તેજસ દવે, મહેસાણા: હિંમતનગરના ઢુંઢર ગામમાં ૧૪ માસની બાળકી પર થયેલા દુષ્કર્મના વિરોધના પગલે ઠેર-ઠેર ઠાકોરસેના દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવામાં આવી રહ્યો છે. જેમાં પરપ્રાંતિય લોકો પર હુમલા પણ થયા હતા ત્યારે મહેસાણાના ઇન્દ્રાડ ગામે પણ તેના પડઘા જોવા મળ્યા હતા.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહેસાણાના ઇન્દ્રાડ ગામે તોલા દ્વારા પરપ્રાંતીય લોકોની કોલોનીને ટાર્ગેટ બનાવવામાં આવી હતી. જેમાં ૧૦૦ થી ૧૫૦ લોકોના ટોળાએ કોલોનીમાં તોડફોડ કરી પરપ્રાંતીય લોકોને માર મારવામાં આવ્યો હતો. જેમાં કેટલાક પોતાનો જીવ બચાવી ભાગી ગયા હતા પરંતુ મજુરી કરી પોતાનું ગુજરાન ચલાવતા પૈસા ના હોવાના કારણે ઘરમાં સંતાઈને પોતાનો જીવ બચાવ્યો હતો. હાલ તે ભયના માહોલ વચ્ચે કોલોનીમાં વસવાટ કરી રહ્યા છે. પોતાની ઘરવખરી અને મકાનને નુકસાન થવાથી હાલ આ ગરીબ લોકો ભૂખ્યા તરસ્યા ભયના માહોલ વચ્ચે પોતાની ઓરડીમાં સંતાઈને બેસવા મજબુર બન્યા છે. 


ઘટનાની જાણ થતા જીલ્લા પોલીસ વડા ડીવાયએસપી નંદાસણ મેહસાણા અને કડી પોલીસ સહીતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ટોળાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પોલીસે ૧૫ જેટલા ટીયર ગેસના સેલ છોડી ટોળાને વિખેરવાનો પ્રયાસ કયો હતો. ૧૪ જેટલા લોકોની અટકાયત કરી હતી. આ સમગ્ર મામલે ટોળાએ હિંસકરૂપ ધારણ કરી પોલીસ પર પણ હુમલો કર્યો હતો જેને લઈને પોલીસે રાયોટીંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 


હાલ તો આ સમગ્ર મામલે નંદાસણ પોલીસે ટોળા રાયોટીંગનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે અને ગામની અંદર ફરી આ પ્રકારની ઘટના ના બને તે માટે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.