પીએમ મોદી 27 જુલાઈએ સૌરાષ્ટ્રને આપશે મોટી સૌગાત, વર્ષોની સમસ્યાથી મુક્તિ મળશે
PM Modi In Gujarat : 27 જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે ગુજરાત, સૌરાષ્ટ્રને આપશે મોટી સૌગાત... સૌરાષ્ટ્રની જીવાદોરી SAUNI યોજનાના બે પ્રોજેક્ટ્સ જનતાને સમર્પિત કરશે... 95 ગામોની 52,398 એકર જમીનને સિંચાઈ અને લગભગ 98 હજાર લોકોને પીવા માટે હવે મળશે નર્મદાના નીર... SAUNI યોજનાનું 95% કામ પૂર્ણ, અત્યારસુધીમાં 115 જળાશયોમાંથી 95 જળાશયો આ યોજના સાથે જોડાયા... લગભગ 6.50 લાખ એકર વિસ્તારમાં સિંચાઈ માટે અને લગભગ 80 લાખની વસ્તીને મળી રહ્યું છે નર્મદાનું પાણી
Gandhinagar ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 અને 28 જુલાઈના રોજ ગુજરાતના પ્રવાસે છે. પોતાની આ ગુજરાત યાત્રા દરમિયાન વડાપ્રધાન અનેક વિકાસકાર્યોની સાથે સૌરાષ્ટ્રના લોકોને જીવાદોરી સમાન SAUNI યોજના સંબંધિત એક મોટી ભેટ આપવા જઇ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે SAUNI એટલે કે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના હેછળ લિંક-3 પેકેજ 8 અને પેકેજ 9નું નિર્માણકાર્ય પૂર્ણ કરી લીધું છે, અને 27 જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ જ પ્રોજેક્ટને સૌરાષ્ટ્રની જનતાને સમર્પિત કરશે.
95 ગામોની 52,398 એકર જમીન અને 98 હજારથી વધુ લોકોને થશે લાભ
SAUNI પ્રોજેક્ટ હેઠળ તાજેતરમાં જ પૂર્ણ કરવામાં આવેલ લિંક 3 પેકેજ 8 અને 9 થી સૌરાષ્ટ્રના 95 ગામોની 52,398 એકર જમીનને સિંચાઈ અને લગભગ 98 હજાર લોકોને પીવા માટે હવે નર્મદા નદીનું પાણી મળી શકશે.
ઉલ્લેખનીય છે કે SAUNI પ્રોજેક્ટ અંતર્ગત લિંક-3ના પેકેજ 8 હેઠળ રૂ.265 કરોડના ખર્ચે ભાદર-1 અને વેરી બંધ સુધી 32.56 કિમી લંબાઈના 2500 મિમી વ્યાસવાળી એમ.એસ. પાઇપલાઇનની ફિડર એક્સટેન્શન લાઇન બિછાવવામાં આવી છે. તેનાથી 57 ગામોના 75,000થી વધુ લોકોને પીવાના પાણી માટે અને 42,380 એકરથી વધુ જમીનને સિંચાઈ માટે નર્મદાનું પાણી મળવા લાગશે.
આ જ રીતે, લિંક 3ના પેકેજ 9ની વાત કરીએ તો રૂ.129 કરોડના ખર્ચે આજી-1 બંધ અને ફોફલ-1 બંધ સુધી 36.50 કિમી લંબાઈની 2500 મિમી વ્યાસવાળી એમ.એસ. પાઇપલાઇનની ફિડર એક્સટેન્શન લાઇન બિછાવવામાં આવી છે. તેનાથી 38 ગામોના 23,000થી વધુ લોકોને પીવાના પાણી માટે અને 10,018 એકરથી વધુ જમીનને સિંચાઈ માટે નર્મદાનું પાણી મળવા લાગશે.
ચોમાસાના ચોથા રાઉન્ડની અંબાલાલની આગાહી, તારીખ આપીને કહ્યું આ દિવસે ખતરનાક વરસાદ આવશે
સૌરાષ્ટ્રની જીવાદોરી SAUNI યોજનાના મહત્વ વિશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, “SAUNI યોજના એ વડાપ્રધાનશ્રીનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે આ પ્રોજેક્ટની પરિકલ્પના કરી હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત છેલ્લા 7 વર્ષોમાં 1203 કિલોમીટર પાઇપલાઇન બિછાવવામાં આવી છે અને 95 જળાશયો, 146 ગામોના તળાવો અને 927 ચેકડેમ્સમાં કુલ અંદાજિત 71,206 મિલિયન ક્યુબિક ફીટ પાણી ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે, જેનાથી લગભગ 6.50 લાખ એકર વિસ્તારમાં સિંચાઇની સુવિધાઓમાં સુધાર થયો છે અને લગભગ 80 લાખની વસ્તીને પીના માટે મા નર્મદાના પાણી મળવા લાગ્યા છે.”
શું છે SAUNI યોજના, અને શા માટે તે સૌરાષ્ટ્ર માટે છે બહુ ખાસ
SAUNI એટલે કે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ યોજના સૌરાષ્ટ્ર વિસ્તાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને જીવાદોરી સમાન પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ હેઠળ, નર્મદા નદીમાં આવતા વધારાના 1 મિલિયન એકર ફીટ (43,500 મિલિયન ક્યુબિક ફીટ) પાણીને સૌરાષ્ટ્રના 11 દુકાળગ્રસ્ત જિલ્લાઓના 115 જળાશયોમાં ભરવાની યોજના છે.
PM મોદી ગુજરાતના જે એરપોર્ટનું લોકાર્પણ કરવાના છે, તે અંદરથી કેવું આલાગ્રાન્ડ બનાવાયુ છે જુઓ
આ પ્રોજેક્ટ પૂર્ણ થવા પર 970થી વધુ ગામોના 8,24,872 એકર વિસ્તારને સિંચાઈ માટે અને 82 લાખ લોકોને પીવાના પાણી માટે નર્મદા નદીના પાણીની સુવિધા મળશે. ઉલ્લેખનીય છે કે રૂ.18,563 કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલા SAUNI પ્રોજેક્ટનું 95% કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે, અને બાકીનું કાર્ય પણ ઝડપી ગતિએ પૂર્ણ થઈ જશે.
ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રની ભૌગોલિક સંરચના એવી છે કે અહીંયા ભૂગર્ભજળનું સ્તર પણ ઘણું ઓછું છે અને જળાશયોની સંગ્રહ કરવાની ક્ષમતા પણ ઓછી હોવાના કારણે વરસાદનું પાણી પણ વધુ માત્રામાં સંગ્રહ કરી શકાતું નથી. વધુમાં, મોટાભાગના વર્ષોમાં વરસાદ પણ ઓછો પડે છે. આ સમસ્યાના કાયમી ઉકેલ સ્વરૂપે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ SAUNI પ્રોજેક્ટની પરિકલ્પના કરી હતી અને આજે તે સૌરાષ્ટ્રના લોકો માટે જીવાદોરી સમાન પ્રોજેક્ટ સાબિત થઇ રહ્યો છે.
નબીરાઓની સાન ઠેકાણે લાવવા પોલીસ મેદાને, જ્યાં અકસ્માત સર્જ્યો ત્યાં જ પાઠ ભણાવ્યો