ એક ચોંકાવનારો દાવો કર્યો છે. ગુરૂવારે રાજકોટ આવેલા હાર્દિક પટેલે કહ્યું છે કે, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજીનામું લેવાયું છે અને આગામી 10 દિવસમાં પાટીદાર નેતા સીએમ બનશે. છેલ્લા કેટલાક સમયથી તેઓ સરકાર ચલાવવામાં નિષ્ફળ રહ્યા છે. હું દાવા સાથે કહું છું કે કોઇ પાટીદાર કે ક્ષત્રિય નેતા સીએમ તરીકે આવશે. હાર્દિક પટેલના આ દાવાને લઇને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ આને ભાજપનો નિષ્ફળતા છુપાવવાનો ખેલ ગણાવી રહ્યું છે તો ભાજપ આ દાવામાં કોઇ તથ્ય ન હોવાનું કહી રહ્યું છે.
હાર્દિક પટેલે શું કહ્યું? જુઓ વીડિયો
રાજકોટના માલવિયા પોલીસ સ્ટેશનમાં હાજરી આપવા આવેલા હાર્દિક પટેલે ચોંકાવનારૂ નિવેદન કરતાં વિવાદ ગરમાયો છે. ચૂંટણી સમયે પરવાનગી વગર સભા યોજવાના મામલે નોંધાયેલા કેસ મામલે હાર્દિક પટેલ ગુરૂવારે હાજરી આપવા આવ્યો હતો. અહીં પત્રકારો સાથે હાર્દિકે દાવો કર્યો કે, રાજ્યના મુખ્યમંત્રી બદલાય છે. ગઇ કાલે મળેલી કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામાની ચર્ચા થઇ હતી અને આગામી 10 દિવસમાં પાટીદાર નેતા સીએમ બનશે. હાર્દિક પટેલના આ નિવેદનને લઇને રાજકીય મામલો ગરમાયો છે.
ચહેરા બદલવા ભાજપની ટેવ : કોંગ્રેસ
રાજ્યમાં મુખ્યમંત્રી બદલાવવાના મામલે કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારનું કહેવું છે કે, હાર્દિક પટેલ પાસે કોઇ આંતરિક માહિતી હશે જેને આધારે એણે આવું નિવેદન કર્યું હોઇ શકે, પરંતુ એક વાત તો નક્કી છે કે કેટલાક સમયથી ભાજપમાં જે આંતરિક વિવાદ ચાલી રહ્યો છે, ઉકળતો ચરૂ જેવી સ્થિતિ છે એ બહાર આવી રહી છે. ભારતીય જનતા પાર્ટીની નાવ ડૂબવા જઇ રહી છે ત્યારે આવી પહેલ થવી સ્વાભાવિક છે. ભાજપના શાસનમાં જ્યારે એ લોકો નિષ્ફળ જાય છે ત્યારે ચહેરા બદલી નાંખવામાં આવે છે.
વાતમાં કોઇ તથ્ય નથી : ભાજપ
ભાજપ નેતા આઇ કે જાડેજાએ કહ્યું કે, આ વાતમાં કોઇ તથ્ય નથી. ગુજરાતનું વાતાવરણ કેમ ડહોળાઇ એવો પ્રયાસ થઇ રહ્યો છે. મીડિયામાં ટકી રહેલા માટેનો આ પ્રયાસ છે. કોંગ્રેસના પ્રવક્તા, વિરોદ પક્ષના નેતાઓ આવામાં કેમ કૂદી પડે છે. એમના મોંઢામાં સત્તા લાલસાની લાળ ટપકી રહી છે. આવા નિવેદનો વાહિયાત છે. પાયા વિહોણો આ દાવો છે.