Gujarat Heavy Rains: રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી કરાઈ છે. ત્યારે આજે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. સુરતના કતારગામ અને સિંગણપોર સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ઘૂંટણસમા પાણી ભરાતાં વાહનચાલકો અને રાહદારીઓ હેરાન પરેશાન થઈ ગયા છે. આ સાથે જ સુરત કોર્પોરેશનનો પ્રિ-મોન્સુન પ્લાન પાણીમાં ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વલસાડ, સુરત અને નવસારી સહિતમાં વહેલી સવારથી જ મેઘસવારી આવી પહોંચી હતી. વાપીમાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તો સુરતમાં રસ્તા પર નદીઓ વહેવા લાગી હતી. તેમજ અનેક વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આજે સવારે 6 વાગ્યે પુરા થતાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 191 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે ભાવનગરના મહુવામાં અઢી ઈંચ ખાબક્યો હતો.



સુરતમાં રસ્તા પર પાણી જ પાણી
સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડતા લોકો હેરાન પરેશાન થતાં જોવા મળ્યા હતા, જેના કારણે લોકોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. ધોધમાર વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. કતારગામ, સિંગણપોર સહિતના વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે. કતારગામ, સિંગણપોરમાં ઘૂંટણસમા પાણી ભરાયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. સુરતમાં વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો છે. હજી પણ વરસાદ વરસવાનું શરૂ છે. વરાછા, પાલનપુર પાટિયા, અડાજણ, પર્વત પાટિયા વિસ્તારમાં પાણી ભરાવાના શરૂ થયા છે.


તમને જણાવી દઈએ કે સુરત શહેરમાં મોડી રાતથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેથી નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. 2 ઇંચ વરસાદ ખાબકતાં અનેક જગ્યાએ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ઉધના રેલવે સ્ટેશન ગરનાળુ, અઠવા ગેટ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સુરતના વેડરોડ વિસ્તારમાં રસ્તા પર પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું. જેને પગલે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. 


નવસારી શહેર સહિત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. શહેરમાં વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ શરૂ થયો છે. નવસારી શહેરમાં આવેલા ધાનેરા પોઇન્ટ મંકોડિયા, સ્ટેશન રોડ જમાલપુર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વાવણી લાયક વરસાદ આવતાં ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.