ગૌરવ દવે, રાજકોટઃ રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજી તાલુકાના વેગડી ગામમાં ચાર દિવસ પહેલા એક ખેડૂત ભનુભાઈ જોરીયાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ખેડૂતના આપઘાત બાદ પરિવારજનોએ કહ્યું કે, પ્રદૂષણને કારણે પાક નિષ્ફળ જતા ખેડૂતે આત્મહત્યા કરી છે. આ મુદ્દે આજે સમસ્ત વેગડી ગામે વિરોધ નોંધાવ્યો છે. વેગડી ગામે આજે બંધ પાડી તમામ ગ્રામજનોએ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ઈન્ચાર્જ પ્રાદેશિક અધિકારી કૃષ્ણકુમાર વાઘેલાને આવેદન આપ્યું અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૃતક ખેડૂતની પત્નીએ આપ્યું નિવેનદ
આપઘાત કરનાર ખેડૂત ભનુભાઈ જોરીયાના પત્ની કંચનબેને કહ્યું કે, પ્રદૂષણને કારણે અમારો પાક બળી ગયો છે. મારા પતિ સતત પાક બળી જવાની વાત કરતા હતા. અમારા પરિવારમાં હવે કોઈ કમાનારૂ નથી. તો અન્ય એક પાડોશીએ કહ્યું કે, 250 જેટલા વિઘામાં પ્રદૂષણ ફેલાયું છે. અમે આ મુદ્દે અનેક વખત રજૂઆત કરી છે પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી. આ કારણે ભનુભાઈએ આત્મહત્યા કરી છે. તેમણે કહ્યું કે, જો પ્રદૂષણ અટકાવવામાં આવશે નહીં તો ખેડૂતોની સ્થિતિ વધુ ખરાબ થશે. 


આ પણ વાંચોઃ બસ સ્ટેન્ડની અંદર એક યુવક-યુવતીની જાહેરમાં કામલીલા, સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો


પ્રદૂષણને કારણે ખેડૂતોની સ્થિતિ ખરાબ
આજે વેગડી ગામે બેનરો સાથે પ્રદર્શન કર્યું હતું. ગામના ખેડૂતો ખેતરમાં પહોંચ્યા અને ત્યાં બેસીને નારા લગાવ્યા હતા. વેગડી ગામના એક વ્યક્તિએ કહ્યું કે, અમારા ગામમાં ખેડૂતો નિરાધાર થઈ રહ્યાં છે. અહીં ઔદ્યોગિક પ્રદૂષણને કારણે ખેતીમાં નુકસાન થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ માત્ર જોઈ રહ્યું છે પરંતુ કોઈ પગલાં ભરી રહ્યું નથી. ગામના ખેડૂતના આપઘાતને કારણે અમે આજે આંદોલન કરવા બેઠા છીએ. 


અધિકારીએ આવેદન સ્વીકાર્યુ
ગ્રામજનો સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ઈન્ચાર્જ અધિકારી કૃષ્ણકુમાર વાઘેલાને આવેદન આપવા પહોંચ્યા હતા. ગ્રામજનોનું આવેદન સ્વીકારી અધિકારીએ કહ્યુ કે, પ્રદૂષણ ફેલાવતા એકમોમાં ચેકિંગ કરવામાં આવશે. જે એકમો પ્રદૂષમ ફેલાવતા હશે ત્યાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube