સમગ્ર ગુજરાતમાં આકાશી આફત! બીજા રાઉન્ડમાં મેઘરાજાએ ગુજરાતના કયા જિલ્લાઓને ઘમરોળ્યા?
બનાસકાંઠાના વડગામ, લાખણી, પાલનપુર, ભાભર, સુઈગામ, થરાદ, કાંકરેજ અને ધાનેરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. વડગામ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થતાં અનેક ગ્રામીણ પંથકોના રસ્તાઓ ઉપર પાણી ભરાયા છે.
Gujarat Rain Forecast: લાંબા સમય પછી ઉત્તર ગુજરાતમાં મેઘરાજાનું આગમન થયું છે. બનાસકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લીમાં વરસાદ વરસ્યો છે. બનાસકાંઠાના વડગામ, લાખણી, પાલનપુર, ભાભર, સુઈગામ, થરાદ, કાંકરેજ અને ધાનેરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. વડગામ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થતાં અનેક ગ્રામીણ પંથકોના રસ્તાઓ ઉપર પાણી ભરાયા છે.
ખેડૂતોના મગફળી અને એરંડા સહિતના પાકોને જીવતદાન
વડગામના અનેક નિચાણવાળા વિસ્તારો સહિત વડગામથી ખેરાલુ જતા મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે...મુખ્ય માર્ગ ઉપર જ ઢીંચણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો ધીમિગતિએ વાહન ચલાવવા મજબુર બન્યા છે તો નાના વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો...જો કે વરસાદની ખેંચ વચ્ચે વરસાદનું આગમન થતાં ખેડૂતોના મગફળી અને એરંડા સહિતના પાકોને જીવતદાન મળ્યું છે.
બીજેશ્વર કોલોની પાસે પાણી ભરાયા
પાલનપુરના દિલ્લીગેટથી વડલીવાળા પરા થઈને અંબાજી તરફ જતાં માર્ગ પર બીજેશ્વર કોલોની પાસે પાણી ભરાઈ જતાં અનેક વાહનચાલકો અટવાયા હતા. બીજેશ્વર કોલોની પાસેના મુખ્ય રસ્તા પર સામાન્ય વરસાદમાં જ ઢીંચણસમા પાણી ભરાઈ જાય છે.. દર વર્ષે આવી જ સ્થિતિનું નિર્માણ થતું હોવા છતાં તંત્ર કોઈ કામગીરી નથી કરતું જેના લીધે સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે. સ્થાનિકોની એક જ માગ છે પાણીના નિકાલ થઈ જાય તેવી વ્યવસ્થા કરવામાં આવે.
મહેસાણા-મોઢેરાને જોડતો મુખ્ય માર્ગ બેટમાં ફેરવાયો
મહેસાણા શહેર અને જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન થયો છે. મહેસાણામાં બે ઈંચથી વધુ વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. મહેસાણા-મોઢેરાને જોડતો મુખ્ય માર્ગ બેટમાં ફેરવાયો છે. અવારનવાર પાણી ભરાઈ જતાં સ્થાનિકોમાં ભારે રોષ છે. પાણી ભરાઈ જતાં લોકોને મુશ્કેલી પડી રહી છે.
રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો
મહેસાણામાં વરસાદી માહોલ જામતા રાજકમલથી માલ ગોડાઉન તરફ જતો રસ્તો પાણીથી તરબોળ થયો છે. રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી લોકોની મુશ્કેલી વધી ગઈ છે. પાણી ભરાઈ જવાથી તંત્રની પ્રિ-મોન્સૂનની કામગીરીના દાવા પોકળ સાબિત થયા છે. રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. તો વરસાદી પાણી ભરાઈ જવાના લીધે ગાડી બંધ થયાના દ્રશ્યો પણ સામે આવ્યા. ગાડી બંધ થતાં ધક્કો મારીને લઈ જવાની નોબત આવી.
ભારે વરસાદથી ગોપીનાળુ પાણીથી આખુ ભરાઈ ગયું
મહેસાણામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી મહેસાણા-1 તરફના રાધનપુર ચોકડીથી ગોપીનાળા જતા મુખ્ય માર્ગ પર કેડસમા પાણી ભરાઈ ગયા. રસ્તા પર પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું. રસ્તા પર પાણી ભરાઈ જતાં વાહનચાલકો અટવાયા હતા. પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. ભારે વરસાદથી ગોપીનાળુ પાણીથી આખુ ભરાઈ ગયું અને આ પાણીમાં ફસાયેલા 13 જેટલા લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું. ગોપીનાળામાંથી ટ્રેક્ટરમાં સવાર થઈને 13 લોકો પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન ટ્રેક્ટર બંધ પડી જતાં લોકો ફસાયા હતા. આ અંગે જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને તમામ લોકોને સહી સલામત બહાર કાઢ્યા હતા.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મહેસાણા પહોંચ્યા હતા
મહેસાણાના હીરાનગરમાં 4 ઈંચ કરતા વધુ વરસાદ ખાબકડતા હીરાનગર ચોક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. દુકાનોમાં પણ પાણી ઘૂસતા દુકાનદારને મોટાપાયે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. પાણી ભરાવવાની સમસ્યા વર્ષો જૂની છે તેમ છતાં પણ તંત્ર કોઈ કામગીરી નથી કરતું. મહેસાણાના વિસનગરમાં પણ ભારે વરસાદથી નિચાણવાળા વિસ્તાર પાણીથી તરબોળ થઈ ગયા. વરસાદી પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. ભારે વરસાદની સ્થિતિ વચ્ચે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મહેસાણા પહોંચ્યા હતા અને વરસાદની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી.
ખેરાલુના અનેક વિસ્તારમાં પાણી ભરાયા
મહેસાણાના ખેરાલુમાં પણ વહેલી સવારથી મેઘરાજા મહેરબાન થતાં ઠેર-ઠેર પાણી ભરાયા. ખેરાલુ તાલુકા સેવા સદનના ગેટ પાસે પાણી ભરાઈ જતાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. વૃંદાવન ચોકડી પાસે નદીની જેમ પાણી વહેતું થયું, તો મ્યુનિસિપલ હાઈસ્કૂલનું મેદાન બેટમાં ફેરવાઈ ગયા. ખેરાલુના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે.