ભરૂચ: ગાત્રો થીજવતી ઠંડીમાં ગરીબો માટે આશીર્વાદ સમાન બન્યા `શેલ્ટર ઓન વ્હીલ`
ભરૂચ નગરપાલિકાએ શહેરી વિસ્તારમાં રસ્તે રઝળતા ઘર વિહોણા લોકોને આશ્રય સ્થાન મળે તેવા હેતુસર નાઇટ શેલ્ટર ઓન વ્હીલની રાજ્યમાં પ્રથમ અનોખી યોજના શરૂ કરી છે
ભરત ચૂડાસમા, ભરૂચ: ભરૂચ નગરપાલિકાએ શહેરી વિસ્તારમાં રસ્તે રઝળતા ઘર વિહોણા લોકોને આશ્રય સ્થાન મળે તેવા હેતુસર નાઇટ શેલ્ટર ઓન વ્હીલની રાજ્યમાં પ્રથમ અનોખી યોજના શરૂ કરી છે. જેમાં બિન વપરાશી એસટી બસને રિનોવેશન કરાવી નિરાધારો માટે રાત્રી રોકાણ માટેની અલાયદા વ્યવસ્થા કરવામાં આવી છે.
ચોમાસુ હોય કે શિયાળું બારેય માસ રોડની સાઇડમાં ફુટપાથ પર સૂતા ઘર વિહોણા લોકો માટે પાલિકાએ એક આશ્રય સ્થાન ઉભું કરવાનો આ સુંદર પ્રયાસ હાથ ધર્યો છે. એસટી વિભાગ પાસેથી બિનવપરાશી એવી જૂની બસ લઇને તેને શેલ્ટર હોમમાં પરિવર્તિત કરાઇ છે. પ્રાયોગિક ધોરણે બે બસોને અંદાજિત 6 લાખના ખર્ચે રિનોવેશન કરવામાં આવી છે.
બન્ને નાઇટ શેલ્ટર બસોને ભરૂચ રેલવે સ્ટેશન પાસેના પાર્કિંગમાં મુકવામાં આવી છે. પાલિકા પ્રમુખ સુરભિ તમાકુવાલાએ જણાવ્યું હતું કે, ગરીબ લોકોને રાત્રી રોકાણ માટે સુવિધા મળી રહે તેવો રાજયનો આ પ્રથમ પ્રોજેકટ છે. આ બસોનો દૂરઉપયોગ ન થાય તે માટે સીસીટીવી કેમેરાઓ પણ લગાડવામાં આવ્યા છે.
નિરાશ્રિતો માટે તૈયાર કરાયેલી શેલ્ટર ઓન વ્હીલની બે બસોમાં એક બસ મહિલાઓ અને એક બસ પુરૂષો માટે બનાવવામાં આવી છે અને ભરૂચના રેલ્વે સ્ટેશન ઉપર મૂકવામાં આવી છે. એક બસમાં 10 વ્યક્તિઓ માટે પથારીની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક પથારી માટે ગોદડા, ચારસો, તકિયો આપવામાં આવશે અને સાથે સાથે લાઇટ, પંખો અને પીવાનું પાણી મળે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
ભરૂચ નગર પાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ આ અનોખી પહેલને શહેરના લોકો પણ બિરદાવી રહ્યા છે. છત વિનાના ફૂટપાથ ઉપર જીવન વિતાવતા નિરાશ્રિતો માટે આ બસો આશીર્વાદ રૂપ બની રહી છે. અત્રે જણાવવાનું કે આ વ્યવસ્થા ભરૂચમાં ચાલુ મહિનાની પહેલી તારીખે એટલે કે પહેલી ડિસેમ્બરે ગુજરાતના ટ્રાન્સપોર્ટ મંત્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. તે વખતે એમપી મનસુખ વસાવા અને એમએલએ દુષ્યંત પટેલ તથા ભરૂચ નગરપાલિકા પ્રમુખ સુરભી તમાકુવાલા પણ હાજર રહ્યાં હતાં.
રાજકોટમાં પણ કરાશે પ્રયોગ
ભરૂચમાં આ પ્રયોગને મળેલી સફળતાને જોઈને હવે રાજકોટમાં પણ આ રીતની વ્યવસ્થા હાથ ધરવામાં આવશે. 8 કિલોમીટર ચાલેલી બસોને આ પ્રકારે ઉપયોગમાં લેવાશે.