રાજકોટ: ઉત્તરાયણના પર્વમાં રાજકોટમાં નિર્માણધીન મકાન ધરાશાયી થવાથી એક મોટી દુર્ઘટના બની છે. લક્ષ્મીવાડીમાં રિનોવેશન દરમિયાન મકાનનું છજુ ધરાશાયી થતા ત્રણ લોકો કાટમાળમાં દટાયા હતા. જેમાંથી એકનું મોત થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરિવારમાં કલ્પાંત સર્જાયો
આ ઘટનાને પગલે ફાયરબ્રિગેડની ટીમ દોડી આવી હતી અને દટાયેલા લોકોનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું. પરંતુ આ ઘટનામાં કડિયાકામ કરતા શ્રમિકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજતા શ્રમિક પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. જ્યારે બે વ્યક્તિને બહાર કઢાતા તેમને ઇજા પહોંચી હતી, જેના કારણે બન્નેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.



શું બની હતી સમગ્ર ઘટના?
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, લક્ષ્મીવાડી 21માં નિખિલભાઈ ટાંકનું ઘર આવેલું છે. આ ઘરના રિનોવેશનનું કામ મૂળ મધ્યપ્રદેશના બબલુભાઈ મોહનિયા અને તેમનો પરિવાર કરી રહ્યો હતો. પરંતુ આજે ઉપરના માળનું છજુ અચાનક ધરાશાયી થયું હતું. આથી નીચે કામ કરી રહેલા બબલુભાઈ, મકાન માલિક નિખીલભાઈ અને અન્ય એક વ્યક્તિ કાટમાળ હેઠળ આવી ગયા હતા. જોકે ફાયર વિભાગે નિખીલભાઈ અને અન્ય વ્યક્તિનો બચાવ કર્યો હતો.. જ્યારે બબલુભાઈનો મૃતદેહ હાથ લાગ્યો હતો. બાદમાં 108 મારફત ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.


શ્રમિકોની હાલત ગંભીર
આ સાથે જ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આ સાથે દિવાલ કેવી રીતે ઘરાશાયી થઇ તે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દિવાલ ધરાશાયી થતાં આસપાસના વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. તબીબોના અભિપ્રાય મુજબ ઇજાગ્રસ્ત બન્ને વ્યક્તિની સ્થિતિ પણ ગંભીર છે. બનાવના પગલે લક્ષ્મીવાડી વિસ્તારમાં ચકચાર મચી છે.