જયેન્દ્ર ભોઇ/પંચમહાલ: કાલોલ ખાતે આવેલા સરકારી અનાજના ગોડાઉન માંથી અંદાજિત 16 હજાર જેટલી રૂપિયા 1.56 કરોડની અનાજની બોરીઓ ગુમ થવાના મામલે આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગરીબોના પેટનો કોળિયો કાઢી વેચી ખાનારા 9 જેટલા ઈસમો વિરુદ્ધ કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં કૌભાંડનો આંકડો વધીને હવે 3 કરોડથી પણ વધુ રકમનું કૌભાંડ હોવાનું બહાર આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધીનગરની  વિજિલન્સ ટીમ દ્વારા કાલોલના સરકારી અનાજના ગોડાઉનનું ઓડિટ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે કરોડોનું અનાજ કૌભાંડ બહાર આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં ઘઉંની 16 હજાર, ચોખાની 2500 જેટલી બોરી મળી અંદાજિત 1.56 કરોડનું કૌભાંડ હોવાનું બહાર આવતા આ સમગ્ર મામલે જિલ્લા પુરવઠા વિભાગ હરકતમાં આવ્યું હતું. અને ભારે રાજકીય પીઠબળ ધરાવતા એવા બેલદાર બંધુઓ સહીત ભૂતકાળમાં કાલોલ ખાતે ફરઝ બજાવી ચૂકેલા મેનેજરો તેમજ ઓડિટરો સહીત 9 ઈસમો વિરુદ્ધ કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ હતી.


તાપી નદીનું અસ્તિત્વ બચાવવા સુરતીઓ નદીમાં ઉતર્યા, બનાવી માનવ સાંકળ


કાલોલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ફરિયાદ બાદ આ સમગ્ર કૌભાંડના ચોંકાવનારા તથ્યો સામે આવ્યા હતા. ગુજરાત રાજ્ય અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ ગોધરાના નાયબ જિલ્લા મેનેજર દ્વારા જે ફરિયાદ કાલોલ પોલીસ મથકે નોંધાવાઇ છે. તે મુજબ કૌભાંડનો આંકડો 3 કરોડને પણ વટાવી ચુક્યો છે. આ ફરિયાદ મુજબ રૂપિયા 2 કરોડ 73 લાખ 30 હજારની કિંમતની ઘઉંની 14853 બોરી અને રૂપિયા 70,28,000ની કિંમતની ચોખાની 2699 બોરી તેમજ રૂપિયા 72000ની કિંમતની 18 બોરી ખાંતથા કપાસિયા તેલના 3 ટીન જેની કિંમત 7692 રૂપિયા થાય છે. જે મળી કુલ 3 કરોડ 44 લાખ 39 હજાર 345 રૂપિયાનો જથ્થો બારોબાર સગેવગે કરવા અંગેની ફરિયાદ નોંધાઈ છે. 


પેપ્સિકો કંપનીએ ખેડૂતો પર બટાકા મુદ્દે કર્યા કેસ, રાજ્ય સરકાર આવી હરકતમાં



મહેન્દ્ર બેલદાર સહિતના કુલ 9 વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે 


  1. જી.એચ પરમાર,માજી ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર કાલોલ,

  2. એસ કે વસાવા,ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર કાલોલ ગોડાઉન(હાલ ફરઝ મોકૂફ) 

  3. મેહુલ પટેલ , ઇન્ટરનલ ઓડિટર 

  4. સુનિલ બેલદાર,લેબર કોન્ટ્રાકટર ,કાલોલ સરકારી અનાજ ગોડાઉન 

  5. મહેન્દ્ર બેલદાર,કાલોલ નગર પાલિકા ઉપ પ્રમુખ,લેબર કોન્ટ્રાકટર નો ભાઈ 

  6. ચિંતન બેલદાર,લેબર કોન્ટ્રાકટર ના સગા 

  7. કે.આર.દેવળ,તાત્કાલીન નાયબ જિલ્લા મેનેજર 

  8. લાલજી મહેશ્વરી,તાત્કાલીન નાયબ જિલ્લા મેનેજર 

  9. વિશાલ ડામોર,આસિસ્ટન્ટ 



આમ કુલ મળી કાલોલ નગર પાલિકાના ઉપ પ્રમુખ સહિત 9 ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદના પગલે હવે કાલોલ પોલીસે પણ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. જો ન્યાયિક અને તટસ્થ તપાસ થાય તો આ અનાજ કૌભાંડમાં કેટલાય રાજકીય નામો સામે આવાની શક્યતાઓ છે. જો કે પોલીસે સમગ્ર મામલે છેતરપીંડી તેમજ આવશ્યક ચીજ વસ્તુ ધારાની કલમ 3 મુજબ ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે.