ઇન્દોરના 17 વર્ષીય બાળકની અમદાવાદ સિવિલ ખાતે એટલાન્ટો એક્સીઅલ ડીસલોકેશનની સફળ સર્જરી
ઇન્દોરમાં રહેતા 17 વર્ષીય સંદીપ 8 મહીના પહેલા એકાએક પડી જવાથી હલન-ચલનમાં તકલીફ પડવા લાગી. ધાબા પરથી પડી જવાથી તેમના ગળાના મણકામાં ગંભીર ઇજા થઇ હતી. જેના કારણે તેમનું પરિવાર ખૂબ જ ચિંતિત હતુ
અતુલ તિવારી/ અમદાવાદ: ઇન્દોરમાં રહેતા 17 વર્ષીય સંદીપ 8 મહીના પહેલા એકાએક પડી જવાથી હલન-ચલનમાં તકલીફ પડવા લાગી. ધાબા પરથી પડી જવાથી તેમના ગળાના મણકામાં ગંભીર ઇજા થઇ હતી. જેના કારણે તેમનું પરિવાર ખૂબ જ ચિંતિત હતુ. ખેત મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન કરતુ આ પરિવાર પોતાના દિકરાની ઇજાની સારવાર માટે ઇન્દોરની સરકારી તેમજ અન્ય ખાનગી હોસ્પિટલમાં ઠેર-ઠેર ધક્કા ખાધા, પરંતુ બધા તબીબોએ સર્જરી કરવાની ના પાડી દીધી. અન્ય એક તબીબે સર્જરી માટે તૈયારી દાખવી તો તે અતિ ખર્ચાળ હતી.
આ પણ વાંચો:- ડિસેમ્બરમાં વધી શકે છે કોરોના સંક્રમણ, આ અંગે જાણો શું કહેવું છે ડો. પ્રવીણ ગર્ગનું
જે આ ગરીબ પરિવારને પરવળે તેમ ન હતુ. એવામાં સંદીપના સગા ઇન્દરભાઇ કે જેઓએ અગાઉ 3 થી 4 વખત ઇન્દોરથી અમદાવાદ સિવિલ આવી તેમના ઓળખીતા દર્દીઓની સારવાર સિવિલના ઓર્થોપેડિક વિભાગમાં કરાવી હતી તેઓએ સંદીપને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવવા કહ્યું. ઇન્દરભાઇએ સંદીપને સિવિલ હોસ્પિટલ અને ખાસ કરીને ઓર્થોપેડિક અને સ્પાઇન વિભાગનો હકારાત્મક પ્રતિભાવ આપતા સંદીપ અને તેમના પરિવારે પણ સિવિલ હોસ્પિટલમાં આવીને સર્જરી કરાવવાની પ્રતિબધ્ધતા દાખવી અને બીજા જ દિવસે તેઓ સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા.
આ પણ વાંચો:- 100માંથી 80 આગની ઘટનાઓ એક જ કારણસર બને છે, આગની ઘટનાથી બચવા શું કરવું?
સિવિલ હોસ્પિટલ આવ્યા ત્યારે તેમનું એક્સ-રે, એમ.આર.આઇ. અને સી.ટી.સ્કેન કરવામાં આવ્યુ. જેમાં જાણવા મળ્યુ કે તેમને એટલાન્ટો એક્સીઅલ ડીસલોકેશન નામની ગંભીર ઇજા થઇ છે. સામાન્યપણે આવી ઇજામાં મણકો ડાબી અથવા જમણી બાજુએ ખસી જતો હોય છે, પરંતુ સંદીપના કિસ્સામાં ગળાના ભાગનો પહેલો-બીજો મણકો (એટલાન્ટો એક્સીઅલ ડીસલોકેશન) ધૂમી ગયો હતો જે કારણોસર આ સર્જરી અતિગંભીર બની રહી હતી. સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટ અને સ્પાઇન સર્જરી વિભાગના વડા ડૉ.જે.પી. મોદી અને તેમની ટીમ માટે પણ આ પ્રકારની સર્જરી પડકારજનક બની રહી હતી.
આ પણ વાંચો:- Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાનો નવા 975 દર્દીઓ નોંધાયા, 6 દર્દીના મોત
તેઓએ પોતાની સ્કીલ દ્વારા ન્યુરોનીટરીંગ સાથે આ સર્જરી હાથ ધરીને સંદીપના ગળાના મણકાના ભાગને પૂર્વવત કર્યુ. આ પ્રકારની સર્જરીમાં દર્દીના નાના મગજની ખૂબ જ નજીક રહીને સંપૂર્ણ સર્જરી કરવી પડે છે, જેમાં નાના મગજને પણ ઇજા પહોંચવાની શક્યતાઓ રહેલી હોય છે, જેના કારણે દર્દીને આઇ.સી.યુ. મા પણ દાખલ કરવા પડે. પરંતુ ડૉ. મોદીની નિપુણતાના કારણે આ સર્જરી કોઇપણ પ્રકારની અન્ય ગંભીર સમસ્યા વગર સફળતાપૂર્વક પાર પડી. હવે સંદીપ સંપૂર્ણ પણે સ્વસ્થ અને સાજો થયો છે અને હલન ચલન કરી શકવા સક્ષમ બન્યો છે અને ટૂંક સમયમાં તેને રજા આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube