પાવાગઢ દર્શને જઈ રહેલા યાત્રીઓની ગાડીને વડોદરામાં ગંભીર અકસ્માત, 11 ના મોત
Trending Photos
- સુરતના વરાછા વિસ્તારમાં રહેતો આહીર પરિવાર નવા વર્ષની રજામાં પાવાગઢની મા કાળીના દર્શને જવા નીકળ્યો હતો.
- પાવગઢથી તેઓ વડતાલ અને ત્યાંથી પોતાના વતન જવાના હતા. પરંતુ તે પહેલા જ વાઘોડિયા ચોકડી પાસે તેમને મોત મળ્યું
રવિ અગ્રવાલ/વડોદરા :નવા વર્ષના ત્રીજા દિવસે પાવાગઢ દર્શનાર્થે જઈ રહેલા મુસાફરોને મોટો અકસ્માત (accident) નડ્યો હતો. વડોદરાની વાઘોડિયા ચોકડા પાસે
આઈસર ટેમ્પો અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 11 યાત્રીઓના મોત નિપજ્યા છે. તો સાથે જ 17 જેટલા યાત્રીઓ ગંભીર રીતે ઘાયલ હોવાનું સામે આવ્યું છે. સુરતનો આહીર પરિવાર મા કાળીના દર્શને પાવાગઢ જઈ રહ્યો હતો ત્યારે તેઓને રસ્તામાં મોત મળ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ અકસ્માતમાં માર્યા ગયેલા લોકો માટે દુખ વ્યક્ત કર્યું છે, અને અધિકારીઓને ઝડપી કામગીરી માટે સૂચના આપી છે. તેમજ ઘાયલ વહેલી તકે સાજા થાય તેવી પ્રાર્થના કરી છે.
સુરતનો આહીર પરિવાર નવા વર્ષે પાવાગઢ દર્શને નીકળ્યો હતો
પ્રાપ્ત માહિતી અનુસાર, વાઘોડિયા ચોકડી પાસે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સુરતના વરાછા વિસ્તારમાં રહેતો આહીર પરિવાર નવા વર્ષની રજામાં પાવાગઢની મા કાળીના દર્શને જવા નીકળ્યો હતો. આહીર પરિવારના 20 થી 25 લોકો આઈસર ટેમ્પોમાં સવાર થઈને નીકળ્યા હતા. પાવગઢથી તેઓ વડતાલ અને ત્યાંથી પોતાના વતન જવાના હતા. પરંતુ તે પહેલા જ વાઘોડિયા ચોકડી પાસે તેમને મોત મળ્યું હતું. આ પરિવારના મોટાભાગના લોકો લોકો હીરા ઘસવાનું કામ કરે છે. વડોદરાની વાઘોડિયા ચોકડી પાસે આ આઈસર ટેમ્પો ટ્રેલર સાથે અથડાયો હતો. જેમાં પરિવારના 11 લોકોના મોત નિજ્યા છે. જેમાં 5 મહિલા, 3 પુરુષ અને 1 બાળકનો સમાવેશ થાય છે. તો 17 જેટલા લોકો ઘાયલ છે.
ડ્રાઈવરને ઝોકુ આવી ગયું
વડોદરાના ડીસીપી ઝોન-3 કર્ણરાજ વાઘેલાએ જણાવ્યું કે, આઈસર ટેમ્પોના ડ્રાઈવરને ઝોકુ આવી જતા અકસ્માત સર્જાયો છે. જેમાં ટેમ્પો લોજિસ્ટિકના ટ્રેલરમાં ઘૂસી ગયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે, ટેમ્પોનો કચ્ચરધાણ નીકળી ગયો છે. જોકે, મોતનો આંકડો વધવાની શક્યતા છે. કારણ કે, ટેમ્પોના ડ્રાઈવર અને ક્લિનરની હાલત વધુ ગંભીર છે. તથા અન્ય મુસાફરો પણ ગંભી રીતે ઘવાયા છે. જેમાં એક 7-8 વર્ષનુ બાળક અને 12-13 વર્ષની કિશોરી પણ છે.
અકસ્માતની જાણ થતા જ પરિવારજનો દોડી આવ્યા
કર્ણરાજ વાઘેલાએ જણાવ્યું કે, અકસ્માતની જાણ થતા જ સુરતમાં રહેતા આહીર સમાજના લોકો દોડી આવ્યા હતા. તો સાથે જ વડોદરામાં રહેતા સમાજના કેટલાક લોકો પણ દોડી આવ્યા હતા. જેથી મૃતકો અને ઈજાગ્રસ્તોને ઓળખવામાં મદદ થઈ હતી. સાથે જ તેઓએ કહ્યું કે, હાલ, ટ્રેલરના ડ્રાઈવરની પૂછપરછ કરાઈ રહી છે કે, અકસ્માત કેવી રીતે સર્જાયો. તેમજ ટ્રેલરનું પણ ચેકિંગ કરાશે. જેથી ગાડીમાં કોઈ ફોલ્ટ હતો કે કેમ તે માલૂમ પડશે.
ફાયર વિભાગની રેસક્યૂ કામગીરીમાં કરુણ દ્રશ્યો સર્જાયા
તો આઇસર ટેમ્પોમાં સવાર 17 જેટલા યાત્રીઓ ગંભીર રીતે ઘવાયા છે. અકસ્માતની જાણ થતા જ ફાયર વિભાગે રેસ્ક્યૂની કામગીરી તાત્કાલિક હાથ ધરી હતી. તો ઘવાયેલા યાત્રીઓને એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા છે. અકસ્માતની જાણ થતા જ એડિશનલ સીપી, કલેક્ટર અને એસડીએમ સયાજી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. તો SSG હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ રંજન ઐયર પણ તાત્કાલિક હોસ્પિટલમાં હાજર રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે