ગુજરાત : રાજ્યના અનેક વિસ્તારમાં આજે વહેલી સવારે ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું હતુ. સાથે જ ઝાકળના કારણે ચોમાસા જેવી ઠંડી અનુભવાઇ હતી. ત્યારે આ તમામ વચ્ચે રાજ્યમાં ફરી ત્રણ દિવસ ઠંડીનો ચમકારો વર્તાવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ઠંડીને પગલે લોકો વહેલી સવારે ગરમ કપડા પહેરીને જોવા મળ્યા હતા.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તર પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં અપરએર સર્ક્યુલેશનની સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. જેની અસરથી રાજ્યમાં 25 કિમીની ઝડપે પણ પવન ફૂંકાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ અમદાવાદ સહિત કેટલાક શહેરોમાં દિવસ દરમિયાન ગરમીનું જોર યથાવત્ રહેવાનું પણ અનુમાન લગાવાઈ રહ્યું છે. ઠંડીનો આ અંતિમ રાઉન્ડ માનવામા આવી રહ્યો છે.


ઉત્તર ગુજરાતમાં વરસાદ 
અરાવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. મોડાસા સહીત જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળતા માવઠાની શક્યતાને લઇ ખેડૂતો ચિંતામાં આવી ગયા છે. તો બીજી તરફ, બનાસકાંઠાના ડીસામાં ગઇકાલે મધરાત્રે ભારે પવન સાથે અચાનક વરસાદ પડ્યો હતો. ડીસાના ઘણા વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો. કમોસમી વરસાદને કારણે ખેતીના ઊભા પાકને નુકસાન થયું છે. સૌથી વધુ નુકસાન જીરું, ઇસબગુલ જેવા શિયાળુ પાકને થયું છે. જ્યારે કે બટાકા, રાયડાના પાકને પણ નુકસાન થયાની ભીતિ ખેડૂતોને છે. કમોસમી વરસાદને કારણે ઊત્તર ગુજરાતના ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.