ગૌરવ દવે/રાજકોટ: શહેરના યાજ્ઞિક રોડ પર આવેલા ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી નામના શોરૂમમાં શનિવારે સાંજે 1.48 કરોડના સોનાના દાગીનાની લૂંટ થયાની ઘટના સામે આવી છે. શહેરના બજરંગવાડી વિસ્તારમાં આવેલ મોમીન સોસાયટીમાં શનિવારે સાંજે પિતા-પુત્રીએ દાગીના જોવા માટે ઘરે મંગાવ્યા હતા અને લૂંટને અંજામ આપ્યો હતો. જોકે પોલીસને જાણ થતા જ ફરિયાદ નોંધી ગણતરીની કલાકોમાં જ આરોપી પુત્રીને સકંજામાં લઇ પોલીસે તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ પોલીસે બીલકીશબાનુ યાકુબ મોટાણીની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનામાં એક મહિલા પર આરોપ છે કે રાજકોટના જાણીતા સોનાના શો રૂમના દાગીનાની લૂંટ ચલાવવાનો. સમગ્ર મામલે પર નજર કરીએ તો, રાજકોટના શહેરના યાજ્ઞીક રોડ પર આવેલા ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી નામના સોનાના દગીનના શોરૂમના સેલ્સ મેનેજર સાથે લૂંટની ઘટના સામે આવી હતી. શોરૂમના સેલ્સ કર્મચારી 1.48 કરોડના અલગ અલગ દાગીના ભરેલું બોક્સ લઇને શહેરના બજરંગવાડી વિસ્તારમાં આવેલ મોમીન સોસાયટીમાં રહેતી બિલ્કિસબાનુ નામની મહિલાએ શનિવારે સાંજે શોરૂમ માંથી દાગીના જોવા માટે ઘરે મંગાવ્યા હતા. જેથી શોરૂમનો વિશાલ નામનો કર્મચારી 1.48 કરોડના અલગ અલગ દાગીના ભરેલું બોક્સ લઇને બજરંગવાડી વિસ્તારમાં ગયો હતો. દરમિયાન ત્યાં પહોંચતાની સાથે જ બિલ્કિસએ તેના હાથમાંથી બોક્સ ઝુંટવી લીધું હતું અને ત્યારબાદ કાળા કલરની કારમાં ભાગી ગયા હતા. 



જોકે પોલીસને જાણ થતાં જ ફરિયાદ નોંધી આરોપીઓને ગણતરીની કલાકોમાં જ ઝોન 2 લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને ગાંધીગ્રામ પોલીસની ટીમે આરોપી બિલ્કિસબાનુની માધાપર ચોકડી પાસેથી ધરપકડ કરી લૂંટમાં ગયેલ દોઢ કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સાથે જ ફરાર બિલ્કિસબાનુના પિતા હનીફ સોઢા અને બિલ્કિસબાનુંના સગીર પુત્રની શોધખોળ શરૂ કરી છે.


પોલીસના કહેવા મુજબ, મુખ્ય સૂત્રધાર બિલ્કિસબાનું અગાઉ tbz શોરૂમમાંથી જ સોનાના દાગીનાની ખરીદી કરતી હતી. જેથી તે શો-રૂમની જૂની કસ્ટમર હતી. આરોપીએ વિડીયો કોલથી દાગીનાની પસંદગી કર્યા બાદ ઘરે જોવા માટે મંગાવ્યા હતા. અવાર નવાર દાગીનાની ખરીદી શો રૂમમાંથી કરતી હોવાથી મેનેજર વિશ્વાસમાં આવી ગયો હતો. 


પોલીસના કહેવા મુજબ, આરોપી બીલકીશનો પતિ યાકુબ મોટાણી મર્ડર કેસમાં જેલમાં હતો ત્યારે બીલકીશબાનુએ પોતાના દાગીના વેંચીને કોર્ટમાંથી મુક્ત કરાવ્યો હતો. પરંતુ જેલમાંથી છૂટ્યા બાદ પતિ મુંબઈમાં દારૂના વ્યવસાય સાથે જોડાઈ ગયો હતો અને પતિ રૂપિયા રાજકોટ મોકલતો હતો. જોકે આર્થિક ખેંચ હોવાથી સોનાના શો રૂમના મેનેજરને વિશ્વાસ જીતી સોનાના દાગીના ઘરે જોવા માટે મંગાવીને લૂંટ ચલાવવાનો પ્લાન ઘડ્યો હતો. હાલ તો પોલીસે આરોપી બીલકીશબાનુ પાસે થી સોનાના સેટ 5, સોનાની બંગળી 12, સોનાના ચેન 3, સોનાના મંગલસૂત્ર 3, વીંટી 4, હીરાના બ્રેસલેટ 5, હીરાની વીંટી 9, હીરાનું નેકલેસ 1અને પેડલસેટ મળીને 1.48 કરોડના દાગીનાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.


શું છે ગુનાહિત ઇતિહાસ ?
પકડાયેલ મહિલા આરોપી બિલ્કિસ બાનું પોતે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે . તેના પર પ્રોહિબિષણ સહિત ના ગુનાઓ અગાઉ નોંધાયેલ છે. બિલકિસ બાનું નો પતિ યાકુબ મોટાણી મર્ડર કેસમાં જેલમાં હતો. પરંતુ જેલમાંથી છૂટ્યા બાદ મુંબઇમાં દારૂનો ધંધો કરી રહ્યો છે. હાલ તો પોલીસે તાત્કાલિક ધોરણે આરોપી બિલ્કિસબાનું ની ધરપકડ કરી તેના સગીર પુત્ર અને પિતા હનીફ સોઢા ની શોધખોળ શરૂ કરી છે. ત્યારે આ કિસ્સો તમામ જ્વેલરી શો-રૂમ માટે લાલબત્તી સમાન કિસ્સો કહી શકાય.