ચેતન પટેલ/સુરત :આચાર સંહિતાના અમલ વચ્ચે સુરતની અમરોલી પોલીસે 2 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. મુંબઈથી એક શખ્સ ડ્રગ્સ સુરતમાં વેચવા માટે લાવ્યો હતો. જેની ધરપકડ કરીને પોલીસે 2.176 કિલોનું ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે. પોલીસે મુબારક બાદીયા નામના આરોપીની ધરપકડ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત શહેરમાં પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષથી ‘નો ડ્રગ્સ ઈન સુરત’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે સુરત પોલીસ કમિશનરની સૂચનાથી સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સુરત પોલીસ ડ્રગ્સની હેરાફેરી કરનારાઓ સામે લાલ આંખ કરી રહી છે. ત્યારે સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓને અમરોલીના કોસાડ આવાસના એક શોપિંગ સેન્ટરમાં ડ્રગ્સનું વેચાણ થતું હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસ H-2ના શોપિંગ સેન્ટરની દુકાન 26 અને બિલ્ડીંગમાં રેડ કરી હતી. 



પોલીસની રેડ દરમિયાન દુકાનમાંથી ડગ્સ મળી આવ્યું છે. આ ઉપરાંત શોપિંગ સેન્ટરના પાર્કિંગમાં રહેલી ઈકો કારમાંથી પણ ડ્રગ્સનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે રેડ દરમિયાન 2 કિલો 176 ગ્રામ MD ડ્રગ્સ જપ્ત કર્યું હતું. ડ્રગ્સની કિંમત 2,17,60,000 થાય છે. આ ઉપરાંત રેડ દરમિયાન પોલીસને ₹2,68,000 રોકડા મળી આવ્યા હતા. પોલીસ સમગ્ર મામલે MD ડ્રગ્સ, રોકડ રકમ, 2 મોબાઈલ અને ઇકો કાર સહિત 2,22,53000નો મુદ્દામાલ કબજે કર્યો છે. 


આ ઉપરાંત પોલીસ દ્વારા મુબારક અબ્બાસ બાદીયા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. મુબારક કોસાડ આવાસ અમરોલીનો રહેવાસી છે. પોલીસે મામલે તપાસ કરતાં સામે આવ્યું હતું કે, મુબારક સામે અગાઉ પણ અમરોલી પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુનો દાખલ થયો છે. તો સમગ્ર મામલે મુંબઈ ખાતે રહેતા અને ડ્રગ્સ સપ્લાય કરનાર વ્યક્તિને વોન્ટેડ પણ જાહેર કર્યો છે. તપાસમાં સામે આવ્યું કે, આરોપીના ભાઈ મુસ્તાક સામે અગાઉ DCB પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ નોંધાયો છે અને તે આ ગુનામાં લાજપોર જેલ ખાતે સજા કાપી રહ્યો છે. મહત્વની વાત છે કે સુરત પોલીસ કમિશનર દ્વારા સારી કામગીરી કરનાર પોલીસ કોન્સ્ટેબલને 25,000નું ઇનામ પણ આપવામાં આવ્યું હતું.