કચ્છના ભૂકંપમાં રાજકોટના ધંધુકિયા પરિવારના ત્રણ સભ્યો ધરતીમાં સમાયા હતા, 11 દિવસે મૃતદેહ મળ્યા હતા
- નોકરી મળ્યાંના બરોબર 365 દિવસ પૂરા થયા અને 26 જાન્યુઆરી 2001ના દિવસે સવારે ધ્વજવંદન માટે જવા તૈયાર થયા હતા. સવારમાં જ કુદરતે એવી થપાટ મારી કે, ભાઇ-ભાભી અને ભત્રીજી ધરતીમાં સમાઈ ગયા
રક્ષિત પંડ્યા/રાજકોટ :આજે કચ્છના ગોઝારા ભૂકંપને 20 વર્ષ (20 years of earthquake) પૂર્ણ થયા છે. પરંતુ જેમને આ ભૂકંપમાં સ્વજનો ગુમાવ્યા છે, તેમની આંખો આજે પણ એ દિવસ યાદ કરી ભરાય જાય છે. તેમની નજર સામે એ ભયાનક દિવસ તરી આવે છે. કેમ રીતે મકાનોના કાટમાળ ઢગલા થઈને પડ્યા હતા. આવા જ એક રાજકોટના પરિવારની વાત કરીએ તો, કચ્છના ભૂકંપ (kutch earthquake) માં તેમના પરિવારની એક નહિ પણ ત્રણ-ત્રણ જિંદગી ઘરના કાટમાળ નીચે દબાઈ ગઇ હતી. રૂંવાડા ઉભા કરી દે તેવી હૃદયદ્રાવક ઘટના મૃતકના ભાઇ દિનેશભાઇ ધંધુકિયાએ આજે વર્ણવી છે.
ધ્વજવંદન માટે જવા ભાઈ તૈયાર થઈ રહ્યા હતા, ત્યારે કુદરતે થપાટ મારી
દિનેશ ધંધુકીયાએ એ દિવસને યાદ કરતા જણાવ્યું હતું કે, મારા મોટાભાઇ કિરીટને ભૂજ ( bhuj ) કોર્ટમાં નોકરી મળી હતી અને તેમનો આખો પરિવાર ત્યાં શિફ્ટ થયો હતો. નોકરી મળ્યાંના બરોબર 365 દિવસ પૂરા થયા અને 26 જાન્યુઆરી 2001ના દિવસે સવારે ધ્વજવંદન માટે જવા તૈયાર થયા હતા. સવારમાં જ કુદરતે એવી થપાટ મારી કે, ભાઇ-ભાભી અને ભત્રીજી ધરતીમાં સમાઈ ગયા હતા. ભૂકંપ ( earthquake ) બાદ ચારેય બાજુ કાટમાળના દ્રશ્યો અને લાશોના ઢગલા જોઇ મારું શરીર પાણી પાણી થઇ ગયું હતું અને મને ચક્કર આવવા લાગ્યા હતા.
(ભૂકંપમાં મોતને ભેટનાર કિરીટભાઈ અને તેમનો નાનકડો પરિવાર)
11 દિવસ પછી આખા પરિવારના મૃતદેહો બહાર કાઢ્યા
હુ આજે પણ એ દિવસ ભૂલ્યો નથી તેવુ કહેતા દિનેશભાઈએ કહ્યું કે, કોર્ટે આપેલા ક્વાર્ટરમાં ચારેય બાજુ ઇમારતની જગ્યાએ મેદાન થઇ ગયું હતું. ઘણા પ્રયત્નો પછી મિલિટ્રી (indian army) ની મદદથી ભાઇ-ભાભી અને ભત્રીજીને કાટમાળ નીચે દબાયેલા જોવા મળ્યાં હતા. એટલો કાટમાળ હતો કે, મૃતદેહો પણ નીકળે તેમ નહોતા. અંતે જવાનો અને જેસીબીની મદદથી 11 દિવસ પછી મૃતદેહો બહાર કાઢ્યા હતા. અમે કચ્છના ભૂકંપમા મારા 27 વર્ષીય ભાઈ કિરીટભાઇ, ભાભી સરોજબેન અને ત્રણ વર્ષની ભત્રીજી જિજ્ઞાશાને ગુમાવી હતી. ત્રણેયના મૃતદેહો પણ ભેટેલી હાલતમાં જ જોવા મળ્યા હતા.
(દીકરાની તસવીરને જોઈને આજે પણ વૃદ્ધ માતાના આસું છલકાઈ જાય છે)
માતાનું સપનુ રગદોળાયું
ઉલ્લેખનિય છે કે રાજકોટમાં હીરા ઘસી પરિવારનું ગુજરાન ચલાવતા દિનેશભાઇ બાબુભાઈ ધંધુકીયાનો પરિવાર આજે પણ કચ્છ (kutch) ના ભૂકંપનો દિવસ યાદ કરે તો રડી પડે છે. તેમની માતાનું સ્વપ્ન હતું કે, દીકરાને સરકારી નોકરી મળતા તે પરિવારનો આધારસ્તંભ બનશે. પરંતુ માતાની આ આશા કુદરત સામે લાચાર બની હતી.