ગોંડલના લોકમેળામાં બે મોટી દુર્ઘટના, 2 યુવકના કરંટ લાગવાથી મોત, એક રાઈડ પરથી નીચે પટકાયો
ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવતા ભૌતિક પોપટને મેળામાં વીજ કરંટ લાગ્યો હતો. તેને બચાવવા નગરપાલિકા ફાયર સ્ટેશનના કર્મચારી નરશીભાઈ ભૂદાજી ઠાકોર જતા તેમને પણ વીજ કરંટ લાગ્યો
ગોંડલ :સૌરાષ્ટ્રમાં ચારેતરફ લોકમેળાનો હર્ષ છવાયેલો છે. લોકો ઉત્સવના ઉન્માદમાં છે. લોકમેળામાં ઉમેટલી ભીડ બતાવે છે કે લોકો કેવી આતુરતાથી લોકમેળાની રાહ જોઈ રહ્યા હતા. આવામાં ગોંડલના લોકમેળામાં ગુરુવારે બે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ગોંડલના લોકમેળામાં 2 વ્યક્તિઓનું વીજકરંટ લાગતા મોત નિપજ્યુ છે. તો ચાલુ રાઇડમાંથી એક વ્યક્તિ નીચે પટકાયો હતો. જે ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવો પડ્યો હતો.
બંને સરકારી કર્મચારી
ગોંડલ સંગ્રામજી હાઈસ્કૂલ ખાતે ગોંડલ નગર પાલિકા સંચાલિત લોક મેળા લોકો માટે ખુલ્લો મૂકાયો છે. ગઈકાલના રોજ પોરબંદર સાંસદના હસ્તે લોકમેળો ખુલ્લો મૂકાયો હતો. આ મેળામાં ભીડ ઉમટી પડી છે. આવામાં ગુરુવારે 2 વ્યક્તિઓને વીજ કરંટ લાગ્યો હતો. મેળામાં એક વ્યક્તિને વીજ કરંટ લાગતા પાલિકા કર્મચારી બચાવવા જતા ફાયરના કર્મચારીને પણ વીજ કરંટ લાગ્યો હતો. જેથી બંને વ્યક્તિઓને ગોંડલ સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સારવાર અર્થે ખસેડાયા હતા. પરંતુ ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા.
આ પણ વાંચો : જન્માષ્ટમી પર અમદાવાદના પુરાણી પરિવાર પર દુખનો પહાડ તૂટ્યો, અકસ્માતમાં સાસુ-વહુ-પૌત્રીના મોત
યુવકને બચાવવા જતા કર્મચારીએ જીવ ખોયો
બન્યુ એમ હતુ કે, ગોંડલ શહેરમાં રહેતા અને ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવતા ભૌતિક પોપટ નામના યુવાનને મેળામાં વીજ કરંટ લાગ્યો હતો. જેથી તે જમીન પર પડી ગયા હતા. તેને બચાવવા નગરપાલિકા ફાયર સ્ટેશનના કર્મચારી નરશીભાઈ ભૂદાજી ઠાકોર જતા તેમને પણ વીજ કરંટ લાગ્યો હતો. બંને ગંભીર રીતે ઘાયલ થયા બાદ મોતને ભેટ્યા હતા.
આ પણ વાંચો : ગુરુવારની રાત કાળ બનીને આવી : એક જ રાતમાં ત્રણ અકસ્માત, 6 ના કમકમાટીભર્યાં મોત
રાઈડમાંથી શખ્સ પડકાયો
ગોંડલના લોકમેળામાં એક દિવસમાં બીજી પણ એક દુર્ઘટના બની હતી. ચાલુ રાઇડમાંથી એક વ્યક્તિ નીચે પટકાયો હતો. નીચે પટકાયેલા વ્યક્તિને હોસ્પિટલ ખસેડાયો હતો. જોકે, વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા તેને વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયો હતો.