ચેતન પટેલ/સુરત :સુરતના પાંડેસરા વિસ્તારમાં થયેલ હત્યાનો ભેદ આખરે ઉકેલાયો છે. જમીનને લઈ ચાલી રહેલી અંગત અદાવતમાં મૃતકની હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ ઘટનામાં બે આરોપીઓની ધરપકડ કરી તેમને જેલના હવાલે કર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના પાંડેસરા વિસ્તારમાં ગત 28 ઓક્ટોબરના એક બિનવારસી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ બનાવમાં પાંડેસરા પોલીસે મૃતક યુવકના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરી તેની ઓળખ કરવાના પ્રયાસ હાથ ધર્યા હતા. દરમિયાન મૃતકના ભાઈએ પાંડેસરા પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા મૃતક યુવકનું નામ અશોક નિશાદ હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત છેલ્લા કેટલાય સમયથી જમીને લઈ મૃતકની બબાલ રાકેશ તથા પવન નામના યુવકો સાથે ચાલતી હોવાનું બહાર આવ્યું હતું. જેથી પાંડેસરા પોલીસે રાકેશ અને પવનની અટકાયત કરી બંનેની પૂછપરછ હાથ ધરી હતી.


પૂછપરછ દરમિયાન બંને પડી ભાંગ્યા હતા અને તેઓએ જ મૃતક અશોકની ઘાતકી હત્યા કરી લાશને ઝાડી ઝાંખરામાં ફેંકી દીધી હોવાની કબૂલાત કરી હતી. હત્યાના દિવસે મૃતક અશોકને બોલાવી પહેલા તો તેની સાથે ઝઘડો કર્યો હતો બાદમાં આવેશમાં આવી બંને જણે તેના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલો કરતાં અશોકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજયું હતું. હત્યા અંગે કોઈને જાણ ન થાય તે માટે મોડી રાતે અશોકના મૃતદેહને ઝાડી ઝાંખરામાં ફેંકી દીધી હતી.