ભરૂચ આગકાંડઃ હોસ્પિટલમાં લાગેલી આગમાં બે કોરોના વોરિયર્સ નર્સે પણ ગુમાવ્યો પોતાનો જીવ
ભરૂચની વેલફેર હોસ્પિટલમાં લાગેલી ભીષણ આગમાં 18 લોકોના મોત થયા હતા. જેમાં બે નર્સ અને 16 દર્દીઓ સામેલ છે. હોસ્પિટલમાં મોડી રાત્રે લાગેલી આગમાં કોરોના દર્દીઓની સારવાર કરી રહેલી બે ટ્રેઇની નર્સના પણ મોત થયા છે. જેમની ઉંમર માત્ર 19 વર્ષની હતી.
ભરૂચઃ ભરૂચની વેલફેર હોસ્પિટલમાં લાગેલી ભીષણ આગમાં 18 લોકોના મોત થયા હતા. જેમાં બે નર્સ અને 16 દર્દીઓ સામેલ છે. હોસ્પિટલમાં મોડી રાત્રે લાગેલી આગમાં કોરોના દર્દીઓની સારવાર કરી રહેલી બે ટ્રેઇની નર્સના પણ મોત થયા છે. જેમની ઉંમર માત્ર 19 વર્ષની હતી.
19 વર્ષની બન્ને ટ્રેઈની નર્સના મોત
ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં રહેતી માધવી મુકેશ પઢિયાર અને અંકલેશ્વર ખાતે રહેતી ફરીગા ખાતુન ભરૂચની વેલફેર હોસ્પિટલમાં ટ્રેની તરીકે ફરજ બજાવતી હતી. અને છેલ્લા બે મહિનાથી કોવિડ દર્દીઓની દેખરેખ કરી રહી હતી. મોતને ભેટેલ બંને નર્સ 19 વર્ષીય હતી. માધવી વેલ્ફેર હોસ્પિટલની નર્સિંગ કોલેજમાં બે વર્ષનો નર્સિંગનો કોર્સ કરી રહી હતી. જે દરમિયાન જિલ્લા વહીવટી તંત્રના આદેશ અનુસાર તેઓને ટ્રેઈની તરીકે કોવિડ વોર્ડમાં મુકવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ નકલી દવાઓનું વેચાણ અને સંગ્રહ કરતા લોકોને સરકારની સ્પષ્ટ ચેતવણી, કહ્યું આવા લોકો સામે કડક કાર્યવાહી થશે
અચાનક વેન્ટિલેટર કીટમાં સ્પાર્ક થયો જે બાદ આગ ફાટી નીકળી
છેલ્લા બે મહિનાથી દિવસ રાત કોવિડ દર્દીઓની સેવામાં તેઓ હતા. અમુક વાર તો 24-24 કલાકની ડ્યુટી તેઓએ કરી હતી. ગતરોજ રાત્રિના 12 કલાક અને 50 મિનિટે અચાનક વેન્ટિલેટર કીટમાં સ્પાર્ક થયો જે બાદ આગ ફાટી નીકળી હતી. તે સમયે મૃતક માધવી તથા તેની સાથે ફરજ બજાવી રહેલ 19 વર્ષીય ફરીગા ખાતુન પીપીઇ કિટ પહેરીને દર્દીઓની સારવાર કરી રહ્યાં હતા.
આગ એટલી વિકરાળ હતી કે તે બંને બચી શક્યા ન હતા
વેન્ટિલેટરમાં ફાયર થતાં ફરીગા આગની લપેટમાં આવી ગઈ હતી. જેને બચાવવા માટે તાત્કાલિક માધવીએ ફરીગાને બાથ ભીડી લીધી હતી. જેથી તેની પણ પીપીઇ કિટ સળગવા લાગી હતી અને શરીર સાથે ચોંટી ગઇ હતી. જે બાદ બંને નર્સ બચાવ માટે બાથરૂમ તરફ દોડ્યા હતા અને પાણીનો મારો પોતાની ઉપર ચલાવવાની કોશિષ કરી હતી. પરંતુ આગ એટલી વિકરાળ હતી કે તે બંને બચી શક્યા ન હતા.
આ પણ વાંચોઃ ભરૂચ આગકાંડમાં 18 લોકોના મોત, તપાસ માટે બે સીનિયર અધિકારીઓ પહોંચ્યા હોસ્પિટલ
આઈસીયુમાંથી બહાર નીકળી જવામાં સફળ રહી હતી
જ્યારે તેઓ સાથે રહેલ અન્ય એક નર્સ ચાર્મી ગોહિલ દરવાજાની નજીક હોય તે આઈસીયુમાંથી બહાર નીકળી જવામાં સફળ રહી હતી અને તેનો જીવ બચી ગયો હતો. જે હાલ હેબતાઈ થઈ ગઈ છે અને અન્ય હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. પરિવારજનોને જાણ થતાં તેઓ વેલ્ફેર હોસ્પિટલ પહોંચતા તેઓને બાથરૂમમાં સળગી ગયેલી હાલતમાં પોતાની વ્હાલસોયી દીકરીનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક માધવી નોન કોવિડ હોઈ તેની અંતિમવિધિ ભરૂચના દશાસ્વ મેઘ સ્મશાનમાં કરાઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube