BJP શરૂ કરશે વિધાનસભા ચૂંટણીની તૈયારી, 1 સપ્ટેમ્બરથી કેવડિયામાં ત્રી-દિવસીય પ્રદેશ કારોબારીની બેઠક
1 સપ્ટેમ્બરથી કેવડિયા ખાતે ભાજપની પ્રદેશ કારોબારી શરૂ થવાની છે. ત્રણ દિવસ ચાલનારા આ મહામંથનમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત અન્ય કેન્દ્રીય મંત્રીઓ પણ હાજર રહેવાના છે.
નર્મદાઃ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની કારોબારી બેઠક 1 સપ્ટેમ્બરથી ત્રણ દિવસ માટે કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાવાની છે. આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સહિત સરકારના મંત્રીઓ અને પાર્ટીના હોદ્દેદારો હાજર રહેવાના છે. ભાજપની કારોબારી બેઠક માટે ખાસ એસઓપી બનાવવામાં આવી છે. આ એસઓપી પ્રમાણે બેઠકમાં તમામ મંત્રીઓ અને પદાધિકારીઓને પોતાની ગાડીમાં ન જવાનુ કહેવામાં આવ્યું છે. તમામ લોકોને બસ કે ટ્રેન દ્વારા ત્યાં પહોંચવાની સૂચના આપવામાં આવી છે.
ભાજપે કારોબારી સભ્યોને સૂચના આપી
સીઆર પાટીલે ભાજપ પ્રદેશનું અધ્યક્ષ પદ સંભાળ્યા બાદ બીજીવાર પ્રદેશ કારોબારીની બેઠક થવા જઈ રહી છે. આ બેઠકમાં આગામી વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણીનો રોડમેપ તૈયાર કરાશે. રાજ્યની વર્તમાન સ્થિતિ અને રાજકીય માહોલની ચર્ચા પણ પ્રદેશ કારોબારીમાં કરવામાં આવી છે. તો બેઠક પહેલા ભાજપે પદાધિકારીઓને પોતાની ખાનગી કાર નહીં પરંતુ ટ્રેન કે બસ દ્વારા કેવડિયા પહોંચવાની સૂચના આપી છે.
આ પણ વાંચોઃ Monsoon: રાજ્યમાં ફરી જામ્યો વરસાદી માહોલ, આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ કેવડિયા પહોંચશે
મુખ્યમંત્રી વિજય રૂપાણી હેલીકોપ્ટરથી કેવડિયા પહોંચવાના છે. તો કારોબારી બેઠકમાં હાજર રહેનાર તમામ સભ્યોને ત્યાં ફરવા માટે ઇલેક્ટ્રોનિક વાહનનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે. ભાજપની કારોબારી બેઠકનું સમાપન 3 સપ્ટેમ્બરે થશે. આ બેઠકમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત અન્ય કેન્દ્રીય મંત્રીઓ પણ હાજરી આપવાના છે. તો કારોબારી બેઠકમાં ભાગ લેવા પહોંચનારા તમામ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની પણ મુલાકાત લેશે.
ભાજપ શરૂ કરશે 2022 વિધાનસભા ચૂંટણીની તૈયારી
કેવડિયામાં યોજાનાર ભાજપની કારોબારી બેઠકમાં સીઆર પાટીલના ડ્રીમ પ્રોજેક્ટ ગુજરાત ડિજિટલ કનેક્ટનું ગ્રાન્ડ લોન્ચિંગ કરવામાં આવશે. રક્ષામંત્રી રાજનાથ સિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં એપ્લિકેશનોથી સજ્જ 750 મહત્વના કાર્યકરોને ટેબલેટ આપવામાં આવશે. આ ટેબલેટમાં કેન્દ્ર તથા રાજ્યની યોજનાઓ, કાર્યકરોના કાર્યક્રમો, સંભવિત પ્રવાસો સહીતની અપટેડ મળી રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube