Gujarat : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે આવવાના છે. સવારે 10 વાગ્યે પીએમ મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. આજે પીએમ મોદીના ગાંધીનગરમાં 3 કાર્યક્રમો છે. સૌથી પહેલાં તેઓ ગાંધીનગરના નિજાનંદ ફાર્મમાં આયોજિત પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપશે. આ કાર્યક્રમ બાદ પીએમ મોદી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ઉપસ્થિત રહેશે અને રાજ્યમાં 42 હજારથી વધુ આવાસોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે. મહાત્મા મંદિરના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ પીએમ મોદી રાજભવન જશે. બપોરે રાજભવનમાં સરકાર અને સંગઠનના હોદ્દેદારો સાથેની બેઠકમાં ભાગ લેશે. આ બેઠકમાં રાજ્ય સરકારના ટોચના અધિકારીઓ પણ ઉપસ્થિત રહેવાના છે. આ બેઠક બાદ પીએમ મોદી બપોરે 3 વાગ્યે ગિફ્ટ સિટીમાં વિવિધ કંપનીઓના CEO સાથે બેઠક કરવાના છે. અહીં જ તેઓ વિવિધ યુનિવર્સિટીના કુલપતિઓ સાથે પણ બેઠક કરવાના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે ગુજરાતના પ્રવાસે છે, ત્યારે તેમના આ પ્રવાસ માટે તડામાર તૈયારીઓ કરાઈ છે. આ પ્રવાસ દરમિયાન તેઓ ઘણા પ્રોજેક્ટના શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રીના હસ્તે અમદાવાદને પણ ઘણા પ્રોજેક્ટ મળવાના છે. ત્યારે કેવો છે પ્રધાનમંત્રીનો કાર્યક્રમ, જોઈએ આ અહેવાલમાં.


પ્રધાનમંત્રી મોદી છેલ્લા કેટલાક દિવસોથી કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત હતા, જો કે હવે ચૂંટણી પૂરી થતા તેઓ ફરી એકવાર વતનની મુલાકાતે આવી રહ્યા છે. શુક્રવારે પ્રધાનમંત્રી ગાંધીનગરમાં યોજાનારા 3 કાર્યક્રમમાં હાજરી આપશે. 



સાડા 10 વાગ્યાની આસપાસ તેઓ અમદાવાદ એરપોર્ટ પહોંચશે. 11 વાગે તેઓ પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપશે. 12 વાગ્યે તેઓ મહાત્મા મંદિરમાં અમૃત અવાસોત્સવમાં હાજરી આપશે. જ્યાં તેઓ બે હજાર 452 કરોડના જુદા જુદા પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. જેમાં શહેરી વિકાસ વિભાગના 1654 કરોડના, વોટર સપ્લાય વિભાગના રૂપિયા 734 કરોડના, માર્ગ અને વાહનવ્યવહાર વિભાગના 39 કરોડના તેમજ ખાણ અને ખનિજ વિભાગના 25 કરોડના વિકાસકાર્યોનો સમાવેશ થાય છે.  


પ્રધાનમંત્રી જે આવાસનું લોકાર્પણ કરવાના છે તેમાં 1946 કરોડના ખર્ચે તૈયાર થયેલા અને તૈયાર થનારા 42,441 આવાસનો સમાવેશ થાય છે. શહેરી વિસ્તારમાં બનેલા 7113 અને ગ્રામીણ વિસ્તારમાં 12 હજાર આવાસોનું પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ કરાશે.  મહાત્મા મંદિરથી રાજભવન પ્રધાનમંત્રી જશે. જ્યાં તેઓ અઢી વાગ્યા સુધી રોકાણ કરશે અને CM, સંગઠનના પદાધિકારીઓ તથા મુખ્ય સચિવ સહિત અધિકારો સાથે બેઠક યોજશે. રાજભવનથી પ્રધાનમંત્રી બપોરે 3 વાગ્યે ગિફ્ટ સિટી જશે,  ત્યાં તેઓ વિવિધ કંપનીના CEO તથા યુનિવર્સિટીના કુલપતિઓ સાથે બેઠક યોજશે. 5 વાગે તેઓ ગિફ્ટ સિટીથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે. 


અમદાવાદને જે પ્રોજેક્ટ મળવાના છે તેના પર નજર કરીએ તો ગોતા અને અમરાઇવાડીમાં નવા વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન, ગેલેક્સી સિનેમા જંક્શન, દેવી સિનેમા જંક્શન અને નરોડા પાટિયા જંક્શનને જોડતો ફોર લેન ફ્લાયઓવર, વાડજ તેમજ સતાધાર જંક્શન પર ફોર લેન ફ્લાયઓવર તેમજ AMCના વિવિધ TP રોડ્સના રિસર્ફેસિંગનો સમાવેશ થાય છે. એટલે કે પ્રધાનમંત્રીનો આ ગુજરાત પ્રવાસ અનેક રીતે મહત્વનો બની રહેશે.