દ્રોપદી હોય કે સીતા દરેકની એક જ પ્રકારની છબી રજૂ કરવામાં આવે છે: રાણા સફવી
શી ધ પીપલે ફિક્કી ફ્લો, અમદાવાદની ભાગીદારીમાં શહેરમાં વીમેન રાઈટર્સ ફેસ્ટિવલ, 2018ની સૌપ્રથમ આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલ્પના મોરપરિયા, સુધા મેનન, મલ્લિકા દુઆ, સોનુ ભસિન, ગાયત્રી રંગાચારી શાહ, અનૈતા અડાજણીયા, રાણા સફવી, ઈરા મુખોટી, સાવી શર્મા, શૈલી ચોપરા, કિરણ મનરાલ તથા સબા નક્વી જેવા જાણીતાં મહિલા વક્તાઓ સહિત અન્યોએ પોતાના અનુભવો રજૂ કર્યાં હતા. મહિલા લેખિકાઓ તથા શહેરના વાચકો માટે એકબીજા સાથે સંવાદ સાધવા અને તેમની સાથે ચર્ચા કરવા માટે આ ઈવન્ટ એક યોગ્ય મંચ બની રહ્યો હતો.
અમદાવાદ: શી ધ પીપલે ફિક્કી ફ્લો, અમદાવાદની ભાગીદારીમાં શહેરમાં વીમેન રાઈટર્સ ફેસ્ટિવલ, 2018ની સૌપ્રથમ આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલ્પના મોરપરિયા, સુધા મેનન, મલ્લિકા દુઆ, સોનુ ભસિન, ગાયત્રી રંગાચારી શાહ, અનૈતા અડાજણીયા, રાણા સફવી, ઈરા મુખોટી, સાવી શર્મા, શૈલી ચોપરા, કિરણ મનરાલ તથા સબા નક્વી જેવા જાણીતાં મહિલા વક્તાઓ સહિત અન્યોએ પોતાના અનુભવો રજૂ કર્યાં હતા. મહિલા લેખિકાઓ તથા શહેરના વાચકો માટે એકબીજા સાથે સંવાદ સાધવા અને તેમની સાથે ચર્ચા કરવા માટે આ ઈવન્ટ એક યોગ્ય મંચ બની રહ્યો હતો.
આ અનોખા કાર્યક્રમ અંગે પોતાનો ઉત્સાહ દર્શાવતા ફિક્કી ફ્લોના અમદાવાદ ચેપ્ટરના ચેરપર્સન શુભા ભંડારીએ જણાવ્યું હતું કે ભારતીય લેખકોમાં મહિલા લેખકોની સંખ્યા ઘણી નોંધપાત્ર છે. વીમેન રાઈટર્સ ફેસ્ટિવલ, 2018 એ આ મહિલા લેખિકાઓના વિવિધ પાસાંઓની ઉજવણીનું માધ્યમ બન્યું છે. આ એક પ્રજાતાંત્રિક સ્થળ છે જેમાં લેખન, કારોબાર, ઉદ્યોગસાહસિકતા, પર્યાવરણ સહિતના અનેકવિધ ક્ષેત્રોના લોકો અને વક્તાઓ ભાગ લઈ રહ્યાં છે જે ઘણી પ્રોત્સાહક બાબત છે.
ફિક્શન અને નોન-ફિક્શન લેખનને જોડતા આ એક દિવસના કાર્યક્રમમાં સમાજના વિવિધ તબક્કાની મહિલાઓએ વિવિધ પેનલ ડિસ્કશન તથા લેખક બનવાની મહત્ત્વાકાંક્ષા ધરાવતા લોકો માટે આયોજીત કાર્યશિબિરમાં ભાગ લીધો હતો. આ ફેસ્ટિવલનો હેતુ સામાન્ય રીતે અન્ય મંચ પર કોરાણે મુકાઈ જતી મહિલાઓ સંબંધિત સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવાનો પણ હતો. ‘હીરોઈન, હિસ્ટરી એન્ડ અસ’ ના પ્રારંભિક સત્રમાં જાણીતાં ઈતિહાસકાર, લેખક અને હઝરત-એ દિલ્હીના બ્લોગર રાણા સફવીએ જણાવ્યું હતું કે વધુ અસરકારક રીતે ઈતિહાસ લખવાની જરૂરને ધ્યાનમાં રાખીને હું ઈતિહાસ લેખન તરફ વળી હતી. ઈતિહાસમાં મહિલાઓને કાયમ પ્રેમિકાના પાત્ર સાથે સાંકળવામાં આવે છે.
જોકે વાસ્તવમાં મહિલાઓ ઈતિહાસમાં ઘણું યોગદાન આપ્યું છે. દ્રોપદી હોય કે સીતા દરેકની એક જ પ્રકારની છબી રજૂ કરવામાં આવે છે. મોગલ યુગમાં પણ ખાનઝાદા બેગમ અને રઝિયા સુલ્તાન જેવી બાહોશ અને મજબૂત મહિલા નેતાઓ હતી. આપણે જે ઈતિહાસ વાંચીએ છીએ તે સત્તા અને પ્રાદેશિક સંઘર્ષ પર કેન્દ્રીત હોય છે જે પુરુષોની સિદ્ધિઓ પર ભાર મુકે છે. મહિલાઓને હંમેશા સતિ કે જૌહર કરતી દર્શાવાય છે. કમનસીબે મજબૂત મહિલાને ધૂર્ત તરીકે જોવાય છે. નેતૃત્વ અને કાર્યક્ષેત્રમાં મહિલાઓ અંગેના સત્રમાં જાણીતા ફેમિલી બિઝનેસ કન્સલ્ટન્ટ અને લેખિકા સોનુ ભસીને
જણાવ્યું હતું કે નેતૃત્વની કોઈ જાતિ નથી હોતી. નેતૃત્વમાં જાતિય તટસ્થતા લાવવાનો પ્રયાસ આવશ્યક છે. સાચું નેતૃત્વ ભલે પછી તે પુરુષના હાથમાં હોય કે મહિલાના હાથમાં હોય, તેનો ધ્યેય લોકોનો ભાર હળવો કરવા અને તેમની સમસ્યાઓ દૂર કરવાનો હોવો જોઈએ.
કોલેજ પૂરી કરી કોર્પોરેટ વિશ્વમાં પ્રવેશવા સજ્જ યુવાઓને સલાહ આપતા તેમણે જણાવ્યું હતું કે આ એક જંગલ છે પરંતુ તેના માટે તમારે પ્રાણી બનવું જરૂરી નથી. પેન્ગવિન રેન્ડમ હાઉસના મિલી ઐશ્વર્યા દ્વારા હાથ ધરાયેલી કાર્યશિબિરની લેખક બનવા ઈચ્છતા લોકોએ ખુબ પ્રશંસા કરી હતી, જેમાં તેમને પોતાના પ્રથમ પુસ્તકના પ્રકાશન અંગે ઉપયોગી માહિતી મળી હતી, જ્યારે એવોર્ડ વિજેતા જાણીતાં ગુજરાતી કવિ ઉદયન ઠક્કરે ગુજરાતી કવિતાઓના રસિયાઓના મન મોહી લીધાં હતાં.
પૌરાણિક ગ્રંથોના પોતાના અર્થઘટન માટે જાણીતાં લેખક દેવદત્ત પટ્ટનાયકે પૌરાણિક કથાઓથી શરૂ કરી તેને અસર કરતાં જાતિ આધારિત અવલોકનો રજૂ કર્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે એક વ્યક્તિનું સત્ય અન્ય માટે સત્ય ના પણ હોઈ શકે. આ એક વેન ડાયગ્રામ જેવું છે અને તમારા કેટલાંક સત્ય અન્ય માટે સમાન હોઈ શક છે. આપણે ભારતીયો હંમેશા આ સમાવેશક અભિગમ રાખીએ છીએ. વૈવિધ્યતા એ સત્યોમાં તફાવત છે, ત્વચાના રંગમાં નહીં.
આપણાં પૌરાણિક ગ્રંથોમાં જાતિય અવલોકનો અંગે બોલતાં તેમણે જણાવ્યું હતું કે ભગવાનની કલ્પના હંમેશા પુરુષ તરીકે જ કરાય છે. ભગવાને આદમની રચના કરી અને તેના શરીરમાંથી ઈવની રચના થઈ તેમ મનાય છે. મહિલાઓ જન્મ આપે છે અને પ્રજનન કરે છે તે સત્યથી આ માન્યતાઓ વિરોધાભાસી છે. આ બધું કોણે લખ્યું? શું પુરુષોએ આ બધું લખ્યું? આપણે બધાંએ આ અંગે વિચારી એક મત ઉભો કરવાની જરૂર છે. પુરાણોમાં પુરુષોનું નિયંત્રણ છે. મહિલાઓની તુલનાએ પુરુષોનું શરીર વિશેષ ગણાય છે અને આથી જ રજસ્વલામાં આવેલી મહિલાઓ રસોડામાં પ્રવેશ નથી કરતી. પુરાણોમાં એવું પણ કહેવાયું છે કે પુરુષ મહિલાના ગર્ભમાંથી નથી ઉત્પન્ન થયો અને જે મહિલાઓથી દૂર રહે છે તે શ્રેષ્ઠ છે. આજના યુગમાં સીતા અને દ્રૌપદી ઉપરાંત સતિ અને સાવિત્રી જેવી બહાદૂર મહિલાઓની કથાઓને પણ વધુ મહત્વ આપવાની જરૂર છે.
વ્હાય ફની વીમેન કેન ચેન્જ ધ વર્લ્ડ નામના સત્રમાં મલ્લિકા દુઆએ જણાવ્યું હતું કે આનંદી હોવું તે એક ગુણ છે તે બાબત સાથે સહમત થવાનું આપણને મહિલાઓને નથી શીખવાડાયું. તમારી સામગ્રી તૈયાર કરી તે વખતે વ્યાપક બાબતોને ધ્યાનમાં રાખીને વિચારો. કોમેડીને અવરોધવી કે તેને ફિલ્ટર કરવી જોઈએ નહીં. સ્વચ્છ કોમેડીનો કોઈનો આઈડીયા અન્ય વ્યક્તિ માટે 20 વર્ષ જૂની કોમેડી પણ હોઈ શકે છે.
લાઈવ પરફોર્મન્સીસ અને પુરુષ તથા મહિલા પરફોર્મર્સ વચ્ચેના તફાવત અંગે બોલતા તેમણે જણાવ્યું હતું કે મેં ઓપન માઈક્સથી શરૂ કર્યું અને અન્ય શહેરમાંથી આવી ખૂબ મહેનત કરી છે. સ્ટેજ પર પરફોર્મ કરતી મહિલાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો હોવા છતાં હજી ઘણી બાબતોનું સમાધાન બાકી છે. નેટવર્ક્સ હવે વધુ જાગૃત બન્યાં છે અને તેઓએ ફોર્મ્યુલા બદલવા માટે મહિલા કોમિક્સનો સંપર્ક કરવાનું શરૂ કર્યું છે. દિવસ દરમિયાન યોજાયેલા અન્ય સત્રોમાં ‘વીમેન ઈન ધ બોર્ડરૂમ’, ‘વીમેન ઈન જર્નાલિઝમ એન્ડ પોલિટિક્સ’, ‘વીમેન ટ્રાન્સફોર્મિંગ બોલિવૂડ’ ઉપરાંત ‘હાઉ આઈ માર્કેટેડ માયસેલ્ફ એન્ડ પબ્લિશ્ડ એ બૂક ટુ બીકમ એ બેસ્ટસેલર’ પર સાવી શર્માના સત્રનો સમાવેશ થાય છે.