Inspiring Stories : હતાશ થાઓ તો આ પાટીદાર યુવકના જીવન પર એક નજર કરવા જેવી છે, કલમને તાકાત બનાવી હારેલી બાજી જીતી
Positive Stories : `સ્પાઈન કોડ ડેમેજ` થી ચેતનાહિન થયેલા પાર્થનું આંગળીનું ટેરવું બન્યું કલમઃ ૩ પુસ્તકોના લેખન થકી યુવા લેખક તરીકેની સફર શરૂ કરી... મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગને પોતાનો આદર્શ માનતો પાર્થ જીવન જેવું છે તેવું સહજભાવે સ્વીકારી લેવાનું શિખવે છે
Positive Stories અલકેશ રાવ/બનાસકાંઠા : આજે વાત માંડવી છે, જીવનના હકારની. જીવન જીવવાનો હકારાત્મક અભિગમ "પોઝિટિવ એટીટ્યુડ" ગમે તેવી કપરી પરિસ્થિતિમાં તમને જીવતા શિખવી શકે છે. જીવન જેવું છે તેવું સ્વીકારી લેવાની સહજતા જો કેળવાય તો જીવન ક્યારેય કષ્ટદાયી લાગતું નથી. જીવનની કડવી વાસ્તવિકતાનો ઘૂંટડો ગળે ઉતારી જીવન જીવવાની સાચી કળા આત્મસાત કરનાર ૩૦ વર્ષીય યુવા લેખક પાર્થ ટોરોનીલની જીવન કથની આજના યુવાનો અને જીવનથી હતાશ થઈ ગયેલા દરેક જણ માટે પ્રેરણાના ધોધ સમાન છે. પણ એની જિંદગીની કડવી વાસ્તવિકતા આંખના ખૂણા ભીંજવી દે એવી ભયાનક છે.
એક દુર્ઘટનામાં પોતાની ભરયુવાની અપંગતામાં ખપી જાય એ યુવાન જિંદગી પાસેથી શું અપેક્ષા રાખી શકે? કુદરતના ન્યાયને કેવી રીતે સાચો ઠેરવી શકે? કે જેના સપનાં અરમાનો જ યુવા અવસ્થામાં ચકનાચૂર થઈ ગયા હોય, છતાં પણ ફક્ત ને ફક્ત પોતાના મજબૂત મનોબળ અને પોઝિટિવ એટીટ્યુડ થકી જીવન જીવવાનો નવો માર્ગ શોધી કાઢનાર પાર્થ ટોરોનીલ પોતાની એ દુર્ઘટનાને કુદરતના કોઈ આશીર્વાદ સમજી "ઇન્જરી એનિવર્સરી ડે" તરીકે ઉજવી પોતાની યુવા લેખક તરીકેની આગવી ઓળખ ઉભી કરવા તરફ પ્રયાણ કરી રહ્યો છે. તો આવો આજે માણીએ એક જીવતી વાર્તા કે જેમાં આધુનિક જીવન અને ભૌતિકવાદ પાછળ આંધળી દોટ મુકનાર પેઢી માટે જીવન જીવવાની એક અનોખી દ્રષ્ટિ અને દ્રષ્ટિકોણ બને છે.
આ પણ વાંચો :
હવે મરો! સરકારી ઓફિસમાં ગુલ્લીબાજ અધિકારીઓ ભરાશે, રાઘવજી ફરી દબંગ બન્યા
કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ આકરા પાણીએ : મામલતદારને જાહેરમાં લઈ લીધા
પાર્થ ટોરોનીલ એટલે પાર્થ મહેન્દ્રભાઈ પટેલ. બનાસકાંઠા જિલ્લાના નવાબી નગર પાલનપુરનો વતની. પિતા મહેન્દ્રભાઈ પાલનપુરમાં મેડિકલ સ્ટોર ચલાવે છે અને માતા રેણુકાબેન ગૃહિણી છે. જ્યારે મોટો ભાઈ નિકુંજ અમદાવાદમાં પોતાનો ધંધો સંભાળે છે. પાર્થનો જન્મ 1992માં 8 મી સપ્ટેમ્બરે થયો. ઘરમાં નાનો હતો એટલે સ્વભાવિક છે કે, સૌનો લાડકવાયો હતો. પણ 30 મી ઓક્ટોબર 2010 નો દિવસ પાર્થ સહિત પટેલ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. પોતાના ફોઈના ઘેર વડોદરા વેકેશન માણવા ગયેલો પાર્થ સ્વીમીંગ પુલમાં છલાંગ લગાવતાં એક અકસ્માતનો ભોગ બન્યો અને ફક્ત 18 વર્ષની ઉંમરે સો ટકા ડિસએબેલીટી (પેરાલીસીસ) એની યુવાનીને ભરખી જનાર અભિશાપ લઈ આવી.
મેડિકલની ભાષામાં "સ્પાઈન કોડ ડેમેજ" કહેવાય એવી આ દુર્ઘટનાએ પાર્થનું કમર નીચેનું અંગ સાવ ચેતનાહિન કરી દીધું અને હાથની હિંમત પણ છીનવી લીધી. ફક્ત એક આંગળીનું ટેરવું સામાન્ય હલનચલન કરી શકે એટલી જ ચેતના એના ઉપરના અંગમાં રહી અને આ ચેતના જ એના જીવનનો નવો માર્ગ બની. આંગળીનું ટેરવું કલમ બની, લેપટોપના કી બોર્ડ પર ફરવા લાગ્યું અને સર્જાઈ જીવનના હકારાત્મક વલણની અદ્દભૂત જીવતી વાર્તા. પોતાની શારીરિક અક્ષમતાને પોતાના મન પર ક્યારેય હાવી ન થવા દઈ હિંમત હાર્યા વગર જીવન જેવું છે તેવું સ્વીકારી અભિશાપને આશીર્વાદમાં પલટાવી દેનાર પાર્થ આજે ખુશ છે અને તેના શબ્દોમાં જ કહીએ તો આજની ઘડી તે રળિયામળીના નિજાનંદમાં મસ્ત છે.
પિતા મહેન્દ્રભાઈએ લખવાની હિંમત આપી
અમે જ્યારે પાર્થને મળ્યા ત્યારે પહેલો સવાલ કર્યો કેવું લાગે છે, ત્યારે એણે ચહેરા પર કોઈપણ રંજ વગરનું સ્મિત વેરતાં કહ્યું કે, "શરીરથી હાર્યો છું, મનથી નહિ" અને અમારી હિંમત પણ બેવડાઈ ગઈ ને લાગ્યું કે બંદે મેં હૈ દમ... હા ખરેખર પાર્થ કોઈ અનોખી માટીનો બન્યો હોય એમ જ લાગ્યું. બાકી જેનું સમગ્ર જીવન હવે પથારીમાં અને વ્હીલચેરના બે પૈડાં પર થંભી ગયું હોય એ વ્યક્તિ નવી ક્ષિતિજોની શોધમાં આકાશને આંબવાની ઝંખના સમાન ધૈર્ય ને હિંમત લાવે ક્યાંથી... ? જીવનના પડકારનો સામનો પથારીમાં કે વ્હીલચેરમાં બેઠા બેઠા કરવો એ નાની સુની વાત નથી. આ પડકારને પહોંચી વળવા પાર્થે પોતાની એકલતા, અપંગતાને પુસ્તકોમાં ઓગાળી દીધી અને વિવિધ વિષયોના ૫૦૦ જેટલાં પુસ્તકોનો અભ્યાસ કર્યો. આટલા વિશાળ વાંચન પછી લાગ્યું કે મારે લખવું જોઈએ અને સફર શરૂ થઈ એક લેખક તરીકેની. પાર્થે લેખક તરીકે પહેલો વિષય જ એટલો બોલ્ડ પસંદ કર્યો કે એની જાહેરમાં ચર્ચા પણ ન થઈ શકે. પોર્નોગ્રાફી જેવા સંવેદનશીલ અને બોલ્ડ સબ્જેક્ટ પર ગુજરાતી ભાષામાં પુસ્તક લખવું એજ મોટો પડકાર કહેવાય પણ પાર્થે હિંમત કરી આ વાત એના પપ્પા મહેન્દ્રભાઈને કરી અને મહેન્દ્રભાઈ પપ્પા મટી દોસ્ત બની ગયા અને પોર્નોગ્રાફી પર લખવાની મંજૂરી સાથે તમામ મદદ કરી અને હિંમત આપી. પાર્થે પોતાની પ્રથમ પુસ્તક "મોડર્ન ડ્રગ" માં પોર્નોગ્રાફી વિષયને સંપૂર્ણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજાવતાં આ વિષય પર લખાયેલ પુસ્તક, લેખો, સેક્સોલોજિસ્ટ અને સાયકોલોજિસ્ટના મંતવ્યોથી માંડી સેક્સવર્કરોના અભિપ્રાયો સુધીનો ખજાનો ઠાલવી દીધો છે. જ્યારે આ પુસ્તક પ્રસિદ્ધ થયું ત્યારે પ્રસિદ્ધ લેખિકા અને મોટિવેશન સ્પીકર કાજલ ઓઝા વૈધે પણ આ પુસ્તકના વખાણ કરી અભિનંદન પાઠવ્યા હતા અને ગુજરાતના નામાંકિત અખબારમાં તેની ચર્ચા કરતો લેખ લખ્યો હતો. ત્યારબાદ પાર્થે જીવન જીવવાનો દ્રષ્ટિકોણ બદલતી "108 આધ્યાત્મિક અને પ્રેરણાત્મક વાર્તાઓ" પુસ્તક લખ્યું અને ત્રીજું પુસ્તક "વૈધ- અવૈધ" નવલકથા સ્વરૂપે લખ્યું. હાલમાં પાર્થ "શબ્દ નિશબ્દ" અને "છલ- નિચ્છલ" બે પુસ્તકો લખી રહ્યો છે.
વ્હીલચેર પર બેસીને 500 પુસ્તકો વાંચી નંખ્યા
છેલ્લા બાર વર્ષની પથારીવશ અવસ્થામાં પાર્થે સામાજિક, ધાર્મિક, સાયન્સ ફિક્શન, ક્રાઈમ, સસ્પેન્સ, ડ્રામા જેવા વિષયો પરના 500 જેટલાં ગુજરાતી અંગ્રેજી પુસ્તકોનું વાંચન કર્યું છે. તેણે હરકિસન મહેતા, અશ્વિની ભટ્ટ, ચંદ્રકાન્ત બક્ષી, ગુણવંત શાહ, કાજલ ઓઝા વૈદ્ય, ગૌતમ શર્મા સહિતના ગુજરાતના સુપ્રસિદ્ધ લેખકોના પુસ્તકો વાંચ્યા છે. તો અંગ્રેજીમાં ડેન બ્રાઉન, જે. કે. રોલિંગ (હેરીપોર્ટર ફેઈમ), ચેતન ભગત, અરુંધતી રોય અને પ્રીતિ સીનોય તેના પસંદગીના લેખક છે. પાર્થ મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગને પોતાનો આદર્શ માને છે અને તેમના જીવનમાંથી મને એજ પ્રેરણા મળી કે જીવન જેવું છે તેવું સહજભાવે સ્વીકારી લેવું. ડિસ્કવરી ચેનલ પર સ્ટીફન હોકિંગના જીવન પરની એક ડોક્યુમેન્ટ્રી જોયા પછી મારામાં બદલાવ આવ્યો અને જીવન જીવવાની તેમજ લેખક બનવાની પ્રેરણા મળી હોવાનું જણાવે છે. વધુમાં તે જણાવે છે કે હું કયારેય વાચક ન હતો, પરિસ્થિતિએ મને વાચક અને લેખક બનાવ્યો છે. હું ફક્ત બે બાબતોથી ટકી ગયો એક મજબૂત મનોબળ અને બીજું ફેમિલીનો ફૂલ સપોર્ટ.. એમ કહી એ પોતાના માતા પિતાનો આભાર વ્યક્ત કરે છે. ભૂતકાળને યાદ કરી અને ભવિષ્યની ચિંતા કરવાથી કશું વળવાનું નથી આ હકીકત મેં બહુ જલ્દી સ્વીકારી લીધી. જેના લીધે હું ઓછો દુઃખી થયો. મને વિજ્ઞાનમાં શ્રદ્ધા છે કે આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ન્યુરો સાયન્સમાં અનેક શોધખોળો થઈ રહી છે તો કોઈ એવી ચિપ્સ શોધાશે અને મારા જેવા કાયમી અપંગતા ધરાવતા લોકો પહેલા જેવું જીવન જીવી શકશે.
દીકરો એન્જિનિયરને બદલે લેખક બન્યો તેનુ ગર્વ છે - પિતા
પાર્થના પિતા મહેન્દ્રભાઈ પટેલે કહ્યું કે, ડોક્ટરે મારા દિકરા પાર્થના ઓપરેશન વખતે કહ્યું કે લાખો કેસમાં એક જ કેસમાં આવું બને છે. ત્યારે ખૂબ હતાશ અને નાસીપાસ થયા હતા. પણ પછી પરિસ્થિતિ સ્વીકારી લીધી અને આજે એની તમામ જરૂરિયાતો અને તેને ખાવા-પીવા, ન્હાવા, બાથરૂમ સહિતની તમામ દૈનિક ક્રિયાઓની જવાબદારી પિતા નહી પણ એક દોસ્ત બની નિભાવી રહ્યો છું. પાર્થને ધોરણ 10 માં 78 અને ધોરણ 12 માં 75 ટકા હતા. તે કમ્પ્યુટર એન્જીનિયર બનવા માંગતો હતો પણ લેખક બની ગયો જેનું મને ગર્વ છે. અમારા ઘરમાં લેખક પેદા થયો એ ખુશી જ અમને આ પરિસ્થિતિમાં જીવતા રાખે છે.
કોઈ ચમત્કાર જ એને ફરીથી હરતો ફરતો કરી શકે છે - માતા
પાર્થની માતા રેણુકાબેન પટેલ જણાવે છે કે તેમના ઘરનું આધ્યાત્મિક વાતાવરણ મોટું પ્રેરકબળ બની રહ્યું છે. અમે સ્વાધ્યાય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાથી ઘરનું વાતાવરણ પહેલાંથી જ શાંત અને ખુશનુમા હતું. પાર્થ નાનપણથી જ મક્કમ મનોબળનો હતો. જ્યારે એની સાથે આ દુર્ઘટના બની ત્યારે ઘરનું આધ્યાત્મિક વાતાવરણ જ પ્રેરકબળ બન્યું અને અમે નાસીપાસ થયા વગર જેવી ભગવાનની મરજી એમ સ્વીકારી લીધું. કોઈ ચમત્કાર જ એને ફરીથી હરતો ફરતો કરી શકે છે પણ અમે આશા છોડી નથી.
નામમાં છે શિવત્વની ઝાંખી
પાર્થ ટોરોનીલ જેવું યૂનિક અને કોઈ વૈજ્ઞાનિક, સંશોધક કે મોટા લેખક જેવા નામ પાછળની કહાની પણ મજેદાર છે. પાર્થે જ્યારે લેખક બનવાનું નક્કી કર્યું ત્યારે લેખકને શોભે એવું નામ રાખવાની મથામણ કરતાં કરતાં પાર્થ ટોરોનિલ નામ રાખ્યું. બચપણમાં પાર્થ ને બધા "ટોરો" કહી ખીજવતાં. ગૂગલ પર સર્ચ કરતા માલુમ પડ્યું કે સ્પેનિશ ભાષામાં ટોરો નો અર્થ નંદી થાય છે. જે ભગવાન શિવનું વાહન અને ગણ છે અને નિલ એટલે ભગવાન નિલકંઠના નામના પ્રથમ બે અક્ષર નિલ મળી બન્યું ટોરોનીલ. આમ પાર્થના નામમાં શિવત્વની ઝાંખી જોવા મળે છે.
પાર્થની આ જીવતી વાર્તા આજના યુવાનો અને જીવનથી હારી ગયેલા નાસીપાસ થયેલા સૌ કોઈ માટે એક સંદેશ અને પ્રેરણા પુરી પાડનારી છે. કોઈ એક પરીક્ષામાં ઓછા ટકા આવવાથી કે મનપસંદ છોકરી, નોકરી ન મળવાથી જીવનનો અંત લાવનારા યુવાનો માટે પાર્થ એક પથદર્શક છે. જીવનમાં ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરવાની જીજીવિષા અને જીવન જીવવાની અદમ્ય ઈચ્છા જ નવું જીવન આપી શકે છે. જીવનને જેવું છે એવું સ્વીકારી પોતાના અંતરાત્માને ઓળખી આત્મબળથી જ જીવન જીવવાની કળા હસ્તગત કરી શકાય છે અને એટલે જ કહેવાયું છે કે, में भीतर गया, में भी तर गया।। જેણે પણ ભીતરને ઓળખ્યો એ જીવનમાં કદી ભૂલો પડ્યો નથી.
ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારની મોટી જીત, રાષ્ટ્રપતિએ આ બિલને આપી લીલીઝંડી