PM મોદી દાહોદથી ચૂંટણીનું રણશીંગુ ફૂંકશે, 21 એપ્રિલે ભવ્ય જનસભાને સંબોધશે
PM Modi in gujarat : આદિવાસી વિસ્તારોમાં પાર-તાપી- નર્મદા રિવર લિંક અપ યોજના નો કોંગ્રેસ વિરોધ કરી રહી છે તે સમયગાળામાં પીએમ મોદીનો દાહોદ પ્રવાસ ખૂબ જ મહત્વનો બની રહેશે
બ્રિજેશ દોશી/ગાંધીનગર :એપ્રિલ મહિનામાં પ્રધાનમંત્રી મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જ્યાં તેઓ બે જંગી જનસભાને સંબોધન કરશે. 21 અને 22 એપ્રિલના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી દાહોદથી વિધાનસભા ચૂંટણીનું રણશીંગુ ફૂંકશે. તેવી ટકોર ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે કાર્યકરોને કરી હતી. 21 એપ્રિલે દાહોદ ખાતે આદિવાસી સંમલેનને પીએમ મોદી સંબોધન કરશે. જેમાં 5 લાખથી વધુ આદિવાસીઓ હાજર રહેશે. દાહોદ, છોટા ઉદેપુર, મહીસાગર, પંચમહાલ અને વડોદરા જિલ્લાના કાર્યકરોને ભાજપ અધ્યક્ષે સંબોધન દરમિયાન લક્ષ્યાંક આપ્યો છે.
ભાજપ અધ્યક્ષે કહ્યું કે, માર્ચ મહિનામાં પ્રધાનમંત્રી મોદીનું ભવ્ય સ્વાગત અમદાવાદમાં થયું હતું. જેમાં ચાર રાજ્યોની જીત બદલ અભિવાદન કરવામાં આવ્યું હતું. હવે પ્રધાનમંત્રી ગુજરાતની ચૂંટણી માટે આવી રહ્યા છે અને વિધાનસભાની ચૂંટણીનું રણશીંગુ દાહોદથી ફૂંકાશે. 22 એપ્રિલે સાંજે બનાસકાંઠામાં 2 લાખ મહિલાઓના સંમેલનને પીએમ મોદી સંબોધન કરશે. ભાજપ અધ્યક્ષે કાર્યકરોને ટકોર કરી કે, ચૂંટણી પહેલા પીએમ મોદી દાહોદ આવી રહ્યા છે અને પછી ચૂંટણી સુધી આવે કે નહીં કે ના પણ આવે.
આ પણ વાંચો : અમદાવાદ સામૂહિક હત્યામાં મોટો ખુલાસો, વિનોદ મરાઠીની સાસુએ ખોલ્યો ઘરનો મહત્વનો ‘રાઝ’
આદિવાસી વિસ્તારોમાં પાર-તાપી- નર્મદા રિવર લિંક અપ યોજના નો કોંગ્રેસ વિરોધ કરી રહી છે તે સમયગાળામાં પીએમ મોદીનો દાહોદ પ્રવાસ ખૂબ જ મહત્વનો બની રહેશે. પીએમ મોદી દાહોદમાં કરોડોના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. બીજા દિવસે તેઓ બનાસકાંઠા જશે, બીજા દિવસે સાંજે એટલે કે 22 એપ્રિલે પશુપાલક મહિલાઓના સંમેલનને સંબોધન કરશે. આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મહિલાઓની મહત્વની ભૂમિકા અંગે પીએમ વાત કરશે.
એપ્રિલ મહિનામાં 2 દિવસ પીએમ મોદી ગુજરાત પ્રવાસે રહેશે. જ્યાં અલગ અલગ જિલ્લાઓમાં વિકાસ કાર્યોનું ખાત મુહુર્ત અને લોકાર્પણ કરશે. પીએમ મોદીના દાહોદના સંબોધન બાદ ગુજરાતની રાજનીતિની આગામી દિશા નક્કી થશે. વહેલી ચૂંટણીની અટકળો પર પૂર્ણ વિરામ લાગશે કે અટકળોને વેગ મળશે તે પણ આ સંબોધનમાં સ્પષ્ટ થશે.