માથુ કપાયેલી લાશનું રહસ્ય આખરે સુરત પોલીસે ઉકેલ્યું, દિલ્હીથી પકડાયા બે આરોપી
- ડીંડોલી પોલીસની સફળ કામગીરી, ત્રણ વર્ષથી ફરાર હત્યાના આરોપીઓને પકડી પાડ્યા
- 2018માં બે ભાઈઓએ મળીને હત્યા કરી હતી, તેના બાદ દિલ્હી ભાગી ગયા હતા
ચેતન પટેલ/સુરત :સુરત શહેરમાં પત્નીને ભગાડી ગયેલા પ્રેમીના ભાઈની હત્યા કરનારા આરોપી પતિ અને દિયરને ત્રણ વર્ષ બાદ ડીંડોલી પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીએ લોખંડની આરીથી હત્યા કરી હતી. આ ઘટનામાં શામેલ પતી-દિયરની પોલીસે દિલ્હીથી ધરપકડ કરી છે. ઘટનાને અંજામ આપી આરોપીઓ દિલ્હી ભાગી ગયા હતા અને ત્યાં મજૂરી કામ કરતા હતા.
26મી ઓગસ્ટ, 2018ના રોજ સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલા કરાડવા ગામ નજીક શેરડીના ખેતરમાંથી અજાણ્યા યુવકનું માથું શ્વાન ખાતા હોવાની જાણકારી પોલીસને મળી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. તપાસ દરમિયાન નજીકમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જેનુ મૃતદેહમાં માથુ શરીરથી અલગ હતુ અને શ્વાન માથાનો ભાગ ખાઈ ગયા હતા. પોલીસે તપાસ કરતા મૃતકના શર્ટના ખિસ્સામાંથી આધાર કાર્ડ મળી આવ્યું હતું, જેના કારણે તેની ઓળખ થઈ હતી.
આ પણ વાંચો : આડા સંબંધનો વહેમ રાખીને પરિણીતાના હાથે યુવકને રાખડી બંધાવી
મૃતકની ઓળખ સુજય નરેશ પાસવાન થઈ હતી. આરોપીઓએ મૃતકની ઓળખ ન થાય એટલે મૃતદેહને ખેતરમાં ફેંકી દીધો હતો. જોકે, ખિસ્સામાંથી મળી આવેલ આધાર કાર્ડના આધારે પોલીસ આરોપીઓની શોધમાં બિહાર ગઈ હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતક સુજય પાસવાન એ સોનુ પાસવાનનો ભાઈ છે. સોનુ પાસવાનના એક મહિલા સાથે અનૈતિક સંબંધ હતા અને તે મહિલાને સંતાન સાથે ભગાડી ગયો હતો. જેનો ખાર રાખીને મહિલાના પતિ નન્નુ પાસવાન અને તેનો ભાઈ શિવપુંજન પાસવાને સુજય પાસવાનની હત્યા કરી હતી, અને સુરતમાંથી નાસી ગયા હતા.
આ પણ વાંચો : આયશાને મરવા મજબૂર કરનાર આરીફની જામીન અરજી કોર્ટે ફગાવી
બંને આરોપી પણ મૂળ બિહારના હતા, જેથી પોલીસ બંનેની શોધમાં બિહાર પણ ગઈ હતી. આખરે ત્રણ વર્ષ બાદ પોલીસને આરોપીઓ અંગે માહિતી મળી હતી. ટેક્નિકલ સર્વેલન્સના આધારે પોલીસે તપાસ હાથ ધરતા આરોપી નવી દિલ્હી ખાતે હોવાની હકીકત બહાર આવી હતી. હત્યા કર્યા બાદ બન્ને દિલ્હી નાસી ગયા હતા અને મજૂરી કામ કરતા હતા.