ગુજરાતમાં ગેરકાયદે દબાણો પર કરાયેલી બુલડોઝર સ્ટ્રાઈકનાં PM મોદીએ કર્યાં વખાણ
PM Modi In Jamnagar : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જામનગરને આપી મોટી ભેટ... જામનગરને 1500 કરોડના વિકાસકાર્યોની આપી ભેટ..
જામનગર :આણંદ, ભરૂચ, અમદાવાદીઓને આજે વિવિધ ભેટ આપીને પીએમ મોદી જામનગર પહોંચ્યા હતા. જામનગરની ગલીઓમાં પીએમ મોદીનો રોડ શો નીકળ્યો હતો. જામનગર પધારેલા વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ જામનગરને 1500 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી છે. તેમણે સૌની યોજનાના લિંક-1ના પેકેજ 5 અને લિંક-3ના પેકેજ 7નું લોકાર્પણ કર્યું. સાથે જ જિલ્લાના હરિપર ગામે નિર્મિત સોલાર પાવર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. રૂ.176 કરોડથી વધુના ખર્ચે 40 મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટ તૈયાર કરાયો છે. પ્રધાનમંત્રી મોદી જામનગરમાં રોડ શો વચ્ચે કારમાથી ઉતરીને લોકોને મળ્યા હતા. તેમણે લોકોને ઓટોગ્રાફ પણ આપ્યો હતો, જેથી લોકોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રધાનમંત્રી મોદીને તેમના ચાહકે એક પેઈન્ટિંગ પણગિફ્ટ કરી.
પીએમ મોદી જામનગરમાં જનમેદની જોઈને ખુશ થઈ ગયા હતા. રોડ શોમાં અને સભા સ્થળે લોકોની હાજરી જોઈ PM એ સંબોધનની શરૂઆતમાં કહ્યું કે, જામનગર આજે વટ પાડી દીધો. તેમણે આગળ કહ્યુ હતું કે, મને એરપોર્ટથી અહી આવવામાં મોડું એટલા માટે થયું કે, રસ્તામાં ભવ્ય સ્વાગત અને આર્શીવાદ આપ્યા. ઉમળકો અને ઉમંગ જોવા મળ્યો. મને આજે છોટી કાશીના આર્શીવાદ મળ્યા છે.
ગેરકાયદે દબાણો પર શું બોલ્યા
ગુજરાતમાં ગેરકાયદે દબાણો પર ચાલતી બુલડોઝર સ્ટ્રાઈકનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભરપૂર વખાણ કર્યાં છે. તેમણે કહ્યું કે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીનો અનુભવ ગુજરાતને બરાબર થયો છે. સમુદ્રની પટ્ટી ઉપર ગેરકાયદેસર બાંધકામો કરી કરીને જે લોકોએ દબાણ કર્યું હતું એ ચુપચાપ સફાચટ કરી દેવામાં આવ્યાં છે. ભૂપેન્દ્રભાઈ અભિનંદન. પીએમ મોદીએ કહ્યું કે- મક્કમ લીડરશીપની નીચે સુધી ખબર પહોંચી જતી હોય છે. કોઈ પણ વિરોધ વગર પોટલું બાંધીને બધાએ કહ્યું કે ભાઈ કશો વાંધો નહીં, તમારું છે લઈ લો. આ મક્કમતાનું પરિણામ છે. કેટલી બધી જમીન ખુલ્લી થઈ છે અને બેટ દ્વારકાનું સન્માન ફરીથી વધ્યું છે. બધા સંતોનાં નિવેદન જોયાં તેનાથી આનંદ થયો છે તેવું પણ પીએમ મોદીએ કહ્યું છે.. આખા ગુજરાતના સમુદ્ર કિનારા પર સફાઈ કરી રહ્યા છે ભૂપેન્દ્રભાઈ. હોંકારા-પડકારા કરનારા અડધા કલાકમાં સમજી ગયા કે ભાઈ આમાં કંઈ ચાલે એમ નથી.
આ પણ વાંચો : ગુજરાતની મતદાર યાદી જાહેર, જાણો કેટલા કરોડ પર પહોંચ્યો મતદારોનો આંકડો
તેમણે કહ્યું કે, ગુજરાતીઓ તો ખ ખમીરનો જ ભણેલા છે. અહીંની પ્રજા ખમીરવંતી છે. જે કચ્છ મોતની ચાદર ઓઢી સૂતુ હતું, તે કચ્છની જાહોજલાલી જોવા માટે આજે પ્રવાસીઓ કચ્છ આવે છે. જામનગરની સેન્ચ્યુરીમાં પંખીડા જોવા આવે છે. જામનગરના મહારાજા દિગ્વિજયસિંહજીને મારે શત શત નમન કરવા છે. તેમણે જે કામ કર્યું છે, તેમણે પોલેન્ડના નાગરિકોને સાચવ્યા, તેનો ફાયદો આખા હિન્દુસ્તાનને મળી રહ્યો છે. યુક્રેનમાંથી ભારતીયોને બહાર લાવવાના હતા, તેમને બહાર લાવીને પોલેન્ડની સરકારે મોટી મદદ કરી. તેનુ કારણ દિગ્વિજયસિંહજીની દયાળુતા હતી. અમારો પ્રયાસ જામસાહેબના શહેરને વિકસાવવાનું છે. જામનગરની જાહોજલાલી વધારીને સાચા અર્થમાં જામસાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છીએ. જામસાહેબ શત્રુશલ્યસિંહજીના મારા પર ખૂબ આશીર્વાદ રહ્યા છે, એમનું માર્ગદર્શન આપણે મળતું રહે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સૌની યોજનાના બીજા અને ત્રીજા તબક્કાનું લોકાર્પણ કર્યું. રૂ.300 કરોડથી વધુના ખર્ચે લિંક-1 પેકેજ-5નું અને રૂ.700 કરોડથી વધુના ખર્ચે લિંક-3 પેકેજ-7નું લોકાર્પણ કર્યું. જેથી સૌરાષ્ટ્રના જળાશયો ભરાતા પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. તેનાથી એક લાખથી વધુ એકર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળશે. સૌની યોજાનાના બીજા તબક્કામાં જામનગર અને દેવભૂમિ દ્વારકાના 55થી વધુ ગામને મળશે સિંચાઈ અને પીવાનું પાણી મળશે. રૂ.300 કરોડથી વધુના ખર્ચે સૌની યોજનાના લિંક-1 પેકેજ-5 નિર્માણથી જામનગર અને દેવભૂમિ દ્વારકાના 5-5 જળાશયો પાણીથી છલકાશે. 11 પંપ અને 66 કિ.મી. લાંબી પાઇપલાઇનથી કુલ 10 જળાશયો પાણીથી ભરાશે. જામનગરના 2 અને દેવભૂમિ દ્વારકાના 3 એમ કુલ 5 જળાશયોમાંથી પીવાનું પાણી અપાશે. જામનગરના અંદાજિત 32 ગામોના 21,061 એકર વિસ્તારમાં લાભ મળશે. દેવભૂમિ દ્વારકાના અંદાજિત 23 ગામોના 10,782 એકર વિસ્તારને લાભ થશે. કુલ 31,843 એકર વિસ્તારને સિંચાઇના પાણીનો લાભ મળશે.
સાથે જ જામનગર જિલ્લાના હરિપર ગામે નિર્મિત રૂ.176 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરાયો 40 મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. સોલાર પ્લાન્ટથી પ્રતિ વર્ષ 105 મિલિયન યુનિટથી વધુનું વીજ ઉત્પાદન થશે. સાથે જ વાલ્મીકી સમાજ કોમ્યુનીટી હોલનું ઈ-લોકાર્પણ કર્યું.