રાજકોટ આગકાંડમાં પોલીસને મળી સફળતા, આબુરોડથી ધવલ ઠક્કરની અટકાયત
રાજકોટ આગકાંડમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે ફરાર થયેલા એક આરોપીની અટકાયત કરવામાં આવી છે. આબુરોડથી ધવલ ઠક્કર નામના આરોપીની અટકાયત કરવામાં આવી છે.
રાજકોટઃ રાજકોટના ટીઆરપી મોલ ગેમઝોનમાં શનિવારે ભયાનક આગ લાગી હતી. આ આગકાંડમાં કુલ 28 લોકોના મોત થયા હતા. મૃતદેહોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. તો આ કેસમાં અત્યાર સુધી ઝડપાયેલા ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્રણેયને 14 દિવસની રિમાન્ડમાં મોકલી આપવામાં આવ્યા છે. આ વચ્ચે સમાચાર મળ્યા છે કે આગકાંડનો વધુ એક આરોપી પોલીસની ઝપેટમાં આવી ગયો છે.
બનાસકાંઠા LCB પોલીસને મળી સફળતા
બનાસકાંઠા એલસીબી પોલીસે ધવલ ઠક્કર નામના વ્યક્તિની અટકાયત કરી છે. ધવલ ઠક્કરની આબુરોડથી અટકાયત કરવામાં આવી છે. આબુરોડની બજારમાંથી પોલીસે તેને ઝડપી લીધો છે. TRP ગેમિંગ ઝોનનો આરોપી ધવલ ઠક્કર ભાગીદાર છે. રાજકોટ આગકાંડ પછી ધવલ ઠક્કર ભાગી ગયો હતો.
આ પણ વાંચોઃ કેમ આગકાંડના 3 દિવસમાં 3 જ આરોપી પકાડાયા? શું પોલીસ બાકીના આરોપીને છાવરી રહી છે?
ત્રણ આરોપીઓ 14 દિવસના રિમાન્ડ પર
રાજકોટ આગકાંડમાં 28 લોકોના મોત થયા છે. આગકાંડના મુખ્ય આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોઈપણ સેફ્ટી વગર ગેમઝોન ચલાવતા ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. યુવરાજ સિંહ સોલંકી, નીતિન જૈન અને રાહુલ રાઠોડને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. સરકારી અને બચાવ પક્ષના વકીલોની દલીલો બાદ કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે.
રાજકોટ પોલીસ અને મનપા કમિશનરની બદલી
રાજકોટ આગકાંડમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. શનિવારે થયેલી દુર્ઘટનામાં કુલ 28 લોકોના મોત થયા હતા. આ વચ્ચે રાજ્ય સરકારે રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિશિપલ કમિશનલ આનંદ પટેલની બદલી કરી દીધી છે. રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રિજેશ કુમાર ઝાની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે નવા મનપા કમિશનર તરીકે ડીપી દેસાઈની નિમણૂંક કરવામાં આવી છે.