100માંથી 80 આગની ઘટનાઓ એક જ કારણસર બને છે, આગની ઘટનાથી બચવા શું કરવું?
Trending Photos
ભદ્રેશકુમાર મિસ્ત્રી/ અમદાવાદ: ગુજરાતમાં વારંવાર શા માટે બને છે આગની ઘટનાઓ? આ સવાલ આપણને બધાને સતાવે છે. નિષ્ણાંતાના મતે અમદાવાદ સહિત ગુજરાતમાં જેટલી પણ આગની ઘટનાઓ બને છે તેમાંની 80 ટકા આગ ઇલેક્ટ્રિક શૉર્ટ-સર્કિટથી જ લાગે છે. એટલેકે દર 100માંથી 80 આગની ઘટનાઓ પાછળ શોર્ટ-સર્કિટનું કારણ સામે આવે છે.
ઇલેક્ટ્રિક શૉર્ટ-સર્કિટથી કેવી રીતે લાગે છે આગ?
ઇલેક્ટ્રિક શૉર્ટ-સર્કિટથી કેવી રીતે આગ લાગે? ઇલેક્ટ્રિક શૉર્ટ-સર્કિટ એટલે શું? એ સમજવું જરૂરી છે. નિષ્ણાંતોના મતે લીકેજ ઑફ કરન્ટ, ફૉલ્ટી એટલે કે ખામીયુક્ત કનેક્શન, ઇલેક્ટ્રિક ઓવરલોડિંગ, લૂઝ કનૅક્શન આ બધાં કારણોસર ઇલેક્ટ્રિ શૉર્ટ-સર્કિટ થઈ શકે છે અને એ આગમાં પરિવર્તિત થાય છે. આવું ન થાય એ માટે જરૂરી છે કે ગુણવત્તા આધારિત ઇલેક્ટ્રિક ઉપકરણ વાપરવાં જોઈએ. બીજું કે ક્વૉલિટેટિવ સર્વિસ બ્રેકર બેસાડવા જોઈએ. આ સાથે જ તમામ ઔદ્યોગિક એકમો કે ઓફિસ કે કોઈપણ કોમ્પલેક્ષમાં અગ્નિ અવરોધક વાયર જ વાપરવો જોઈએ.
એટલું જ નહીં તમારા ઈલેક્ટ્રોનિક ઉપકરણની સાથે વીજભાર એટલે કે ઇલેક્ટ્રિક લોડ પણ વધારવો જોઈએ. જેથી વધારે લોડ ન પડે. મહત્ત્વનું છેકે, હૉસ્પિટલ હોય કે ઘર એમાં જેટલાં વીજળી ઉપકરણો હોય એ મુજબ એનો વીજભાર નક્કી થયેલો હોય છે. હૉસ્પિટલ કે ઘર કે ઉદ્યોગોમાં જ્યારે ઇલેક્ટ્રિક ઉપકરણો વધે ત્યારે એનો વીજભાર પણ વધારવો પડે છે. નહીંતર શૉર્ટ-સર્કિટને લીધે આગ લાગી શકે છે. દાખલા તરીકે જો તમારા ઘરમાં પહેલાં બે પંખા હોય પછી એક એસી આવ્યું પછી બે એસી ઉમેરાયાં. તો એ મુજબ વીજભાર પણ વધારવો જરૂરી છે.
જો ઈલેક્ટ્રોનિક ઉપકરણોની સામે તમે વીજભાર નહીં વધારો તો ભવિષ્યમાં શોર્ટ સર્કિટથી મોટી હોનારત સર્જાવાનો ખતરો રહેલો છે. ઘરમાં બે પંખા હતા ત્યારે ત્રણ કિલો વૉટનો વીજભાર હોય અને પછી તેમાં એસી ઉમેરાય ત્યારે પણ એટલો જ વીજભાર હોય તો સિસ્ટમ લોડ ખેંચે છે. પરિણામે શૉર્ટ-સર્કિટ થાય છે. ઘર હોય કે હૉસ્પિટલ કે પછી ઉદ્યોગ, દરેક એકમનાં વીજઉપકરણની જરૂરિયાત મુજબ તેમની વહનક્ષમતા માટે વીજભાર ફાળવવામાં આવે છે. ઉપકરણો વધે તેમ વીજભાર પણ કિલોવૉટ અનુસાર વધારવો પડે છે.
કેવી રીતે વધારીશું વીજભાર?
વીજ પુરવઠો પૂરો પાડતી કંપનીને જાણ કરીને તમે તમારા ઘર, ઓફિસ કે ઔદ્યોગિક એકમમાં વીજભાર ઇલેક્ટ્રિક મીટરમાં વધારી શકાય છે. તમે ટૉરેન્ટ પાવર પાસેથી વીજળી લેતા હોય કે પીજીવીસીએલ કે યુજીવીસીએલ કોઈ પણ પાસેથી વીજળી મેળવતા હો ત્યારે એમને જાણ કરીને વધારાનો વીજભાર મેળવી શકાય છે. વીજભાર વધારવા માટે તમારે એડિશનલ ચાર્જ ચુકવવો પડે છે.
આવશ્યક છે ઈલેક્ટ્રિક ઓડિટ
સૌથી પહેલાં આપણે એ સમજીએ કે આ ઈલેટ્રીક ઓડિટ એટલે શું?
જેમ તમે તમારા ધંધા-રોજગાર કે ઓફિસનાં ખર્ચનું વાર્ષિક ઓડિટ કરતા હોવ છો ઠીક એજ રીતે તમારે તમારા કાર્યસ્થળ કે ઘરનું ઈલેકટ્રીક ઓડિટ પણ કરવું જોઈએ. જેમ ખર્ચનું વાર્ષિક ઑડિટ થાય છે એમ વર્ષે એકવાર ઇલેક્ટ્રિક ઑડિટ કરવું ખુબ જ આવશ્યક છે. જેના આધારે તમારા ઘર કે ઔદ્યોગિક એકમમાં કેટલો વીજ વપરાશ થાય છે અને તેના માટે કેટલું વીજભાર આવશ્યક છે તેનું તારણ મેળવી શકાય છે. ઇલેક્ટ્રિક ઑડિટ માટે સર્ટિફાઇડ ઑડિટર હોય છે જે આ કામ કરે છે.
જેમાં ઇલેક્ટ્રિક કન્સલ્ટન્ટ કે કૉન્ટ્રેક્ટર હૉસ્પિટલ, ઘર કે ઉદ્યોગ એવાં કોઈ પણ એકમનાં સમગ્ર વીજળી ઉપકરણો વાયરિંગ વગેરેનું નિરીક્ષણ કરીને માર્ગદર્શન આપે છે અને ઉપકરણો વધ્યાં હોય તો વીજભાર વધારી આપે છે. વાયરની સાઇઝ વધારવી વગેરે જરૂરી કામ તેઓ કરી આપે છે. વીજભાર વધાર્યા પછી જો વાયર જૂનો જ રાખો તો એની વહનક્ષમતા ન હોય તો પણ આગ લાગી શકે છે. આ તમામ બાબતો ઈલેક્ટ્રીક ઓડિટમાં થઈ શકે છે. જો તમારી લાઇટ કે વાયર કે કોઈ પણ ઉપકરણ પાસે કાર્બનનાં કાળાં ધબ્બા થઈ ગયા હોય તો સમજી જવાનું કે રિપૅર કરાવવાનો સમય થઈ ગયો છે. સ્પાર્કને લીધે એ ધબ્બા થતા હોય છે.
ફાયર સેફ્ટીનું એનઓસી અપડેટ કરાવવું આવશ્યક
સુરતના તક્ષશીલા ટ્યુશન કલાસમાં આગની ઘટના હોય કે પછી અમદાવાદની શ્રેય કોવિડ હોસ્પિટલમાં આગનો બનાવ આ તમામ ઘટનાઓમાં ઈલેક્ટ્રોનિક શોર્ટ સર્કિટનું પ્રાથિમક કારણ સામે આવ્યું હતું. આ ઉપરાંત આ સ્થળો પાસે ફાયર સેફ્ટીનું એનઓસી પણ નહોંતુ. આગની ગંભીર ઘટનાઓને ટાળવા માટે તમારા ઘર, ઓફિસ કે ઔદ્યોગિક એકમોનું નિયમીત ફાયર એનઓસી અપડેટ કરાવવું અત્યંત આવશ્યક છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે