અમદાવાદ: કાળઝાળ ગરમીથી બહુ જલદી રાહત મળે તેવા સમાચાર છે. કેરળમાં દક્ષિણ પશ્ચિમનું ચોમાસું 5 દિવસ વહેલું બેસે તેવી શક્યતા છે. 27 મી મે સુધીમાં કેરળના દરિયાકાંઠે દસ્તક આપે તેવી આગાહી છે. જેના પગલે ગુજરાતમાં પણ ચોમાસાનું 5 દિવસ વહેલું આગમન થઈ શકે છે. આથી અગનભઠ્ઠીમાં શેકાતા લોકોને મોટી રાહત મળી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં 10થી 15 જૂન વચ્ચે ચોમાસું દસ્તક આપી શકે છે. 15થી 20 જૂન સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઈ શકે છે. ભારત માટે દક્ષિણ પશ્ચિમનું ચોમાસુ લાઈફલાઈન સમાન ગણાય છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યાં મુજબ ગઈ કાલે એટલે કે 16મીએ આંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી ગયું છે. ત્યાંથી કેરળ તરફ એટલે કે કેરળમાં જે સામાન્ય રીતે ચોમાસું બેસવાની તારીખ છે પહેલી જૂન તે આ વખતે ચોમાસું વહેલું બેસી શકે છે અને 27 તારીખ સુધીમાં કેરળમાં ચોમાસાનું આગમન થઈ શકે છે. નિર્ધારિત સમય કરતા ચોમાસું 5 દિવસ વહેલું બેસી ગયું છે. જો કે તેમણે એ પણ કહ્યું કે જરૂરી નથી કે કેરળમાં વહેલું બેસે તો ગુજરાતમાં પણ વહેલું બેસે. જો કે હાલ તો આશા વ્યક્ત  કરાઈ છે કે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું દસ્તક આપી શકે છે. 


વધુ વિગતો માટે જુઓ Video



આંદમાન પહોંચી ગયું ચોમાસું
હવામાન ખાતાના અધિકારી આર કે જેનામણિએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ચોમાસું આંદમાન સાગર અને દક્ષિણ પૂર્વ બંગાળના તટ સુધી પહોંચી ગયું છે. કેરળમાં 27મી સુધીમાં દસ્તક આપી શકે છે. હવામાન ખાતાએ એમ પણ કહ્યું કે આ અઠવાડિયે ઉત્તરાખંડ, આસામ, મેઘાલય અને કેરલમાં ભારે વરસાદની આગાહી છે. 



અત્રે જણાવવાનું કે હાલ તો ગુજરાતમાં સૂરજદાદાના અસહ્ય તાપથી લોકો ત્રાહિમામ થઈ રહ્યા છે. ગઈ કાલે રાજ્યના 10 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. અમદાવાદમાં સૌથી વધુ 43.6 ડિગ્રી તાપમાન જ્યારે ગાંધીનગરમાં 42.8 અને રાજકોટમાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જો ચોમાસું વહેલું બેસે તો ખેડૂતો માટે પણ તે ખુબ સારી વાત રહેશે. વાવાઝોડા અને માવઠાથી હેરાન પરેશાન થયેલા ખેડૂતો કાગડોળે હવે આકાશ તરફ મીટ માંડીને બેઠા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube