અતુલ તિવારી, અમદાવાદઃ રાજ્યમાં હવે કોરોના કાબુમાં આવી ગયા છે. એક્ટિવ કેસ માત્ર 150 રહી ગયા છે. તો કોરોના સંક્રમણ અટકાવવા માટે હવે રસીકરણ અભિયાન પણ ઝડપથી ચાલી રહ્યું છે. આ વચ્ચે આવતીકાલ એટલે કે 2 સપ્ટેમ્બરથી રાજ્યભરમાં ધોરણ 6થી 8ના ઓફલાઇન વર્ગો શરૂ થવા જઈ રહ્યાં છે. મહત્વનું છે કે કોરોના કાળમાં સૌથી વધુ અસર શિક્ષણ કાર્ય પર પડી છે. છેલ્લા દોઢ વર્ષથી શાળાઓ બંધ છે. અત્યાર સુધી વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ કરી રહ્યાં હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

50 ટકા હાજરી સાથે શરૂ થશે શાળાઓ
હવે રાજ્ય સરકારે 2 સપ્ટેમ્બરથી ગુજરાતભરમાં ધોરણ 6, 7 અને 8ના ઓફલાઇન વર્ગો શરૂ કરવાની મંજૂરી આપી છે. કોરોના ગાઇડલાઇન સાથે બાળકો શાળામાં અભ્યાસ કરી શકશે. દરેક શાળામાં 50 ટકા વિદ્યાર્થીઓ હાજર રહી શકશે. શાળાઓ માટે કોરોનાના નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે. તો ઓફલાઇન અભ્યાસ સાથે શાળાઓએ ઓનલાઇન ક્લાસ પણ ચલાવવાના છે. 


આ પણ વાંચો- Corona: છેલ્લા 24 કલાકમાં નવા 13 કેસ, મૃત્યુ 0, રાજ્યના 29 જિલ્લામાં શૂન્ય કેસ નોંધાયા


મહત્વનું છે કે આ પહેલા રાજ્ય સરકારે કોરોનાના કેસ ઘટતા ધોરણ 9થી 12 અને કોલેજો શરૂ કરવાની મંજૂરી આપી હતી. હવે સરકારે ધોરણ 6-8ના બાળકોની શાળાઓ પણ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં કોરોના સંકટ ઓછુ થતાં હવે ફરી શિક્ષણકાર્ય રાબેતા મુજબ શરૂ થાય તે માટે સરકાર પ્રયાસ કરી રહી છે. હજુ રાજ્યભરમાં ધોરણ 1થી 5ની શાળાઓ શરૂ થઈ નથી. તો ઓફલાઇન શિક્ષણની સાથે ઓનલાઇન શિક્ષણકાર્ય પણ ચાલી રહ્યું છે.


હજુ કોરોનાની ત્રીજી લહેરનું જોખમ
રાજ્યમાં ભલે કોરોનાના કેસમાં ઘટાડો થઈ ગયો હોય પરંતુ હજુ કોરોનાની ત્રીજી લહેર આવવાની આશંકા યથાવત છે. નિષ્ણાંતોની આગાહી પ્રમાણે આ મહિને અથવા આવતા મહિને કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. તેવામાં રાજ્ય સરકારે શાળાઓ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે પરંતુ બાળકોના મનમાં કોરોનાનો ડર રહી શકે છે. તો વાલીઓને પોતાના બાળકોને શાળાએ મોકલતા પહેલા કોરોનાનો ડર સતાવી રહ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube