રૂપાલની પલ્લી વિશે મોટા સમાચાર, આવતીકાલે 12 વાગ્યા બાદ ગામમાં મૂકાયો પ્રતિબંધ
ગ્રામજનોએ પણ ગણતરીના લોકોની હાજરીમાં પરંપરા ઉજવવાની માંગણી સરકાર સામે કરી છે. આવામાં રૂપાલની પલ્લી શરતો સાથે યોજાય તેવી શક્યતા પણ છે તેવુ સૂત્રોનું કહેવું છે.
હિતલ પારેખ/ગાંધીનગર :નોમના દિવસે યોજાતી રૂપાલની પલ્લી યોજાશે કે નહિ તેને લઈને હજી પણ સ્પષ્ટતા થઈ નથી. જોકે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પલ્લી (rupal palli) નહિ યોજાય તેવું નિવેદન આપી દીધું છે. તો બીજી તરફ, પલ્લીને લઈને મોટા સમાચાર આવ્યા છે. પલ્લીને લઈને રૂપાલ ગામમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આવતીકાલે બપોરે 12 વાગ્યાથી રૂપાલ ગામમાં કોઇને પણ પ્રવેશ નહિ અપાય. ગ્રામજનોને પણ ગામની બહાર નહિ નીકળવાનો રૂપાલ ગ્રામ પંચાયત દ્વારા આદેશ કરાયો છે. તો બીજી તરફ, ગ્રામજનોએ પણ ગણતરીના લોકોની હાજરીમાં પરંપરા ઉજવવાની માંગણી સરકાર સામે કરી છે. આવામાં રૂપાલની પલ્લી શરતો સાથે યોજાય તેવી શક્યતા પણ છે તેવુ સૂત્રોનું કહેવું છે.
આ પણ વાંચો : ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર, ‘મોપેડ લઈને ફરનારા હાર્દિક પટેલ કરોડોમાં રમે છે તેનો હિસાબ આપો’
રૂપાલમાં પ્રતિબંધ મૂકાયો
રૂપાલ ગ્રામ પંચાયત, આવતીકાલે બપોરે 12 વાગ્યાથી રૂપાલ ગામમાં બહારની કોઈ વ્યક્તિને પણ પ્રવેશ નહિ અપાય. આવતીકાલે બપોરે 12 વાગ્યાથી સોમવારે દશેરાના બપોરના 12 વાગ્યા સુધી ગામની બહાર નહિ નીકળવા આદેશ અપાયો છે. તેમજ ગામમાં કોઈને પ્રવેશ નહિ આપવામાં આવે. તેમજ આવશ્યક ચીજવસ્તુઓ સિવાય ગામમાં તમામ વસ્તુઓ બંધ રાખવાનો આદેશ કરાયો છે.
પલ્લી નહિ યોજાય - નીતિન પટેલ
આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અંબાજીની મુલાકાતે હતા. ત્યારે તેઓએ નિવેદન આપ્યું કે, આ વર્ષે રૂપાલની પલ્લી નહિ યોજાય. જોકે, તે સિવાય તેઓએ બીજી કોઈ સ્પષ્ટતા કરી નથી.
આ પણ વાંચો : અમદાવાદની આ રૂપાળી મહિલા ડોક્ટર પર લાગ્યો હોસ્પિટલમાંથી મહત્વના ડેટા ચોરીનો આરોપ
પલ્લી અંગે બેઠકો યોજી
પલ્લી યોજાશે કે નહિ યોજાય તે અંગે હજી કોઈ સ્પષ્ટતા થઈ નથી. જોકે, ગ્રામજનોએ પરંપરા નિભાવવાની સરકાર સામે માંગ કરી છે. ગણતરીના લોકો સાથે નિયમોનું પાલન કરીને પલ્લી યોજાય તેવી માંગણી કરવામાં આવે છે. ત્યારે આજે પ્રાંત અધિકારીએ રૂપાલ મંદિરની મુલાકાત લીધી હતી. મંદિરના ટ્રસ્ટીઓ સાથે પ્રાંત અધિકારીએ બેઠક યોજી હતી.
જોકે આ અંગે ટ્રસ્ટીઓએ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. તો બીજી તરફ કલેક્ટર એચએમ જાડેજાએ કહ્યુ હતું કે, પલ્લી યોજવા અંગે વહીવટી તંત્ર દ્વારા હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. આરોગ્ય વિભાગ અને રાજ્યકક્ષાએ સરકાર સાથે પરામર્શ કરવામાં આવશે. રૂપાલ ગામના ગ્રામજનો સાથે બેઠક કરીને પોલીસ રિપોર્ટના આધારે આખરી નિર્ણય લેવાશે. કોરોના મહામારી ન ફેલાય તે માટે વહીવટી તંત્ર દ્વારા જરૂરી તમામ પગલાઓ ભરાશે.