• નવા વર્ષે ફરવા નીકળેલા લોકો માટે બુધવારનો દિવસ કાળ બનીને આવ્યો.

  • વહેલી સવારે પાવાગઢ દર્શનાર્થે જઈ રહેલા મુસાફરોને મોટો અકસ્માત નડ્યો.

  • સુરેન્દ્રનગરમાં કાર અકસ્માતમાં ચાર લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત


ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાત માટે બુધવારનો દિવસ ગોઝારો બુધવાર સાબિત થયો હતો. સવારથી જ અકસ્માતનો વણઝાર સર્જાઈ હતી. વહેલી સવારથી જ ગુજરાતના વિવિધ શહેરોમાં ત્રણ અકસ્માત થયા હતા. જેમાં કુલ 15 લોકોના મોત નિપજ્યાં છે. ત્યારે નવા વર્ષે ફરવા નીકળેલા લોકો માટે બુધવારનો દિવસ કાળ બનીને આવ્યો હતો. દિવાળીના પર્વમાં લોકો વતનમાં જઇ રહ્યાં હોવાથી ખાનગી તથા સરકારી બસોમાં મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે. તો બીજી તરફ, ખાનગી બસોના ડ્રાયવરો રાત્રિના સમયે બસો પૂરપાટ ઝડપે હંકારતાં હોવાથી અકસ્માત (accident) ના બનાવો બનતાં રહે છે.  


પાવાગઢ દર્શને જઈ રહેલા યાત્રીઓની ગાડીને વડોદરામાં ગંભીર અકસ્માત, 11 ના મોત


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અકસ્માત-1 : વડોદરામાં સુરતના આહીર પરિવારના 11ના મોત
આજે વહેલી સવારે પાવાગઢ દર્શનાર્થે જઈ રહેલા મુસાફરોને મોટો અકસ્માત નડ્યો હતો. વાઘોડિયા ચોકડી પાસે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સુરતના વરાછા વિસ્તારમાં રહેતો આહીર પરિવાર નવા વર્ષની રજામાં પાવાગઢની મા કાળીના દર્શને જવા નીકળ્યો હતો. આહીર પરિવારના 20 થી 25 લોકો આઈસર ટેમ્પોમાં સવાર થઈને નીકળ્યા હતા. પાવગઢથી તેઓ વડતાલ અને ત્યાંથી પોતાના વતન જવાના હતા. પરંતુ તે પહેલા જ વાઘોડિયા ચોકડી પાસે તેમને મોત મળ્યું હતું. આ પરિવારના મોટાભાગના લોકો લોકો હીરા ઘસવાનું કામ કરે છે. વડોદરાની વાઘોડિયા ચોકડી પાસે આ આઈસર ટેમ્પો ટ્રેલર સાથે અથડાયો હતો. જેમાં પરિવારના 11 લોકોના મોત નિજ્યા છે. જેમાં 5 મહિલા, 3 પુરુષ અને 1 બાળકનો સમાવેશ થાય છે. તો 17 જેટલા લોકો ઘાયલ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ અકસ્માતમાં માર્યા ગયેલા લોકો માટે દુખ વ્યક્ત કર્યું છે, અને અધિકારીઓને ઝડપી કામગીરી માટે સૂચના આપી છે. તેમજ ઘાયલ વહેલી તકે સાજા થાય તેવી પ્રાર્થના કરી છે. 


લખતર રોડ પર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ કાર, 4ના કમકમાટીભર્યા મોત


અકસ્માત-2 : સુરેન્દ્રનગરમા કાર ભટકાઈ
સુરેન્દ્રનગરના લખતર રોડ પર કોઠારીયા ગામના પાટીયા પાસે એક કાર વૃક્ષ સાથે જોરદાર ભટકાઈ હતી. આ ટકરાવ એટલો જોરદાર હતો કે, કારમાં સવાર ચાર લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જેમાં એક મહિલાનું પણ મોત નિપજ્યું છે. અકસ્માત વિશે સ્થાનિકોએ જણાવ્યું કે, કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેથી કાર વૃક્ષ સાથે ભટકાઈ હતી. જોકે, કારના ચાલકને ઝોકું આવી ગયું હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. અકસ્માતની જાણ થતા જ પોલીસ તથા 108ની ટીમનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. તમામ મૃતદેહોને કારમાંથી બહાર કાઢી ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા પી.એમ. અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો અકસ્માતને કારણે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતની વધુ તપાસ હાથ ધરી છે. 


નેશનલ હાઈવે 48 પર બસ અકસ્માત, મધ્યપ્રદેશના મજૂરો મુંબઈ જવા નીકળ્યા હતા


અકસ્માત-3 : નવસારીમાં મજૂરોની બસને અકસ્માત 
નવસારીમાં નેશનલ હાઈવે નંબર 48 પર ખાનગી લકઝરી બસને અકસ્માત નડ્યો હતો. ચીખલી નજીક કન્ટેનરની પાછળ ખાનગી લક્ઝરી બસ અથડાઈ હતી. મધ્યપ્રદેશથી નીકળેલી લક્ઝરી બસમાં મજૂરો સવાર હતા, જેઓ મુંબઈના પાલઘર જવા નીકળ્યા હતા. જોકે, બસ અકસ્માતમાં બસને નુકસાન પહોંચ્યું હતુ અને મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતમાં બસનો ક્લીનર, એક બાળકી અને અન્ય મળીને કુલ ત્રણ લોકોને સામાન્ય ઈજા પહોંચી છે. બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. વહેલી સવારે અકસ્માતનો આ બનાવ બન્યો હતો.