સવારે ઠંડી, બપોરે ગરમી..... આગામી પાંચ દિવસ કેવું રહેશે વાતાવરણ, હવામાન વિભાગે કરી આગાહી
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે બપોરના સમયે ગરમી લાગે છે. આ વચ્ચે હવામાન વિભાગે કહ્યું કે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નથી.
સપના શર્મા, અમદાવાદઃ ગુજરાતમાં આગામી પાંચ દિવસ કેવું વાતાવરણ રહેશે? હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે આગામી પાંચ દિવસ ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે. પાંચ દિવસ વરસાદની કોઈ સંભાવના નથી. તો લોકોને સવારે ઠંડીનો અનુભવ થશે જ્યારે બપોરે ગરમી લાગશે.
હવામાન વિભાગે કરી આગાહી
હવામાન વિભાગે કહ્યું કે અમદાવાદમાં 19.4 ડિગ્રી અને ગાંધીનગરમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન નલિયા 13.6 ડિગ્રી નોંધાયું છે. એટલે કે ગુજરાતમાં સૌથી વધુ ઠંડી નલિયામાં પડી રહી છે. હવામાન વિભાગે કહ્યું કે અમદાવાદમાં 18 ડિગ્રી અને ગાંધીનગરમાં 19 ડિગ્રી જેટલું તાપમાન રહેવાનું છે.
સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સવારે અને મોડી રાત્રે થોડી ઠંડી લાગે છે પરંતુ બપોરે લોકો ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. આ વચ્ચે હવામાન વિભાગે કહ્યું કે ગુજરાતમાં ઉત્તર-વેસ્ટર્લી તરફના પવનો ફૂંકાય રહ્યાં છે. અરેબિયન સીમાંથી પવન આવતો હોવાને કારણે સવારે ઠંડીનો અનુભવ થાય છે. જ્યારે બપોરે હવાની ગતિ ઓછી હોવાથી લોકો ગરમીનો અનુભવ કરી રહ્યાં છે.
આ પણ વાંચોઃ ગુજરાતની જનતાને મળશે નવી ભેટ, બેટ-દ્વારકામાં તૈયાર થઈ ગયો સિગ્નેચર બ્રિજ
ઉત્તર ભારતમાં વરસાદની આગાહી
હવામાન ખાતાની આગાહી મુજબ દેશના ઉત્તર ભાગોમાં અસર જેવા મળશે જેના લીધે પહાડો પર ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારમાં ઠંડો પવન ફૂંકાવવાની શક્યતા છે. પ્રાઈવેટ હવામાન એજન્સી સ્કાયમેટનાજ ણાવ્યાં મુજબ એક પછી એક એમ બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 17 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી વચ્ચે પહાડો પર પહોંચે તેવી શક્યતા છે. જેનાથી હિમવર્ષાની સાથે સાથે વરસાદ પણ પડી શકે છે. હવામાન ખાતાની આગાહી મુજબ શુક્રવારથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જવા મળશે. જેના લીધે પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ચંડીગઢ, જમ્મુ અને કાશ્મીર તથા યુપી સહિત દિલ્હી એનસીઆરના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે પહાડી વિસ્તારોમાં બરફવર્ષાની શક્યતા છે. તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે. હવામાન ખાતાએ બદલાતા હવામાનની સંભાવનાઓ ધ્યાનમાં લઈ સમગ્ર ઉત્તર ભારતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આગાહી મુજબ ઉ.ભારતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, અમુક વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ અને કરા પડી શકે છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાન ઘટી શકે છે.