બાપુનગર બેઠક પર કમળ ખીલવવાનો BJPના દિનેશસિંહનો દાવો, શું ભાજપને આ `દાવ` ફળશે?
Gujarat Election 2022: અમદાવાદમાં કોંગ્રેસ પાસે રહેલી 4 બેઠકોમાંથી રહેલી એક બાપુનગર બેઠક પર ભાજપે ઉત્તર ભારતીય કાર્ડનો ઉપયોગ કર્યો છે. અમદાવાદની બાપુનગર વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા ઉત્તર ભારતીય ચહેરો પસંદ કર્યો છે.
અતુલ તિવારી/અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બ્યૂંગલ વાગી ચૂક્યું છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો મોટાભાગના જાહેર થઈ ચૂક્યા છે. ભારતીય જનતા પાર્ટીએ પોતાના 160 ઉમેદવારો જાહેર કરી દીધા છે, જ્યારે કોંગ્રેસે અત્યાર સુધી પહેલી અને બીજી યાદીમાં 89 ઉમેદવારો જાહેર કર્યા છે. ત્યારે અમદાવાદમાં કોંગ્રેસ પાસે રહેલી 4 બેઠકોમાંથી એક બાપુનગર બેઠક પર ભાજપનું ઉત્તર ભારતીય કાર્ડનું કનેક્શન જોવા મળી રહ્યું છે.
અમદાવાદમાં કોંગ્રેસ પાસે રહેલી 4 બેઠકોમાંથી રહેલી એક બાપુનગર બેઠક પર ભાજપે ઉત્તર ભારતીય કાર્ડનો ઉપયોગ કર્યો છે. અમદાવાદની બાપુનગર વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા ઉત્તર ભારતીય ચહેરો પસંદ કર્યો છે. સરસપુર વોર્ડના કાઉન્સિલર દિનેશસિંહ કુશવાહને ભાજપે બાપુનગર વિધાનસભાની ટીકીટ આપી છે. બાપુનગર બેઠક પર મતદારોનું સમીકરણ જોતા ભાજપે ઉત્તર ભારતીય ચહેરો પસંદ કર્યો હોય તેવું લાગી રહ્યું છે. 2 લાખ 7 હજાર મતદારો ધરાવતા બાપુનગર વિધાનસભામાં ઉત્તર ભારતીયોના મત નિર્ણાયક બની શકે છે. અંદાજે 68 હજાર જેટલા ઉત્તર ભારતીય મતો પર ભાજપે સીધું નિશાન તાક્યું છે.
વર્ષ 2017માં કોંગ્રેસના હિંમતસિંહ પટેલ ભાજપના ઉમેદવાર જગરૂપસિંહ રાજપૂતને 3 હજારની નજીવી સરસાઇથી હરાવી વિજયી બન્યા હતા. આ વખતે 150નાં લક્ષ્ય સાથે આગળ વધી રહેલા ભાજપે જીતના સમીકરણને ધ્યાને રાખી બાપુનગર બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લેવા ઉત્તર ભારતીય મતદારો પર ફોકસ કર્યું છે. 68 હજાર ઉત્તર ભારતીયોના મત બાપુનગર વિધાનસભામાં ઉમેદવાર માટે જીતની ચાવી બની શકે છે.
ભાજપના ઉમેદવાર દીનેશસિંહ કુશવાહ એ ઝી 24 કલાક સાથે વાત કરતા કહ્યું કે, ભાજપના નેતૃત્વનાં તેઓ આભારી છે. ઉત્તર ભારતીય સમાજની માગને ધ્યાનમાં રાખી ભાજપે સમાજનું માન રાખ્યું છે. ઉત્તર ભારતીય સમાજનો ટેકો મળશે અને 15 હજાર કરતાં વધુ મતોથી ભાજપના વિજયનો કુશવાહ એ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ સાથે જ ઉત્તર ભારતીય વિકાસ પરિષદના સભ્ય રેણુ ગૌતમે કહ્યું કે, ઉત્તર ભારતીય સમાજના નેતાને ટીકીટ આપવામાં આવી છે, એની સાથે જ બાપુનગરમાં ભાજપનો વિજય નિશ્ચિત બન્યો છે. ઉત્તર ભારતીય સમાજના તમામ લોકો દિનેશસિંહ કુશવાહ સાથે છે. ઉત્તર ભારતીય સમાજ પહેલાથી જ ભાજપ સાથે રહ્યો છે, આ વખતે ઉત્તર ભારતીય સમાજના ચહેરાને ટીકિટ પણ આપી છે, એટલે બાપુનગર બેઠક કોંગ્રેસ પાસેથી ભાજપ છીનવી શકશે એમાં કોઈ બેમત નથી. ઉત્તર ભારતીય વિકાસ પરિષદ સહિત તમામ અન્ય સંગઠનના લોકો એકસાથે મળીને ભાજપના ઉમેદવાર દિનેશસિંહ કુશવાહને વિજયી બનાવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube