અતુલ તિવારી, અમદાવાદઃ રાજ્યમાં એક તરફ શિક્ષકોની ઘટ જોવા મળતી હોય છે અને બીજીતરફ સરકાર શિક્ષકો પાસે જુદા-જુદા કામ કરાવતી રહે છે. આ બધા વચ્ચે અભ્યાસ કરતા લાખો વિદ્યાર્થીઓનું ભણતર બગડે છે. હવે ચૂંટણી અધિકારી તરફથી વધુ એક કામગીરી શિક્ષકોને સોંપવામાં આવતા વિવાદ ઉભો થઈ ગયો છે. ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની કામગીરી સોંપવામાં આવતા શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે. 31 માર્ચ સુધી તમામ મતદારોનો સંપર્ક કરી કામગીરી પૂર્ણ કરવાના આદેશથી શિક્ષકોમાં રોષ વ્યાપ્યો છે. નિશ્ચિત સમય મર્યાદામાં મહત્તમ આધારકાર્ડ લિંક કરવાના આદેશથી શિક્ષકો નારાજ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિક્ષકો અન્ય કામ કરશે તો બાળકોને કોણ ભણાવશે?
શિક્ષકોને અભ્યાસ કરાવવા સિવાયના અલગ-અલગ કામ આપવાને લીધે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડછાડ કરવામાં આવી રહી છે. જો શિક્ષકો માત્ર આવા કામમાં વ્યસ્ત રહેશે તો બાળકોને ભણાવવાની જવાબદારી કોની. તમામ શાળાના બી.એલ.ઓ.ની કામગીરી કરતા શિક્ષકોની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી બી.એલ.ઓ.ને ચાલુ શાળા દરમિયાન રાઉન્ડ ધ કલોક મુક્તિ આપવા દરેક આચાર્યને જાણ કરવામાં આવી છે. બોર્ડની પરીક્ષાઓ નજીક આવી છે એવામાં ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની કામગીરીને કારણે શિક્ષણકાર્ય પર નકારાત્મક અસર થવાને કારણે શિક્ષકો ચિતિંત જોવા મળી રહ્યાં છે.


આ પણ વાંચોઃ Video: વેપારીએ માત્ર 100 રૂપિયા આપતા નારાજ કિન્નરે દુકાનમાં કપડા કાઢી નાખ્યા અને....


બોર્ડની પરીક્ષા આવી રહી છે નજીક
બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવા, શાળા કક્ષાએ થતી કસોટીઓનું આયોજન કરવા સહિતના કાર્યો ખોરંભાવાની શક્યતાને પગલે શિક્ષકોમાં નારાજગી જોવા મળી છે. ચાલુ શિક્ષણકાર્ય સમયે ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની કામગીરી કરવાની થતી હોવાથી બાળકોનો અભ્યાસ પૂર્ણ કેવી રીતે થશે એ સવાલ ઉઠ્યો છે. અભ્યાસ પૂર્ણ ન થાય બાળકોનું પરિણામ નબળું આવે તો જવાબદારી કોની ?
શું ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની કામગીરી બોર્ડની પરીક્ષા અથવા બાળકોનાં અભ્યાસક્રમ પૂર્ણ કરવા કરતા વધુ જરૂરી બની છે.


ચૂંટણી પંચ સતત કરાવી રહ્યું છે કામ
શિક્ષકોએ કહ્યું કે, ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની કામગીરીમાં કોઈ સાથ આપી રહ્યું નથી. ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની કામગીરી જરૂરી હોય તો આવી કામગીરી ઓનલાઇન પણ કરાવી શકાય. પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક થયા એ રીતે ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની કામગીરી કરાવવા શિક્ષકો દ્વારા માંગ કરવામાં આવી છે. બિનજરૂરી શિક્ષકોને હેરાન કરી, શિક્ષણને નુકસાન કરાઈ રહ્યા હોવાનો શિક્ષકોનો મત છે.


આ પણ વાંચોઃ ભાજપની સરકારમાં દેવું કરીને ઘી પીવા જેવી સ્થિતિ, આટલા રૂપિયા ન ચૂકવ્યા તો...


શિક્ષકોએ કહ્યું- બાળકોનું ભવિષ્ય બગડશે
શિક્ષકોએ કહ્યું કે, વારંવાર શિક્ષકોને સોંપવામાં આવતી જુદી જુદી કામગીરીથી શિક્ષણકાર્યને નુકસાન પહોંચાડી બાળકોના અભ્યાસ સાથે રમત રમી, તેમના ભવિષ્ય સાથે ચેડાં કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે કહ્યું કે, આવા પ્રકારની સોંપવામાં આવતી વધારાની કામગીરીને કારણે શિક્ષણકાર્ય પર અસર પડે છે.  શાળાનું પરિણામ નબળું આવે તો શાળાઓની ગ્રાન્ટ કાપી લેવામાં આવે છે એ સમયે શિક્ષકોની આ વધારાની કામગીરી ધ્યાને લેવાતી નથી. 


આ પણ વાંચોઃ આ 55 બેઠક ન જીત્યું હોત તો ચિત્ર અલગ હોત, ભાજપ ભલે વાહવાહી કરે પણ પાટીલ જાણે છે કે..


ચૂંટણી પંચે આપી હતી બાહેંધરી
અગાઉ ચૂંટણી અધિકારી તરફથી શિક્ષકોને બાંહેધરી આપવામાં આવી હતી કે ચૂંટણી પત્યા બાદ શિક્ષકોને વધારાની કોઈ કામગીરી સોંપવામાં નહીં આવે. ચૂંટણી અધિકારી તરફથી આપવામાં આવેલી શિક્ષકોને બાંહેધરી પણ ખોટી સાબિત થઈ છે. ચૂંટણી પૂર્ણ થયાના ગણતરીના દિવસો બાદ જ શિક્ષકોને ફરી એકવાર ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની કામગીરી સોંપી દેવાઇ છે. શિક્ષણ બગડશે, બાળકોના પરિણામ ઉપર અસર પહોંચશે તેવી ચિંતા કર્યા વિના ચાલુ શિક્ષણ કાર્ય કરતું મૂકી શિક્ષકોને કામગીરી કરવા માટે આદેશ કરાયો છે.  શાળાઓમાં પરીક્ષાઓ કેવી રીતે લેવાશે, સમયસર અભ્યાસક્રમ કેવી રીતે પૂર્ણ થશે, બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીનું પરિણામ કેવી રીતે સુધારી શકાશે ? એની ચિંતા કર્યા વિના તંત્ર દ્વારા શિક્ષકોને વધારાની કામગીરી આપવાનું કાર્ય યથાવત રાખવામાં આવ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube