નકલી દવાઓનું વેચાણ અને સંગ્રહ કરતા લોકોને સરકારની સ્પષ્ટ ચેતવણી, કહ્યું આવા લોકો સામે કડક કાર્યવાહી થશે

માનવ જીવન હણાય એવા ચેડા કરનાર મોતના સોદાગરો ચેતી જાય- તેમના આ કૃત્યને માનવ વધ અપરાધ ગણી તેમની સામે પાસા હેઠળ કડક કાર્યવાહી કરાશે.
 

 નકલી દવાઓનું વેચાણ અને સંગ્રહ કરતા લોકોને સરકારની સ્પષ્ટ ચેતવણી, કહ્યું આવા લોકો સામે કડક કાર્યવાહી થશે

ગાંધીનગરઃ ગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ  છે કોરોાની સાંપ્રત પરિસ્થિતીમાં માનવજીવને બચાવવા માટે તથા લોકો ઓછા સંકમિત થાય એ માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ  ટીમ ગુજરાત અસરકારક કામગીરી  કરી રહી છે. તેમ છતાંય કેટલાક વિકૃત લોકો મોતના સોદાગર બનીને માનવજીવન હણાય  એ માટે ચેડા કરીને રેમડિસીવર ઇન્જેકશનનું નકલી વેચાણ  કરવાનો પ્રયાસ  કરી રહયા છે એમની સામે રાજય સરકાર કડક હાથે સખ્તાઇથી કામગીરી કરશે એટલે આવા કાળા બજારીયા અને સંગ્રહખોરી કરનારા તત્વો ચેતી જાય. 

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની આગેવાનીમાં રાજ્ય સરકાર નાગરિકોને સર્વોત્તમ સારવાર મળી રહે અને આરોગ્યની બાબતમાં સહેજ પણ કચાશ ન રહે તે માટે ‘મારૂ ગામ કોરોના મુક્ત ગામ’ જેવા અભિયાનો થકી  નિર્ણાયક કામગીરી કરી રહી છે. કોરોનાના કપરાકાળમાં રાજ્યના નાગરિકોને ત્વરીત સારવાર પૂરી પાડવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ટીમ ગુજરાત અવિરતપણે કામગીરી કરી રહી છે. રાજ્યમાં કોરોનાની સારવાર માટે ૧પ માર્ચના રોજ ૪૧,૮૭૦ પથારીઓ ઉપલબ્ધ હતી જે વધારીને આજે ૯૬,૦૬૬ પથારીઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. તે ઉપરાંત અમદાવાદ ખાતે ડી.આર.ડી.ઓના સહયોગથી ૯૦૦ બેડની હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે જેમાં ૨૫૦ આઇ.સી.યુ. બેડની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. રાજ્યની હોસ્પિટલોમાં ઓક્સિજનનો જથ્થો સમયસર ઉપલબ્ધ બને તે માટે સિનિયર અધિકારીઓ ર૪ કલાક મોનિટરીંગ કરી રહ્યા છે. રાજ્યમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ છે. તે ઉપરાંત નવા ૧૧ PSA ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે કામગીરી ચાલુ થઈ ગઈ છે. 

ગૃહમંત્રી જાડેજાએ કહયું કે કોરોનાની સારવારમાં દર્દીઓ માટે અંત્યંત જરૂરી એવા રેમડેસિવિર ઈન્જેક્શનનો જથ્થો  માત્ર એપ્રિલ માસમાં જ છ લાખથી વધુ દર્દીઓને વિનામૂલ્યે પૂરા પડાયો છે. વિવિધ ફાર્મા કંપનીઓ દ્રારા ઇન્જેકશનો જથ્થો GMSCL ને પુરો પાડવામાં આવે છે આ જથ્થાનું વિતરણ મહાનગરો અને તમામ જીલ્લાઓમાં નિયમિત રીતે કરવામાં આવે છે. સંબધિત મ્યુનિસિપલ કમિશ્નરોને જીલ્લા કલેકટરશ્રીના સીધા મોનિટરીંગ હેઠળ જથ્થાનું વિતરણ સૌ પ્રથમ સરકારી હોસ્પિટલોને તેમની જરૂરિયાત મુજબ વિતરણ કરવમાં આવે છે. ત્યાર બાદ ખાનગી હોસ્પિટલોને પડતર ભાવે જરૂરિયાત મુજબ સ્થાનિક કક્ષાએથી વિતરણ કરવામાં આવી રહયું છે. 

મંત્રી જાડેજાએ ઉમેર્યુ કે રાજ્યમાં રેમડેસીવીર જેવી કોરોના માટેની મહત્વની દવાના કાળા બજાર ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત મોનિટરીંગ કરવામાં આવી રહયું છે આ માટે પોલીસને કડક કાર્યવાહી કરવા આદેશો કરાયા છે જેથી આ દવાના કાળાબજાર અથવા ગેરકાયદેસરની સંગ્રહાખોરી અટકાવી શકાય, પરંતુ કેટલાક વિકૃત લોકો દ્રારા નકલી રેમડેસીવીર દવાના ઇન્જેકશન બનાવીને માનવવધ જેવા કૃત્યો કરવાનો હિન પ્રયાસ કરવામાં આવ્યો છે.  આવા તમામ બનાવોને અતિ ગંભીર ગણીને રાજય સરકાર  દ્વારા આ સંદર્ભે ૨૩ ગુનાઓ નોંધીને ૫૭ લોકોની ધરપકડ કરવામાં આવી છે. 

મંત્રીએ કહયું કે, તાજેતરમાં જ અમદાવાદ શહેરમાં નકલી રેમડેસીવીર ઇન્જેક્શન વેચવા અંગેનો પ્રયાસ કરાયો છે જેમાં આરોપીઓ દ્વારા સીલબંધ ઇન્જેક્શનની શીશી લઇને તેના ઉપર રેમડેસીવીરના નકલી સ્ટીકર લગાડીને બનાવટી બોક્ષમાં પેક કરીને તેને સાચા રેમડેસીવીર તરીકે વેચવામાં આવતાં હતા. આ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા કુલ-૮ આરોપીઓ વિરુધ્ધ ગુનો દાખલ કરીને ૭ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આવી છેતરપીંડીથી કોઇ દર્દીના જીવનું જોખમ થઇ શકે છે. જેથી આ બનાવની ગંભીરતા ધ્યાને લેતાં ગુનામાં ગુનાહિત મનુષ્ય વધ કરવાની કોશિશની (આઇ.પી.સી કલમ-૩૦૮) કલમો સહિત છેતરપીંડી અને આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ, ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમો લગાડવામાં આવી  છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news