કોરોનાએ માતાનો જીવ લીધો, અને પુત્રને સહન ન થતા તેણે હોસ્પિટલની અગાશીમાંથી કૂદીને મોત વ્હાલુ કર્યું
- માતાના મૃતદેહને જોઈ પુત્ર નીરવે પણ હોસ્પિટલમાંથી નીચે પડતું મૂકી મોતને વ્હાલું કરી લીધું હતું
- નીરવનો માતા પ્રત્યેનો પ્રેમ જોઈ હોસ્પિટલનો સ્ટાફ પણ રડી પડ્યો હતો. પોલીસને જાણ કરી દેતા પોલીસ દોડી આવી હતી.
ચેતન પટેલ/સુરત :કોરોનાએ અનેક લોકોને હતાશ કરી દીધા છે. અનેક લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા, તો અનેકોએ આખાને આખા પરિવારો ગુમાવ્યા છે. આવામાં સુરતમાં દિલ ધડકાવી દે તેવી વાત સામે આવી છે. કોરોનાગ્રસ્ત માતાના મોતને જીરવી ન શકનાર પુત્રએ હોસ્પિટલમાંથી મોતની લગાવી છે. માતાના મોતની જાણ થતા જ પુત્રએ સંજીવની હોસ્પિટલની અગાશી પરથી આપઘાત કર્યો છે.
માતાની 20 દિવસથી સારવાર ચાલી રહી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર, 45 વર્ષીય છાયાબેન અને રાજુભાઈને સંતાનમાં એકનો એક દીકરો નીરવ હતો. 24 વર્ષીય નીરવ ધારાસભ્ય ઝંખનાબેનની હોસ્પિટલમાં કામ કરતો હતો. છાયાબેન સચિન વિસ્તારમાં બ્યૂટી પાર્લર ચલાવતા હતા. તો તેમના પતિ રાજુભાઈ લાજપોર સ્મશાન ગૃહમાં કામ કરે છે. 20 દિવસ પહેલા કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેથી તેમને સંજીવની હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી.
આ પણ વાંચો : ભાંગીને હતાશ થયેલ કોરોના દર્દી આત્મહત્યા ન કરે તે માટે રાજકોટની હોસ્પિટલમાં નંખાઈ રક્ષણાત્મક જાળી
માતાનો મૃતદેહ જોઈને પુત્રએ મોત વ્હાલુ કર્યું
ગઈકાલે અચાનક છાયાબેનનું કોરોનાથી મોત નિપજ્યુ હતું. આ બાબતની જાણ એમના પરિવારના એકના એક પુત્ર નીરવને કરાતાએ તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યો હતો. પરંતુ નીરવ માતાનું મોત સહન કરી શક્યો ન હતો. તેથી માતાના મૃતદેહને જોઈ એણે પણ હોસ્પિટલમાંથી નીચે પડતું મૂકી મોતને વ્હાલું કરી લીધું હતું. એકના એક પુત્રના આપઘાતને લઈ પિતા રાજુભાઈ પણ શોકમાં ગરકાવ થઈ ગયા છે. તેમણે એકસાથે પત્ની અને પુત્ર બંનેને ગુમાવ્યા છે.
નીરવનો માતા પ્રત્યેનો પ્રેમ જોઈ હોસ્પિટલનો સ્ટાફ પણ રડી પડ્યો હતો. તાત્કાલિક પોલીસને જાણ કરી દેતા પોલીસ દોડી આવી હતી.