રાજેન્દ્ર ઠક્કર/ભુજ : ભારે વરસાદની આગાહી વચ્ચે ભુજ, અબડાસા, નખત્રાણા, લખપત, માંડવી, મુંદરામાં અડધાથી એક ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. ગ્રામીણ વિસ્તારોમાં પાણીના સંગ્રહ સ્થાનોમાં પાલર પાણી આવતા ખેડૂત અને માલધારીઓમાં ખુશી વ્યાપી હતી. ભુજમાં મોડી રાત્રે અને વહેલી સવારે વરસાદે હાજરી પુરાવી હતી. અંજારમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી મંદ પડેલું ચોમાસુ ફરી સક્રિય થયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગ દ્વારા ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની શકયતા તથા સાથે જ વિજળીના કડાકા ભડાકા પણ થઈ શકે છે. અષાઢની શરૂઆત સાથે કચ્છમાં વરસાદનું આગમન થયું છે. કચ્છમાં અષાઢી બીજના શુકન સાચવતી વરસાદે હાજરી પુરાવી હતી. આજે સતત ત્રીજા દિવસે કચ્છમાં વરસાદે હાજરી પુરાવી હતી. શરૂઆતમાં વાગડમાં વરસાદ થયા બાદ આજ રોજ પશ્ચિમ કચ્છમાં મેઘરાજા મહેરબાન થતાં અહીંના છ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. હળવાથી ભારે વરસાદના ઝાપટાના કારણે નદી, તળાવો, ચેકડેમમાં નવા નીરની આવક થઈ હતી. 


ગુમ થયેલી સ્વીટી પટેલ હાર્દિક પંડ્યાની ભાભી, 2 બાળકોની માતા, રહસ્યમય જીવન વિશે સાંભળી ચોંકી ઉઠશો


એકતરફ હવામાન વિભાગ આગામી દિવસો સુધી મધ્યમ વરસાદની આગાહી કરે છે. બીજીતરફ મેઘરાજા સંતાકુકડીની રમત રમતા હોવાથી કચ્છમાં અસહય ઉકળાટ જોવા મળી રહ્યો છે. તે વચ્ચે આજે વરસાદ થતાં ઉકળાટ વરસાદી પાણીમાં વહી જતાં ઠંડક પ્રસરી હતી. ખાસ તો હાલમાં જયારે વાવણીની સીઝન છે, ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં તળાવ, નદી, નાળા, ચેકડેમ, ઓગનમાં નવા પાણી આવ્યા હતા. અસહય બફારા વચ્ચે આજે વહેલી પરોઢે છથી આઠ વાગ્યાના સમયગાળામા નખત્રાણા, મુંદરામાં એક એક ઈંચ વરસાદ વરસ્યો હતો. જયારે અબડાસા, લખપત અને ભુજમાં પોણો ઈંચ વરસાદ પડ્યો હતો. જિલ્લા મથક ભુજ ખાતે સવારના છ વાગ્યાના અરસામાં એકાએક ઝાપટારૂપી પડેલો વરસાદ ૧પ-ર૦ મિનિટ વરસ્યો હતો. 


જેના કારણે સવારના સમયે હમીરસર તળાવમાં આવ ચાલુ થઈ હતી. તો મોટાબંધમાં પાણી આવ્યા હતા. આ વખતે ભુજ નગરપાલિકાએ હમીરસરની પાણીની આવ માટે સમયસર સાફસફાઈની કાળજી રખાઈ હતી. આ નાળા સફાઈની કામગીરીમાં ભુજ નગરપતિ ઘનશ્યામ ઠક્કરએ કાળજી રાખી હતી. ભુજ તાલુકાના બન્ની પચ્છમના દેઢિયા જુણા, ખારી, સાંધારા તેમજ આસપાસના વિસ્તારના ગામોમાં આજ વહેલી પરોઢથી વરસાદ પડ્યો હતો. અંદાજીત બે ઈંચ જેટલો વરસાદ પડી ગયો હોવાનું મોટી મુસાભાઈએ જણાવ્યું હતું. જ્યારે દધ્ધર, ભીરંડિયારા સહિતના વિસ્તારમાં હળવા છાંટા પડ્યા હતા. ભુજ શહેરમાં સવારથી બપોર સુધી વાદળછાયું વાતાવરણ રહ્યું હતું.આ તરફ મુંદરા તાલુકાના નવીનાળ, દેશલપર, બેરાજા, બગડા, ભદ્રેશ્વર, હટડી સહિતના ગામોમાં ૧ ઈંચ વરસાદ વરસ્યો હતો. 


RAJKOT: 80 મકાનો પર બુલડોઝર ફેરવી 120 પરિવારોને બેઘર બનાવી 13 કરોડની જમીન ખુલ્લી કરાઇ


માંડવીમાં પણ આજે સવારે વરસાદી ઝાપટું વરસ્યું હતું. બંદરી શહેરમાં વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. નખત્રાણા તાલુકામાં કોટડા જડોદર, મથલ, ઉગેડી, ઉખેડા, વિરાણી, દેવીસર, અરલ, નાગલપર, અંગિયા સહિતના વિસ્તારોમાં ૧ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. અબડાસા તાલુકાના સણોસરા, મોથાળા, તેરા, જંગડિયા, વાયોર, હાજાપર, બેર, જખૌ, સાંધાણ, લઠેડી, કનકપર, નારાણપર, રામપર સહિતના વિસ્તારોમાં પોણા ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગઈ કાલે રાત્રે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો.તો વાયોરના નારૂભા જાડેજાએ જણાવ્યું કે, સવારે વરસાદ પડતાં જ પંથકમાં ઠંડક પ્રસરી હતી. કોઠારાના સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. 


વરસાદ પડ્યા બાદ તડકા છાયાનું વાતાવરણ હાલ જોવા મળી રહ્યું છે. તેરા, ફુલાય સહિતના વિસ્તારોમાં વરસાદ પડતાની સાથે જ ખેડૂતોમાં આનંદ ફેલાયો હતો અને વાવણી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. તો હાજાપરથી સહિતના આસપાસના ગામોમાં વરસાદ પડતાં ખેડૂતો સહિત માલધારી વર્ગ સારો વરસાદ થવાની આશા વ્યક્ત કરી હતી. બિટ્ટાના આજે સવારે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. જો કે સારો વરસાદ થવાની આશા વ્યક્ત કરી હતી. અબડાસામાં વરસાદ બાદ ધુફી ગામના ચેકડેમોમાં પાણીની આવ થઈ હતી. 


ગુજરાતમાં વસ્તી નિયંત્રણ કાયદો લાવવા અંગે શું બોલ્યા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ?


લખપત તાલુકામાં વહેલી સવારે ધીમીધારે વરસાદનું અને ગાજવીજ સાથે આગમન થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. પાન્ધ્રો, વર્માનગર, નારાયણસરોવર, દયાપર, ઘડુલી, ઉમરસર વિસ્તારમાં પોણો ઈંચ વરસાદ પડ્યો હતો. દરમિયાન પૂર્વ કચ્છમાં પણ હળવા ઝાપટા વરસ્યા હતા. આજે સવારે ભચાઉ અને ગાંધીધામ ખાતે અમી છાંટણા વરસ્યા હતા. અંજાર શહેરમાં બપોરે ૧ર વાગ્યાની આસપાસ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. શહેરના માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા. હાલ વરસાદના કારણે આખા કચ્છમાં ઉકળાટનું વાતાવરણ છે. બપોરના સમયમાં સવારના વાદળ છાયું વાતાવરણ રહે છે અને બપોર બાદ પછી વરસાદ હાજરી પુરાવે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube