આડા સંબંધનો વહેમ રાખીને પરિણીતાના હાથે યુવકને રાખડી બંધાવી

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં યુવકનું અપહરણ કરી તેને માર મારવાનો કિસ્સો સામે આવ્યો છે. પરણિતા સાથે વાત કરતો હોવાનો વ્હેમ રાખી યુવકને માર માર્યા બાદ પરણિતા પાસે રાખડી બંધાવી યુવકને છોડી મૂકાયો હતો. જેથી યુવકે 9 સામે ફરિયાદ નોંધાવતા પોલીસે યુવકની ફરિયાદને આધારે 9 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Updated By: Apr 1, 2021, 02:18 PM IST
આડા સંબંધનો વહેમ રાખીને પરિણીતાના હાથે યુવકને રાખડી બંધાવી

અલ્કેશ રાવ/બનાસકાંઠા :બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં યુવકનું અપહરણ કરી તેને માર મારવાનો કિસ્સો સામે આવ્યો છે. પરણિતા સાથે વાત કરતો હોવાનો વ્હેમ રાખી યુવકને માર માર્યા બાદ પરણિતા પાસે રાખડી બંધાવી યુવકને છોડી મૂકાયો હતો. જેથી યુવકે 9 સામે ફરિયાદ નોંધાવતા પોલીસે યુવકની ફરિયાદને આધારે 9 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ગોકુલપુરા ગામે રહેતો અને ઇકબાલગઢમાં ગોપાલ ઓટો પાર્ટ્સ નામની દુકાન ધરાવતો વેપારી સંજય રમેશભાઈ પટેલ (કરપટિયા) 30 મી માર્ચ સવારે પોતાની કાર લઈ  ઇકબાલગઢ ધંધાર્થે જઈ રહ્યો હતો. તે સમયે પોતાના સમાજની એક પરણિતા સાથે વાત કરતો હોવાનો વ્હેમ રાખી 9 શખ્સોએ રસ્તામાં યુવક સંજયની કાર ઉભી રખાવી હતી. જેના બાદ તેને બીજી કારમાં બેસાડી તેનું અપહરણ કર્યું હતું અને તેને એક ફાર્મ હાઉસમાં લઈ ગયા હતા. જ્યાં ક્લચ વાયરથી બાંધી પાવડાના ધોકા અને લોખંડની પાઇપોથી તમામ યુવકો તેના પર તૂટી પડ્યા હતા. માર મારતા યુવક ઈજાગ્રસ્ત થયો હતો.

આ પણ વાંચો : ગુજરાત સરકાર લાવી લવ જેહાદનો કડક કાયદો, લોહીનું સગપણ ધરાવનાર પણ કરી શકશે ફરિયાદ

યુવકોની ક્રુરતા આટલેથી અટકી ન હતી. તેને બીજા ખેતરમાં લઈ જઈ યુવતીને બોલાવવવામાં આવી હતી. યુવતી પાસેથી યુવક સંજયના હાથે રાખડી બંધાવી હતી અને તે બાદ જો હવે મહિલા સાથે વાત કરીશ તો યુવક સહિત તેના પરિવારને મારી નાંખવાની ધમકીઓ આપી યુવકને ગાડીમાં પુરી ગોકુલપુરા બસસ્ટેન્ડ પર છોડી ગયા હતા. જો કે ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ સમગ્ર મામલે પીડિત યુવક સંજયના પિતા રમેશભાઈ (કરપટિયા)એ દિકરાનુ અપહરણ કરી મારમારી તેને મારી નાખવાની ધમકી આપવા મામલે પાલનપુર  તાલુકા પોલીસ મથકે 9 લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો : અતુલ બેકરી હિટ એન્ડ રન : સગપણ નક્કી થવાનું હતું એ જ દિવસે અતુલ વેંકરીયાની કારથી દીકરી કચડાઈ  

પીડિત યુવક સંજય પટેલે પોલીસને જણાવ્યું કે, હું મારાં ધંધાર્થે ઇકબાલગઢ જતો હતો અને મને 9 લોકોએ આવી મારું અપહરણ કર્યું અને મને માર માર્યો હતો. પીડિત યુવક સંજયના બે વર્ષ અગાઉ તેની પત્ની સાથે છુટાછેડા થઈ ગયા હતા. અને તે બાદ આ યુવક સમાજની એક પરણિતા સાથે ફોન પર વાત કરતો હતો. આ મામલે સામાજિક રીતે મૌખિક સમાધાન થઇ ગયુ. પરંતુ તે બાદ પણ શખ્સોએ યુવક પર વ્હેમ રાખી તેનું અપહરણ કરી તેને માર મારતા યુવકના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. 

આ મામલે પાલનપુરના એએસપી સુશીલ અગ્રવાલે જણાવ્યું કે, પાલનપુરના ગોકુલપુરા ગામના યુવકનું અપહરણ કરી મારમારવા મામલે 9 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે આરોપીઓની અટકાયત કરવા કવાયત હાથ ધરી છે.

આ પણ વાંચો : કોરોના કેસને કન્ટ્રોલ કરવા IIM અમદાવાદ કેમ્પસમાં પ્રવેશ માટે મૂકાયા નિયમો