સુરતની દરેક ગલીમાં છે કાલીન ભૈયા, મોબાઈલ ચોરીના વહેમમાં રેમ્બો છરીથી છુંદી નંખાયું યુવકનું શરીર
surat crime capital : પોલીસનો ખૌફ ગુનેગારોને રહ્યો ન હોય તેમ હત્યાઓનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ગુરૂવારે સવારે 4 વાગે ત્રણ જણાએ એક યુવક પર મોબાઈલ ચોરીની શંકા રાખીને તેને ઢોર માર માર્યો
ચેતન પટેલ/સુરત :સુરત શહેરમા હત્યા અને લૂંટ જેવી ઘટનાઓ સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. પોલીસનો ખૌફ ગુનેગારોને રહ્યો ન હોય તેમ હત્યાઓનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ગુરૂવારે સવારે 4 વાગે ત્રણ જણાએ એક યુવક પર મોબાઈલ ચોરીની શંકા રાખીને તેને ઢોર માર માર્યો હતો. બાદમાં તેની રેમ્બો છરો મારીને તેની હત્યા કરી હતી. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
દાહોદના ભાઠીવાડા ગામના વતની રમેશભાઈ જીતાભાઈ મેડા હાલ સુરતમાં પરવત ગામ ખાતે ગીતાનગર સોસાયટી પાસે સુમન આવાસમાં પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની દલકીબેન ઉપરાંત 4 સંતાન છે. તેમાં સૌથી મોટો દીકરો નિરજ હતો. દલકીબેન શાકભાજી વેચવાનું કામ કરે છે. રમેશભાઈ મજુરી કામ કરે છે. ગુરૂવારના રોજ સવારે નીરજ ‘સરદાર માર્કેટ જઉ છું...’ તેમ કહીને ઘરેથી નીકળ્યો હતો. બાદમાં દલકીબેન પણ સરદાર માર્કેટ માટે નીકળ્યા હતા. આ બાદ એક ઓળખીતાએ દલકીબેનને કહ્યું કે, તમારા નીરજને 3 છોકરાઓ સાથે ઝઘડો થયો છે. ત્યાર બાદ તેમના સંબંધીએ ફોન કરીને જણાવ્યું કે, નિરજ ઘર પાસે પડેલો છે. તેને ચપ્પુ વાગ્યું છે. તેથી બધા ઘર પાસે ગયા હતા, જ્યાં આવાસના ગેટ પાસે નિરજ લોહીલુહાણ પડેલો હતો.
આ પણ વાંચો : યુક્રેનમાં આર યા પારની સ્થિતિ, ગુજરાતના ફસાયેલા વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઈન જાહેર કરાઈ
સારવાર માટે નીરજને સ્મીમેર લઈ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન નિરજનું મોત નિપજ્યું હતું. નિરજના આખા શરીરે માર મારવાના નિશાન હતા. તેમજ તેના ગળા તથા છાતીના ભાગે રેમ્બો છરાના ચાર ઘા, પીઠના ભાગે એક ઘા હતો. દલકીબેને પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ મામલે ઇન્સ્પેક્ટર વી.યુ.ગડરિયાએ તપાસ કરતા માહિતી મળી કે, સરદાર માર્કેટમાં ગાળા નંબર બી-0607 પાસે કેટલાક અજાણ્યાઓએ એક યુવકને માર મારતા હતા. ત્યાં તપાસ કરતા ત્યાંથી સીસી ફુટેજમાં કેટલાક લોકો મારતા દેખાયા હતા. તે દરમિયાન બાતમી મળી કે માર્કેટ વિસ્તારમાં રહેતા સંતોષ ઉર્ફ કાળું પટેલ અને અર્જુન રાઠોડે નિરજને માર માર્યો છે. તેથી પોલીસે સંતોષ અને અર્જુન તથા તેની સાથેના એક કિશોરની અટકાયત કરી હતી. તપાસમાં જણાયું કે આરોપી સંતોષના આઈફોન-11 ચોરી થયો હતો જે અંગેની શંકા હતી.