કેન્સર થાય તેવું મરચું રાજકોટમાં વેચાતુ, ખૂલી ગઈ ભેળસેળિયા વેપારીની પોલ

રાજકોટમાં લાલ મરચાના ભેળસેળના રિપોર્ટમાં મોટો ખુલાસો... મચરાને લાલ કરવા માટે કલરનો ઉપયોગ કરવામાં આવતો હતો... પરા બજારની આશીર્વાદ પેઢીમાં વિભાગે કર્યુ હતું ચેકિંગ...

કેન્સર થાય તેવું મરચું રાજકોટમાં વેચાતુ, ખૂલી ગઈ ભેળસેળિયા વેપારીની પોલ

ગૌરવ દવે/રાજકોટ :જો આપ સીઝનમાં મરચાની ખરીદી કરતા હોય તો સાવધાન થઇ જજો. રાજકોટમાં માર્ચમાં લેવાયેલા મરચાના નમૂના ફેલ થયા છે. રાજકોટ મહાનગરપાલિકાના ફુડ શાખા દ્વારા માર્ચ મહિનામાં નવી દરજી બજારમાં આવેલા આર્શીવાદ માર્કેટીંગ નામની દુકાનમાંથી મરચા, હળદર અને ધાણાજીરૂનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેનો ચોંકાવનારો રિપોર્ટ આવ્યો છે.

રાજકોટમાં મોટાપાયે ભેળસેળ થઈ રહી છે. તેથી ફૂડ શાખા દ્વારા અવારનવાર રેડ પાડવામાં આવે છે. આવામાં મનપાની આરોગ્ય વિભાગની ટીમે દરજી બજારના એક ગોડાઉનમાં રેડ પાડી હતી. પ્રાથમિક ચકાસણીમાં નમૂનો ફેલ થતા મરચું, હળદર અને ધાણાજીરું સહિત 3000 કિલો જથ્થો જપ્ત કર્યો હતો અને વધુ પૃથક્કરણ માટે સેમ્પલ લેવાયા હતા. આ નમૂના અમદાવાદ ખાતેની ખાનગી લેબમાં લઇ જવામાં આવ્યા હતા. જેમાં મરચાના નમૂના પાસ થયા હતા. 

જો કે મહાનગરપાલિકાને આ રિપોર્ટમાં શંકા જતા આ નમૂના બીજી લેબમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં નમૂના ફેલ થતા ફૂડ એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અંતર્ગત કાર્યવાહી હાથ ધરી છે. આરોગ્ય વિભાગના અધિકારી અમિત પંચાલના કહેવા પ્રમાણે, મરચાંમાં સ્ટાર્ચ પાવડર અને સિન્થેટીક પાવડર હોવાનું સામે આવ્યું છે. આ કેમિકલયુક્ત મરચું ખાવાને કારણે પેટના દુખાવા અને કેન્સર સુધીના રોગ થઇ શકે છે. મનપાના અધિકારીઓના કહેવા મુજબ, હજુ પણ હળદર અને ધાણાજીરૂના નમૂના આવવાના બાકી છે. આરોગ્ય વિભાગ દ્વારા કુલ ૩ હજાર કિલો જથ્થો સીઝ કર્યો છે.

તો બીજી તરફ, અમદાવાદની લેબ પણ શંકારના દાયરામાં આવી છે. અમદાવાદના શાહપુરમાં માધુપુરા વિસ્તારમાં આવેલી ગુજરાત લેબોરેટરીમાં કૌભાંડ કરીને મરચાનું નેગેટિવ સેમ્પલ પાસ કરી દેવાયું હતું. તેથી આ લેબમાં બે મહિના દરમિયાન કેટલા સેમ્પલ લેવાયા અને કેટલા પાસ થયા તે માટે પણ તપાસ કરાશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news