ઉદય રંજન, અમદાવાદઃ અમદાવાદના ખોખરા વિસ્તારમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવામાં આવી હતી. આ ઘટના બાદ લોકોમાં રોષ ફેલાયો હતો. આજે સવારે ખોખરા વિસ્તારમાં લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને દુકાનો બંધ કરાવી હતી. બાબા સાહેબની પ્રતિમા ખંડિત કરવાની ઘટના બાદ આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસની ટીમ સક્રિય થઈ હતી. હવે બાબાસાહેબની મૂર્તિ ખંડિત કરનાર આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા
અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં કેકે શાસ્ત્રી કોલેજની સામે આવેલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા અજાણ્યા શખ્સોએ ખંડિત કરી હતી. આ ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે મેહુલ ઠાકોર અને ભોલા નામના બે વ્યક્તિની ધરપકડ કરી છે. આ બંનેએ જૂની અદાવતના ઝગડામાં આ કૃત્ય કર્યું હતું. મેહુલ અને ભોલાએ પથ્થરો મારી મૂર્તિ ખંડિત કરી હતી. પોલીસે 1000થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. તથા 200થી વધુ લોકોની પૂછપરછ કરી હતી.


આ પણ વાંચોઃ ઠંડી વચ્ચે આ જિલ્લાઓમાં આવશે આફતનો વરસાદ, અંબાલાલ અને પરેશ ગોસ્વામીએ કરી આગાહી


રાત્રિના ત્રણ વાગ્યા આસપાસ ડો. આંબેડકરની મૂર્તિ ખંડિત કરવામાં આવી હતી. આ કેસમાં બે લોકો ઝડપાયા છે, જ્યારે ત્રણ લોકો ભાગી ગયા છે. ક્રાઈમ બ્રાન્ચે આપેલી માહિતી પ્રમાણે જુગન દાસની ચાલી પાસે રહે છે. ક્રાઈમ બ્રાન્ચે કહ્યું કે જુગન દાસની ચાલી પાસે નળિયા સમાજ રહે છે, જ્યાં દીવાલને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ અદાવતને કારણે બાબા સાહેબની મૂર્તિ તોડી હતી. 


ખોખરા બંધનું એલાન
બાબાસાહેબની પ્રતિમાને ખંડિત કરાયા બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આજે સવારથી લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. લોકોએ પોલીસની વિરોધમાં પણ નારા લગાવ્યા હતા. આજે સવારે ખોખરા વિસ્તારમાં દુકાનો પણ બંધ કરાવવામાં આવી હતી. સ્થાનિકોએ પોલીસને અલ્ટીમેટમ પણ આપ્યું હતું.