આજની પોઝિટિવ સ્ટોરી : 63 વર્ષના કાંતિભાઈનું યુવાઓને શરમાવે તેવું સાહસ, રોજ 30 કિમી સાયકલ ચલાવે
Positive Story : વૃદ્ધા વસ્થામાં મંદિરના ઓટલે સમય ગુજારતા અને સતત માંદા રહેતા વૃદ્ધો માટે વાપીના સાહસી સાયકલવીર કાંતિભાઈ પટેલ અનોખું ઉદાહરણ છે. જેઓ રોજ 30 કિલોમીટર સાયકલ ચલાવીને પોતાને તંદુરસ્ત રાખે છે
નિલેશ જોશી/વાપી :સિદ્ધિ જેને જઈ વરે જે પરસેવે નાહ્ય... સફળતા અને સિદ્ધિ મેળવવાની કોઈ ઉંમર હોતી નથી. ત્યારે રાજ્યના છેવાડે આવેલ એક નિવૃત્ત વૃદ્ધે 63 વર્ષની ઉંમરમાં અનોખી સિદ્ધિ હાંસિલ કરી છે. જે ઉંમરે વૃદ્ધો નિરાશા અને હાંસિયામાં ધકેલાઈ જતા હોય છે. તે ઉંમરે વાપીના સાયકલિસ્ટ અને માઉન્ટ ટ્રેકર એવા કાંતિભાઈ પટેલે હિન્દુ શાસ્ત્રમાં અતિ મહત્વ 5 કૈલાશની યાત્રા કરી પંચ કૈલાશી બન્યા છે. યુવાનોને શરમાવતા આ યુવાન વૃદ્ધની સિદ્ધિ સાંભળશો તો તમારું પણ લોહી ધગધગતું થઈ જશે.
વાપીના ચલા વિસ્તારમાં રહેતા કાંતિભાઈ પટેલ એકલવાયું જીવન જીવે છે. વાપીની એક ફાર્મા કંપનીમાં મેનેજર તરીકે નિવૃત્ત થયેલા 63 વર્ષીય કાંતિભાઈના પત્નીનું 2014 માં દેહાંત થયું હતું. તેના બાદથી તેઓ એકલવાયું જીવન ગાળે છે. જોકે તેમના બે દીકરાઓ આઈટી એન્જિનિયર બનીને બેંગ્લોર અને પૂણેમાં સફળ જીવન ગાળે છે. ત્યારે વાપીમાં એકલા જીવન પસાર કરતા કાંતિભાઈ પાસે હવે જરાય સમય નથી. 63 વર્ષીય વૃદ્ધને ટ્રેકિંગનો ભારે શોખ છે. એક સાયકલવીર છેલ્લા 3 વર્ષમાં 55 હજાર કિલોમીટરની સાયકલ ચલાવી ચૂક્યા છે. સાથે સાથે ભારતના અનેક ડુંગરો તેમને સર કરેલા છે. સાયકલ ચલાવવાના શોખીન કાંતિભાઈ પટેલ રોજના 30 કિલોમીટરથી વધુ સાયકલ ચલાવે છે. અત્યાર સુધી તેઓ ભારતના લગભગ તમામ શહેરોમાં સાયકલ ચલાવી ચૂક્યા છે. સાથે જ ત્રણ વર્ષમાં તેઓ લેહ, માઉન્ટ આબુ, કૈલાસ માન સરોવર મનાલી સહિતના ઊંચા સ્થળોએ પણ સાઇકલ ચલાવી ચુક્યા છે. હિન્દુ ધર્મમાં કૈલાસની યાત્રાનું ખુબ અનેરું મહત્વ છે.
આ પણ વાંચો : કેન્સર થાય તેવું મરચું રાજકોટમાં વેચાતુ, ખૂલી ગઈ ભેળસેળિયા વેપારીની પોલ
કૈલાસભાઈએ સર કરેલા પર્વતો
- કૈલાસ માનસરોવર - 20 હજાર ફીટ
- શ્રીખંડ કૈલાસ - 18 હજાર ફીટ
- આદિ કૈલાસ (છોટે કૈલાશ) - 17 હજાર ફીટ
- કિન્નોર કૈલાસ -16 હજાર ફીટ
- મણિ મહેશ કૈલાસ - 15 હજાર ફીટની યાત્રા કરે છે. તેને પંચ કૈલાસીની પદવી આપવામાં આવે છે
કાંતિભાઈએ તાજેતરમાં આ તમામ યાત્રા પૂર્ણ કરી પંચ કૈલાશી બની ગયા છે. હાલ શ્રાવણ માસમાં જ્યારે શંકર ભોલેના દર્શનનું ખૂબ મહત્વ છે, ત્યારે કાંતિભાઈએ શ્રાવણમાં 5 કૈલાસ યાત્રા પૂર્ણ કરી દક્ષિણ ગુજરાતના એક માત્ર પંચ કૈલાસી બની ગયા છે.
આ પણ વાંચો : પાડાના વાંકે પખાલીને ડામ : તેલના ભાવ વધવાનું આ છે અસલી કારણ, જેને કારણે જનતા પીસાઈ રહી છે
સામાન્ય રીતે વૃદ્ધા વસ્થામાં મંદિરના ઓટલે સમય ગુજારતા વૃદ્ધોની તંદુરસ્તી ધીરે ધીરે નબળી પડતી જાય છે. ત્યારે રોજની 30 કિલોમીટર સાઇકલ ચાલવતા કાંતિભાઈ આજે પણ તંદુરસ્ત જીવન પસાર છે. સામાન્ય રીતે યુવાનો જ રમત ગમત કે સ્પોટર્સમાં ટોપ સ્થાન મેળવતા હોય છે. પરંતુ વાપીના 63 વર્ષીય કાંતિભાઈ આ ઉમરમાં પંચ કૈલાસી બની અનોખો રેકોર્ડ કર્યો છે. ગુજરાતમાંથી સૌ પ્રથમ મનાલી-લેહ સાઇકલ યાત્રામાં 18 હજાર ફુટ ઉંચાઇએ સાયકલ ચલાવી હતી. એટલું જ નહિ, 3 વર્ષમાં 55 હજાર કિલોમીટરથી વધુ સાઈક્લિંગની સાથે સાથે 5 કૈલાસ યાત્રા કરી અનેક નવા રેકોર્ડ બનાવી યુવાનોને સ્વસ્થ રહેવા સાયકલ ચલાવવાની પ્રેરણા આપી રહ્યાં છે. ઓછા ઓક્સિજનવાળા આ કૈલાસ માનસરોવર જેવા અતિશય કપરા ચઢાણ સર કરીને કાંતિભાઈ તેમની ઉમરના લોકોને સંદેશો પાઠવે છે કે, જીવનમાં નવું કંઈક કરવાની કોઈ ઉંમર હોતી નથી.
આ પણ વાંચો : પાટીલે ‘આપ’ને દેશના સૌથી મોટા દુશ્મન દેશ સાથે સરખાવ્યા, કહી મોટી વાત
વાપીના રહેવાસી અને હાલ ગુજરાતમાં સાઈક્લિંગ અને માઉન્ટ ટ્રેકિંગ ક્ષેત્રે સફળતા મેળવનાર કાંતિભાઈ પટેલને સફળતા મેળવવા ઉંમર ક્યારેય નડી નથી. 63 વર્ષની ઉંમરે પણ તેમનો જુસ્સો યુવાન જેવો જોવા મળી રહ્યો છે. હાલ પણ સતત સાઈક્લિંગ કરી યુવાનોને સ્વસ્થ રહેવાનો સંદેશ આપી રહ્યાં છે, યુવાનોને સતત માર્ગદર્શન આપી સાયકલ ચલાવી રહ્યાં છે. ત્યારે કાંતિભાઈ જેવા યુવાન વૃદ્ધને જોઈ તમામ લોકો તેમની નિવૃત્ત જીવનશૈલી જોઈ અચૂક પ્રેરણા મેળવી રહ્યાં છે.